
ફુત્સેરો નાગાલેન્ડના દક્ષિણ ભાગમાં એક પર્વત પર આવેલું એક નાનું, ડુંગરાળ ગ્રામીણ નગર છે. 2,133 મીટરની ઊંચાઈ પર આવેલું આ શહેર નાગાલેન્ડમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલી વસાહત તરીકે નોંધાયેલ છે અને પરિણામે તે રાજ્યનું સૌથી ઠંડું નગર છે. અહીંના મોટાભાગના રહેવાસીઓ ચાખેસાંગ જનજાતિના છે, જે નાગાલેન્ડની અધિકૃત રીતે માન્યતા પ્રાપ્ત 17 જનજાતિઓમાંની એક છે.
આ નગર વિવિધ ગામડાઓથી ઘેરાયેલું છે અને આ ગામડાઓના લોકો બેંકો, ક્યારેક જ કાર્યરત રહેતા બે એટીએમ, એક સરકારી હોસ્પિટલ અને કોલેજ જેવી સુવિધાઓનો લાભ લેવા વારંવાર આ નગરમાં આવે છે. તેઓ અહીં કોસ્મોસ ફૂલો જોવા પણ આવે છે, જેના માટે આ નગર જાણીતું છે.
કોસ્મોસ ફૂલોના છોડ પોતાની મેળે બીજ ફેલાવીને કુદરતી રીતે જ ઉગી નીકળે છે. આ છોડ વસંતઋતુના અંતમાં ઉગી નીકળે છે; પાનખરમાં સફેદ, ગુલાબી, કેસરી અને ઘેરા લાલ (મરૂન) રંગોમાં ખીલે છે; ત્યારબાદ તેઓ તેમના બીજ ખેરવી નાખે છે; અને પછીના વર્ષે ફરીથી નવા છોડ ઉગી નીકળે છે. આ છોડ લગભગ ગમે ત્યાં ઉગી નીકળે છે અને ખીલી ઊઠે છે—ધૂળિયા રસ્તાઓને કિનારે, દીવાલોની તિરાડોમાં, ફૂલના ક્યારાઓની ફળદ્રુપ માટીમાં, કે પછી આપણા પડોશની દીવાલો વચ્ચેની ખાલી જગ્યાઓમાં. આ ફૂલોને ખાસ જાળવણીની જરૂર પડતી નથી અને તે પોતાની મેળે બધે જ પુષ્કળ પ્રમાણમાં ખીલતા હોવાથી ફુત્સેરો નગર કોસ્મોસ ટાઉન તરીકે ઓળખાવા લાગ્યું હતું.
જોકે, છેલ્લાં થોડાં દાયકાઓમાં આ નગરમાં ઘણા ફેરફારો આવ્યા છે—જેમ કે વધતી વસ્તી, નવાં મકાનો, રસ્તાઓ, દુકાનો અને બીજી માળખાકીય સુવિધાઓનું નિર્માણ—જેના કારણે કોસ્મોસ ફૂલોની સંખ્યામાં ઘટાડો થયો છે.
1980 ના દાયકામાં ફુત્સેરો જેવું હતું તેની સુખદ સ્મૃતિઓને આધારે અમે—2005 માં સ્થપાયેલી કાલોસ સોસાયટીના 34 સભ્યોના એક જૂથે —કોસ્મોસ કેલિડોસ્કોપનું આયોજન કર્યું હતું, આ પહેલનો ઉદ્દેશ્ય ફુત્સેરોમાં પુનઃબીજારોપણ કરવાનો (ફરીથી કોસ્મોસ ફૂલ ખીલવવાનો) હતો. અમે બધા આ નગરના રહેવાસીઓ છીએ અને અમે ફુત્સેરો એક્સપિરિયન્સ, નિઃશુલ્ક આરોગ્ય શિબિરો, વરિષ્ઠ નાગરિકો માટેનો એક કાર્યક્રમ, ફિફા (ફૂટબોલ મેચો) નું સામુહિક પ્રસારણ, સંગીતના કાર્યક્રમો, મેરેથોન અને વાર્ષિક રાહત કાર્યક્રમો જેવા અનેક આયોજનો કર્યા છે.
વર્ષ 2020 માં અમે ફુત્સેરો નગર અને તેની આસપાસના ગામડાઓમાં છૂટાછવાયા ઉગેલા કોસ્મોસના થોડા ફૂલોમાંથી લગભગ 20 કિલોગ્રામ બીજ એકઠા કરીને તેને સ્થાનિક રહેવાસીઓમાં વહેંચ્યા હતા. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સામુદાયિક સહભાગિતા પર આધારિત હતો. નગરના 11 વોર્ડમાંથી દરેકને ચોક્કસ માત્રામાં બીજ આપવામાં આવ્યા હતા અને રહેવાસીઓને પોતપોતાના વોર્ડમાં કોસ્મોસનું પુનઃબીજારોપણ કરવાની તેમજ સ્વચ્છતા જાળવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ઓક્ટોબર 2020 માં કોસ્મોસના ફૂલો ખીલવાની મોસમ આવી ત્યારે અમે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ પ્રકારના ફૂલોના પ્રદર્શનની સાથેસાથે ફોટોગ્રાફી, ચિત્રકલા, લેખન અને ગાયન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
ત્યારથી આ નગરમાં કોસ્મોસ ફૂલોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અમને સમજાયું કે જ્યારે અમે એક જૂથ તરીકે લોકોને ભાગ લેવા માટે આમંત્રિત કરીએ છીએ અને મનોરંજક, વ્યવહારુ કાર્યક્રમોનું આયોજન કરીને તેમને પ્રોત્સાહિત કરીએ છીએ ત્યારે સામુદાયિક ભાગીદારી સફળ થાય છે. આમ કરવાથી લોકો વ્યક્તિગત અને સામૂહિક બંને સ્તરે એ કામને પોતાની જવાબદારી સમજે છે.
વર્ષ દરમિયાન કાલોસે સ્વચ્છતા અને કોસ્મોસના પુન:બીજારોપણ માટેની ઝુંબેશમાં સમુદાયની ભાગીદારીનું અવલોકન કર્યું હતું, અને શ્રેષ્ઠ કામગીરી કરનારા ચાર વોર્ડને રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
આ રોકડ પુરસ્કાર (માટેનું ભંડોળ) પણ સમુદાયમાંથી જ પ્રાપ્ત થાય છે. અમે સરકાર, સીએસઆર અથવા કોઈપણ સંગઠનો પાસેથી ભંડોળ માગતા નથી. શુભેચ્છકો, ચર્ચો, નગર વહીવટકર્તાઓ અને આ નગરના સ્થાનિક વ્યાપારી સંગઠનો ક્યારેક આર્થિક સહયોગ આપે છે તેમજ કાર્યક્રમો અને આયોજનોમાં મદદરૂપ થાય છે. અમે ઇરાદાપૂર્વક સ્વ-ભંડોળ મોડેલ જાળવી રાખ્યું છે (અમારી આર્થિક સ્વતંત્રતા જાળવી રાખી છે). જૂથના કેટલાક સભ્યો આર્થિક સહાય પૂરી પાડે છે જ્યારે બીજા પોતાના કૌશલ્ય અને સંપર્કો દ્વારા યોગદાન આપે છે.
ત્યાર પછીના વર્ષોમાં અમે કોસ્મોસ કેલિડોસ્કોપનું આયોજન કરવાનું ચાલુ નહોતું રાખ્યું. જોકે કોસ્મોસ ફેસ્ટિવલનો વિચાર અમારો હતો, પરંતુ તે એક સામૂહિક સ્વપ્ન બની ગયો હતો; બીજા યુવા જૂથોએ પણ આ વિચાર અપનાવ્યો હતો અને પછીના થોડા વર્ષોમાં તેમણે પોતે જ, અમારી કોઈ પણ દખલગીરી વિના, કોસ્મોસ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. પછીથી કોસ્મોસના બીજ નજીકના ગામડાઓમાં અને કાપામોદ્ઝુ જેવા સ્થળોએ પહોંચાડવામાં આવ્યા હતા, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ સ્થળો પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણ બની ગયા છે.
કોસ્મોસ ફૂલો ફરી એકવાર ફુત્સેરોને શોભાવશે અને અમે આશા રાખીએ છીએ કે આ વર્ષે અમે ફરીથી કોસ્મોસ ફેસ્ટિવલનું આયોજન કરી શકીશું.
કુપેલ્હી લોસોઉ ફુત્સેરો સ્થિત એક સક્રિય સામુદાયિક આયોજક, સામાજિક કાર્યકર અને નાગરિક સમાજના અગ્રણી છે.
કુવેથિલુ થુલુઓ (આઇડીઆર નોર્થઈસ્ટ ફેલો 2026-27) ને જણાવ્યા મુજબ.
આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.
—
વધુ જાણો: આસામના એક ખેડૂતે એક ફૂલને બચાવવા માટે આખું જંગલ કેવી રીતે ઉગાડ્યું તે વિશે વધુ વાંચો.
વધુ કરો: લેખકના કામ વિષે વધુ જાણવા અને તેમના કામને તમારું સમર્થન આપવા [email protected] પર તેમનો સંપર્ક સાધો.