વિનોબા ભાવેના નેતૃત્વમાં 1950 અને 60 ના દાયકામાં ગ્રામદાન, અથવા ગામડાઓ દ્વારા જમીનની સામૂહિક માલિકી, એ એક મુખ્ય સામાજિક આંદોલન તરીકે ઉભરી આવ્યું હતું. આજે પણ 3,000 થી વધુ ગ્રામદાની ગામો અસ્તિત્વમાં છે પરંતુ આ સમુદાયો જટિલ પડકારોનો સામનો કરે છે.

Read article in Hindi
6 min read

ભારતમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિળનાડુ, ઉત્તર પ્રદેશ અને ઓડિશા એમ આઠ રાજ્યોમાં ફેલાયેલા અંદાજે 3,660 ગ્રામદાની ગામો છે. તેમાંથી આવા સૌથી વધુ (1,309) ગામો ઓડિશામાં જોવા મળે છે. ગ્રામદાન એક એવી પ્રથા છે જેમાં એક આખું ગામ પોતાની જમીન ગ્રામસભા અથવા ગ્રામસમિતિને જેવા સ્વતંત્ર એકમને નામે કરી દે છે. એક સમયે સંસાધન વ્યવસ્થાપન અધિકારોની સામુદાયિક સ્તરે પુનઃકલ્પના કરવા માટેનું આ એક મોટું આંદોલન હતું, પરંતુ આજે ઘણા ગ્રામદાની ગામો માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે. ઝારખંડ અને બિહાર, જ્યાં 1,600 થી વધુ ગ્રામદાની ગામો નોંધાયેલા છે ત્યાં ઘણી ગ્રામસભાઓ કામ કરતી બંધ થઈ ગઈ છે, અને યુવા પેઢીઓ આ પ્રણાલીથી અજાણ છે.

બીજા કિસ્સાઓમાં, સરકારે ગ્રામદાનની માન્યતા પાછી ખેંચી લીધી છે. આસામમાં પહેલા સત્તાવાર રીતે નોંધાયેલા 312 ગ્રામદાની ગામો હતા, પરંતુ સપ્ટેમ્બર 2022 માં રાજ્ય સરકારે કોઈપણ જાહેર ચર્ચા વિના ગ્રામદાન અને ભૂદાન બંને કાયદા રદ કર્યા હતા. આ બાબત આજે ભારતમાં ગ્રામદાન જેવા સામૂહિક માલિકીના વિચારો પ્રત્યે જાગૃતિ અને રાજકીય પ્રતિબદ્ધતા ઓછી થઈ ગઈ હોવાનું સ્પષ્ટ કરે છે.

ભૂદાન આંદોલન અને ગ્રામદાનના મૂળ

ગ્રામદાનનો વિચાર 1950 અને 60 ના દાયકાના ભૂદાન આંદોલનમાંથી ઉદ્ભવ્યો હતો. પરાગ ચોળકરના પુસ્તક “ધ અર્થ ઇઝ ધ લોર્ડ્સ: સાગા ઓફ ભૂદાન-ગ્રામદાન મુવમેન્ટ” માં સમજાવવામાં આવ્યું છે કે ભૂદાનમાં મોટા જમીનમાલિકો ભૂમિહીનોને જમીન દાનમાં આપતા હતા, જ્યારે ગ્રામદાનનો અર્થ એ હતો કે એક આખું ગામ સામૂહિક રીતે પોતાની જમીનની માલિકીના હક ગ્રામસભા અથવા ગ્રામસમિતિને નામે તબદીલ કરી દેતું હતું. આ વ્યવસ્થા હેઠળ બહારના લોકો અથવા બિન-રહેવાસીઓ ગ્રામદાની ગામમાં આ જમીન ખરીદી શકતા નહોતા, જ્યારે જમીનમાલિકો તેના પર ખેતી કરવાનું ચાલુ રાખી શકતા હતા અને કોઈપણ લાભ અથવા નફો કમાઈ શકતા હતા.

What is IDR Answers Page Banner

1942 માં ભારત છોડો આંદોલનમાં સક્રિય ભાગ લેનારા વિનોબા ભાવે 1951 માં હૈદરાબાદ નજીકના પોચમપલ્લી ગામમાં બનેલી એક ઘટનાથી પ્રેરિત થયા ત્યારે ભૂદાનનો ખ્યાલ ઉભરી આવ્યો હતો. ત્યાં એક જમીનદારના દીકરા રામચંદ્ર રેડ્ડીએ પોતાની જમીન ભૂમિહીનોને આપી દીધી હતી. તેનાથી પ્રભાવિત થઈને વિનોબા ભાવેએ સમગ્ર ભારતના જમીનમાલિકોને તેમની જમીનનો એક હિસ્સો ભૂમિહીનોને આપવા વિનંતી કરી હતી, આ રીતે ભૂદાન આંદોલનની શરૂઆત થઈ હતી.

દેશભરમાં પોતાની પદયાત્રા દરમિયાન વિનોબાએ જોયું કે ગામડાઓ તેમની બધી જ જમીન ગ્રામસભાને સોંપવા તૈયાર છે. તેમણે પ્રસ્તાવ મૂક્યો કે દરેક જણે ફક્ત પોતાની જમીનનો હિસ્સો જ નહીં, પરંતુ પોતાની આવકનો 1/40 મો ભાગ પણ સામૂહિક ભંડોળમાં ફાળારૂપે આપવો જોઈએ, જેનો ઉપયોગ ભૂમિહીનોના અને આખા ગામના ભલા માટે સંસાધનો એકત્ર કરવા માટે થઈ શકે. આ દ્રષ્ટિકોણ વિકસિત થયો હતો અને પાછળથી ગ્રામદાન તરીકે ઓળખાયો હતો, તેને મહાત્મા ગાંધીના ગ્રામસ્વરાજના વિચારનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે.

2024 માં, મહારાષ્ટ્રમાં ગઢચિરોલી જિલ્લાનું મેંઢા-લેખા ગામ મહારાષ્ટ્ર ગ્રામદાન અધિનિયમ, 1964 હેઠળ કાયદેસર રીતે પોતાને ગ્રામદાની ગામ જાહેર કરી દાયકાઓ જૂના આંદોલનનું નવીનતમ ઉદાહરણ બન્યું હતું.

green fields, with those farther away cut into neat plots, and blue skies with some clouds--gramdan
પારદર્શિતા, સક્રિય ભાગીદારી અને ગ્રામસભા પ્રણાલીની સમજ વિના સમુદાય માટે કાનૂની પગલાંના અસ્તિત્વનું કોઈ મહત્વ નથી. | તસવીર સૌજન્ય: વિકિમીડિયા કોમન્સ

ગ્રામદાની ગામડાઓ સામેના સમકાલીન પડકારો

ગ્રામદાન પ્રણાલી હેઠળ ગ્રામસભા અંતિમ અને બંધનકર્તા સત્તા છે, પરંતુ ગ્રામ્ય સ્તરે નિર્ણય લેવાની સત્તા અંગે સ્પષ્ટતાનો અભાવ રાજ્ય સરકાર અને સમુદાયો વચ્ચે ઘર્ષણનું કારણ રહ્યો છે.

1. જમીનની માલિકી અંગેના વિવાદ

ઐતિહાસિક રીતે ઘણા રાજ્યોમાં ગ્રામદાન પ્રણાલી વ્યાપકપણે સ્વીકારાવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, 1965 સુધીમાં રાજસ્થાનના કુલ 426 ગામોએ ગ્રામદાન પ્રણાલી અપનાવી હતી, જોકે, તે સમયે રાજ્યમાં ગ્રામદાન બોર્ડની રચના કરવામાં આવી ન હતી. 1971 માં ગ્રામદાન અધિનિયમ, 1960 ને સ્થાને એક નવો રાજસ્થાન ગ્રામદાન અધિનિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

donate banner

1971 નો અધિનિયમ આજ સુધી અમલમાં છે, પરંતુ તેના અમલીકરણમાં વિવિધ અનિયમિતતાઓ જોવા મળી છે. રાજ્યના ડુંગરપુર જિલ્લાના અનેક ગ્રામદાની ગામોમાં ગ્રામસભાઓના અધ્યક્ષો પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં અધિકારીઓએ ગેરકાયદેસર રીતે જમીન ફાળવી હતી અથવા બહારના લોકોએ ગ્રામદાની જમીન પર કબજો કરી લીધો હતો. આ ઘટનાઓ બાદ આ પ્રણાલીમાંથી બહાર નીકળવા માગતા ગામોના લોકોએ ગ્રામદાની હટાઓ સંગ્રામ સમિતિની રચના કરી હતી અને હવે તેઓ જમીનની માલિકી પાછી મેળવવા માટે કાનૂની લડાઈ લડી રહ્યા છે.

આ દર્શાવે છે કે પારદર્શિતા, સક્રિય ભાગીદારી અને ગ્રામસભા પ્રણાલીની સમજ વિના સમુદાય માટે કાનૂની અથવા બંધારણીય પગલાંના અસ્તિત્વનું કોઈ મહત્વ નથી.

2. સરકારી યોજનાઓ સાથે સંકલનનો અભાવ 

મહારાષ્ટ્રમાં ખેડૂતો ગ્રામદાનનો વધુ ને વધુ વિરોધ કરી રહ્યા છે કારણ કે તેને કારણે સરકારી યોજનાઓની પહોંચમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ઉદાહરણ તરીકે, 2022 માં ભારે વરસાદ અને પૂરને કારણે સોયાબીનના પાકને ભારે નુકસાન થયું હતું ત્યારે ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ રાહત માગી હતી. જોકે, મોટાભાગના દાવાઓ નકારી કાઢવામાં આવ્યા હતા, વીમા કંપનીઓએ જણાવ્યું હતું કે જમીનો ખેડૂતોના નામે નોંધાયેલી ન હોવાથી તેઓ વળતર માટે પાત્ર નથી. આ કંપનીઓએ આ વીમા યોજનાઓમાં ખેડૂતોની નોંધણી કરતી વખતે તેમને આ જાણકારી આપી નહોતી. પ્રીમિયમ તરીકે સમયસર 6,000 રુપિયા ચૂકવ્યા હોવા છતાં ખેડૂતોને કોઈ રાહત મળી નહોતી.

નાના અને સીમાંત ખેડૂતોને આવક સહાય પૂરી પાડતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પણ ખેડૂતોને આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તેમની પાસે પ્રમાણભૂત માપદંડ કરતા ઓછી જમીન હોવા છતાં તેઓ વળતરનો દાવો કરી શકતા નથી કારણ કે તેમની પાસે જમીનની સીધી માલિકી નથી.

આ પડકારો વચ્ચે મહારાષ્ટ્રમાં કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત માત્ર 20 જ ગ્રામદાની ગામડાઓ રહ્યા છે. 

3. ગ્રામસભાઓ તેમના અધિકારોનો દાવો કરવામાં અસમર્થ છે

સમય જતાં નવા કાયદાઓ અને સુધારાઓ લાગુ થવાને કારણે ગ્રામસભાઓ નબળી પડી છે. ઉદાહરણ તરીકે, 1995 માં, રાજસ્થાનના 1971 ના ગ્રામદાન અધિનિયમની કલમ 43 દૂર કરવા માટે સુધારો કરવામાં આવ્યો હતો, આ કલમ દ્વારા ગ્રામસભાને પંચાયતની જેમ જ કાર્ય કરવાની સત્તા આપવામાં આવી હતી, પરંતુ હવે તેમ નથી. પરિણામે, હાલના સંજોગોમાં જો ગ્રામપંચાયતનો સરપંચ ગ્રામદાની ગામમાં સમુદાયના સમર્થનમાં ઊભો ન રહે તો એ ગામનો વિકાસ અટકી જાય છે. કલમ 43 દૂર થયા પછી રાજસ્થાનમાં નોંધાયેલા ગ્રામદાની ગામોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

વધુમાં, ગ્રામદાનનો ભાગ હોય તેવી જમીન સરકાર ભલે સીધી રીતે સંપાદિત કરી શકતી નથી, પરંતુ વાસ્તવમાં કેટલાક ગામડાઓમાં ગ્રામસભાઓ તેમના અધિકારોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં અને પોતાનો અધિકારો માટે દાવો કરવામાં અસમર્થ રહી છે. 2014 માં, વિદર્ભ ભૂદાન-ગ્રામદાન સહયોગ સમિતિ, નાગપુર દ્વારા પશ્ચિમ આસામના બોકો અને કામરૂપ જિલ્લામાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે છ ગ્રામદાની ગામોમાં પંચાયતો પાસે સત્તા નહોતી, પરિણામે ગામડાઓના વિકાસ પર પ્રતિકૂળ અસર પડી હતી.

એટલું જ નહીં, ઘણા રાજ્યોમાં ગ્રામસભાઓને નિર્ણયો લેવા માટે સશક્ત બનાવતા પંચાયત (એક્સ્ટેન્શન ટુ શિડ્યુલ્ડ એરિયાસ) એક્ટ અથવા પેસા – પંચાયત (અનુસૂચિત વિસ્તારોનું વિસ્તરણ) અધિનિયમ – જેવા બીજા કાયદાઓ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યા નથી, પરિણામે ગ્રામદાની ગામોને આપવામાં આવેલું કાનૂની રક્ષણ નબળું પડ્યું છે. બિન-અનુસૂચિત વિસ્તારોમાં ગ્રામદાનને હજી પણ કાનૂની માન્યતા પ્રાપ્ત નથી, પરિણામે ગ્રામસભાઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો ઘણીવાર વહીવટી આદેશો દ્વારા રદ કરવામાં આવે છે.

a field with a small silo covered with weeds--gramdan
બિન-અનુસૂચિત વિસ્તારોમાં ગ્રામદાનને હજી પણ કાનૂની માન્યતા પ્રાપ્ત નથી | તસવીર સૌજન્ય: પૂજા રાઠી

સફળ મોડેલો અસ્તિત્વમાં છે

આ પડકારો વચ્ચે કેટલાક ગામડાઓ એવા છે જે સારી રીતે કામ કરી રહેલા ગ્રામદાનના જીવંત ઉદાહરણો છે, તેમાંથી મુખ્ય છે મેંઢા-લેખા. છેલ્લા એક દાયકાથી અહીંની ગ્રામસભાએ અભ્યાસ મંડળ તરીકે ઓળખાતી એક પ્રણાલી સ્થાપિત કરી છે, જેમાં ગામના પુખ્ત વયના બધા લોકો સાથે બેસીને સામાન્ય સમસ્યાઓનો સામૂહિક રીતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. 2013 સુધીમાં આ ગામે પોતાની ખેતીની બધી જ જમીન – બહારના અથવા ખાનગી હિતોથી સુરક્ષિત રાખીને – સહિયારી સંમતિથી ગ્રામસભાના નિયંત્રણમાં તબદીલ કરી દીધી હતી. ત્યારથી આ ગ્રામસભાએ સરકાર મહારાષ્ટ્ર ગ્રામદાન અધિનિયમ, 1964 ની સંબંધિત કાનૂની જોગવાઈઓ લાગુ કરે એવી માંગ કરવા માટે એક ઔપચારિક પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

રાજસ્થાનનું સીડ ગામ પણ આ દિશામાં સતત પ્રયાસ કરી રહ્યું છે. કાયદેસર રીતે ગ્રામદાન અધિનિયમના દાયરામાં ન હોવા છતાં અહીં ગ્રામસભાએ પાણી, જંગલો અને ચરાગાહ અથવા ચરાણની જમીન જેવા સહિયારા સંસાધનોના વ્યવસ્થાપનમાં સક્રિય ભૂમિકા ભજવી છે. આ દર્શાવે છે કે ઔપચારિક ગ્રામદાન કાયદાની ગેરહાજરીમાં પણ ગામની પરંપરાઓને જીવંત રાખીને સામૂહિક માલિકી જાળવી શકાય છે અને ટકાવી શકાય છે. આ માટે ગ્રામસભાની સ્વીકૃતિ અને સક્રિય ભાગીદારી ચાવીરૂપ છે.

જોકે, શહેરીકરણ, રસ્તાઓના વિસ્તરણ અને બીજી માળખાકીય યોજનાઓ, આબોહવા સંબંધિત અને પર્યાવરણીય આફતો અને પાકના ઘટતા ઉત્પાદન જેવા દબાણોએ ગ્રામીણ અને ખેડૂત સમુદાયો માટે વાસ્તવિક પડકારો ઊભા કર્યા છે. વધુમાં, કાનૂની અવરોધો અને જાહેર નીતિઓના ધ્યેયો અને તેમના અમલીકરણ વચ્ચેની વિસંગતતા ગ્રામદાનની સામૂહિક ભાવના અને પ્રથાને નબળી પાડે છે. પરિણામે આ પ્રણાલીને પુનર્જીવિત કરવા માટે જુદા અભિગમો દ્વારા પગલાં લેવાની જરૂર પડી છે.

an empty village road with gullies on either side--gramdan
રસ્તાઓના વિસ્તરણ અને બીજી માળખાકીય યોજનાઓ જેવા દબાણોએ ગ્રામીણ અને ખેડૂત સમુદાયો માટે વાસ્તવિક પડકારો ઊભા કર્યા છે. | તસવીર સૌજન્ય: પૂજા રાઠી

ગ્રામદાન વ્યવસ્થા શી રીતે ટકાવી શકાય?

પોતાની જમીનનું સામૂહિક રીતે વ્યવસ્થાપન કરવા માટે સમુદાયોનું સશક્તિકરણ કરવામાં ગ્રામદાનની શક્તિઓને ધ્યાનમાં રાખીને આ પ્રણાલીને અને વ્યાપક અર્થમાં ગ્રામ્ય સ્તરે નિર્ણય લેવાની પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે શાસકીય, કાયદાકીય અને જમીની સ્તરે કેટલાક પગલાં લઈ શકાય.

  • કોઈપણ સરકારી યોજના અથવા વિકાસ નીતિ દ્વારા ગ્રામસભાના અધિકારો નબળા ન પડે કે હણાઈ ન જાય તે સુનિશ્ચિત કરવા માટે હાલના અધિનિયમોની જોગવાઈઓ અને નિયમો સ્પષ્ટ કરવા જોઈએ.
  • પેસા જેવા કાયદાઓ અને વિવિધ ગ્રામદાન અધિનિયમો વચ્ચે સંકલન સુધારવું મહત્વપૂર્ણ છે જેથી અનુસૂચિત વિસ્તારોમાં પણ ગ્રામસભાઓ કાયદેસર રીતે સુરક્ષિત રહે.
  • જિલ્લા અને તાલુકા સ્તરે વહીવટી અધિકારીઓને ગ્રામદાનની વિભાવના અને કાનૂની સ્થિતિ વિશે પ્રશિક્ષણ આપવું જોઈએ.
  • સરકારી યોજનાઓમાં ગ્રામદાની ગામોનો સમાવેશ કરવા માટે જરૂરી પ્રક્રિયાઓને સ્પષ્ટ અને સરળ બનાવવી જોઈએ, જેથી સીધી વ્યક્તિગત જમીન માલિકીને બદલે સામૂહિક જમીન માલિકી હોવાને કારણે આ ગામો કોઈપણ સરકારી યોજનાની હકદારીમાંથી બાકાત ન રહી જાય એ સુનિશ્ચિત થઈ શકે.
  • યુવાનોને ગામનો વિકાસ થઈ શકે અને સાથે સાથે ગ્રામદાન પ્રણાલી પણ જળવાઈ રહે એ માટેના માર્ગો શોધવામાં જોડવા જરૂરી છે.

વિનોબા ભાવેની આ વિભાવનાનો હેતુ ગાંધીજીના ગ્રામસ્વરાજના સ્વપ્નને સાકાર કરવાનો હતો, પરંતુ આજે તેનું અમલીકરણ એક નિર્ણાયક તબક્કે આવીને ઊભું છે. સમકાલીન ગ્રામીણ શાસનમાં, જ્યાં વિકાસ જમીન પર આધાર રાખતા સમુદાયોની સ્વાયત્તતા અને સંમતિ સાથે સુસંગત હોય છે ત્યાં, સામૂહિક સંચાલનની પુનઃકલ્પના કરવા માટે ગ્રામદાનના સિદ્ધાંતોને લોકોની સામૂહિક ચેતનામાં જીવંત રાખવાની જરૂર છે.

આ લેખ પરાગ ચોળકરના વિશેષ યોગદાન સાથે પૂજા રાઠી અને જુહી મિશ્રા દ્વારા લખવામાં આવ્યો છે. પરાગ એક કાર્યકર અને લેખક છે, તેમણે પોતાના લેખોમાં વિનોબા ભાવેના જીવન અને ભૂદાન આંદોલનના ઇતિહાસને વ્યાપકપણે આવરી લીધા છે. 

આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.

— 

વધુ જાણો

  • ભારતભરના સમુદાયો કોમન્સના શાસનના તેમના અધિકારો કેવી રીતે પાછી મેળવી રહ્યા છે તે વાંચો.
  • મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ગ્રામદાન કાયદાઓના અમલીકરણ માટે ચાલી રહેલા સંઘર્ષો વિશે વધુ જાણો.
  • મહત્વ અને વર્ષોથી તેના અમલીકરણમાં કેવી રીતે ઘટાડો થયો છે તે સમજો.
donate banner
We want IDR to be as much yours as it is ours. Tell us what you want to read.
ABOUT THE AUTHORS
ઇન્ડિયા ડેવલપમેન્ટ રિવ્યુ-Image
ઇન્ડિયા ડેવલપમેન્ટ રિવ્યુ

ઇન્ડિયા ડેવલપમેન્ટ રિવ્યુ (IDR) એ વિકાસ ક્ષેત્રના નેતાઓ માટે ભારતનું પ્રથમ સ્વતંત્ર ઓનલાઈન મીડિયા પ્લેટફોર્મ છે. અમારું મિશન ભારતમાં સામાજિક અસર અંગે જ્ઞાનને આગળ વધારવાનું છે. અમે વિચારો, મતમતો, વિશ્લેષણ અને વાસ્તવિક કામકાજમાંથી મળેલા પાઠ પ્રસિદ્ધ કરીએ છીએ.

COMMENTS
READ NEXT