દુઃખ રહિત નામ સાથેનું એ રાજવી રાજ
તેઓ તેને બેગમપુરા શહેર કહે છે, એક એવી જગ્યા જ્યાં કોઈ પીડા નથી,
નથી કોઈ કર કે નથી કોઈ ચિંતા, નથી કોઈની કોઈ મિલકત,
ન કોઈ અન્યાય, ન ચિંતા, ન આતંક કે ન ત્રાસ.
ઓ મારા ભાઈ, હું તેને મારું પોતાનું બનાવવા આવ્યો છું,
મારું દૂરનું ઘર, જ્યાં બધું બરાબર છે…
તેઓ આ કે તે કરે છે, મન ફાવે ત્યાં ફરે છે,
ભવ્ય મહેલોમાં કોઈ રોકટોક વિના ફરે છે.
ઓહ, રવિદાસ કહે છે, એક ચમાર હવે મુક્ત છે,
જે કોઈ મારી સાથે ચાલે છે તે મારા મિત્રો છે.
15 મી સદીના સંત- કવિ અને જાતિ-પ્રથા વિરોધી સુધારક સંત રૈદાસ દ્વારા રચિત આ દોહો બેગમપુરા વિશે વાત કરે છે, બેગમપુરા એક એવા શહેરની આદર્શ કલ્પના છે જ્યાં નથી કોઈ જાતિવાદ, નથી કોઈ અન્યાય અને નથી કોઈ સામાજિક ભેદભાવ. બેગમપુરામાં બધા વ્યવસાયોને સમાન આદર આપવામાં આવે છે અને એવું કંઈ જ નથી જે કોઈ વ્યક્તિને મહેલ કે ઉદ્યાનમાં પ્રવેશતા રોકી શકે.
કંવલ ભારતી તેમના નિબંધ ‘રૈદાસ સાહેબ એન્ડ આઈડિયા ઓફ બેગમપુરા’ (રૈદાસ સાહેબ અને બેગમપુરાની કલ્પના) માં રૈદાસના બેગમપુરાને ‘વિદ્રોહની અભિવ્યક્તિ’ કહે છે. આ નિબંધ ધ બ્લુ ડોન ખાતે માનસિક સ્વાસ્થ્ય પ્રણાલીઓ પરના જાતિ-પ્રથા વિરોધી ડિપ્લોમા કોર્સ માટેના જરૂરી વાંચનનો એક ભાગ છે, આ સંસ્થાનો ઉદ્દેશ્ય વિવિધ ધર્મોના જાતિ આધારિત દમનનો ભોગ બનેલા સમુદાયોના લોકો માટે માનસિક આરોગ્યસંભાળને વધુ સુલભ બનાવવાનો છે.
પહેલી નજરે એક માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ તેના અભ્યાસક્રમમાં રાજકીય સાહિત્યનો સમાવેશ કરે એ અસામાન્ય લાગે છે. કેટલાક લોકો પૂછી શકે છે: 600 વર્ષ પહેલાંના સમાજ સુધારકના વિચારો વાંચીને મનોવિજ્ઞાન વ્યાવસાયિકોને શું મળશે? પરંતુ એક માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિક માટે થેરપી રૂમમાં તેઓ સંપૂર્ણપણે બિનરાજકીય અથવા તટસ્થ રહી શકે છે એ ખ્યાલને ભૂલી જવો મહત્વપૂર્ણ છે. માનવ લાગણીઓ સાથે કામ કરતી વ્યક્તિ તટસ્થતાનો દાવો કેવી રીતે કરી શકે અને તેમના વ્યક્તિગત પૂર્વગ્રહો તેમના પરામર્શને અસર નહીં કરે એવો વિશ્વાસ શી રીતે રાખી શકે? ઉદાહરણ તરીકે, શું કોઈ વ્યાવસાયિક પોતાના અંગત જીવનમાં ઇસ્લામોફોબિક હોય તેમ છતાં સાંપ્રદાયિકતાના આઘાતથી (સાંપ્રદાયિક હિંસાથી) પીડિત મુસ્લિમ મહિલાને સંવેદનશીલતાપૂર્વક સારવાર પૂરી પાડી શકે?
અમારા અભ્યાસક્રમમાં આવા પૂર્વગ્રહોને સંબોધવામાં આવે છે. ઉદાહરણ તરીકે, અભ્યાસક્રમમાં વંચિત સમુદાયોના બાળકોના નબળા પોષણ માટે જાતિ કેવી રીતે કારણભૂત છે તેના પરના લેખો, દલિત જાતિ જૂથોના જીવંત અનુભવો વિશેની વાર્તાઓ અને પોતાના જીવન અને કવન દ્વારા તત્કાલીન પરિસ્થિતિને પડકારતા ગદ્દર જેવા કવિઓના અવતરણોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ આઠ મહિનાનો છે અને સહભાગીઓ વિવિધ સામાજિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે, તેમાં વિશેષાધિકૃત જાતિઓ તેમજ દલિત, બહુજન અને આદિવાસી સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. માનસિક આરોગ્ય સંબંધિત કામમાં કોઈ પૂર્વ અનુભવ જરૂરી નથી. અમારી શિક્ષણ પદ્ધતિઓ, માળખાકીય અસમાનતાઓની લોકો પર સીધી અસરની બાબતે સહભાગીઓની જાગૃતિ અલગ અલગ હશે, એ હકીકતને ધ્યાનમાં લે છે.
આ કાર્યક્રમને તેના સામાજિક-રાજકીય સંદર્ભ સાથે સ્પષ્ટપણે સાંકળવામાં ન આવે તો અમારી તાલીમ દેશભરની યુનિવર્સિટીઓમાં શીખવવામાં આવતી નિશ્ચિત ધોરણોને અનુસરતી પરાંપરાગત અધ્યાપન પદ્ધતિઓ જેવી જ થઈ જવાનું જોખમ ધરાવે છે.

થેરપી માટે નેરેટિવ પ્રેક્ટિસિસ અને માનસિક આરોગ્યનું રાજનીતિકરણ
હું 2021 માં નેરેટિવ થેરપી વિશે શીખી, અને મને ખબર પડી કે આ પદ્ધતિ વ્યક્તિને તેમની સમસ્યાથી અલગ કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિનું એક મહત્ત્વનું પાસું સમસ્યાનું બાહ્યીકરણ કરવાનું – સમસ્યાને બાહ્ય રીતે રજૂ કરવાનું – છે; ઉદાહરણ તરીકે, આ પદ્ધતિ સારવાર લેતી વ્યક્તિને ‘ડિપ્રેસ્ડ’ વ્યક્તિ તરીકે નહીં પરંતુ ડિપ્રેશનનો અનુભવ કરતી વ્યક્તિ તરીકે જોવામાં આવે એ સુનિશ્ચિત કરે છે. આ અધ્યાપન પદ્ધતિ, દરેક વ્યક્તિ પોતે જે સમસ્યાઓનો સામનો કરી રહી છે તેનો ઉકેલ શોધવા માટે સક્ષમ છે, એ કેન્દ્રીય વિચાર પર આધારિત છે. તેથી આ પદ્ધતિમાં ચિકિત્સકની ભૂમિકા ઉપદેશકને બદલે માર્ગદર્શક તરીકેની બની જાય છે.
નેરેટિવ થેરપી વિશે શીખતી વખતે મેં માનસિક આરોગ્યને ડિકોલોનાઈઝ (વસાહતીકરણથી મુક્ત) કરવા અને સારવારમાં રેસ લેન્સ (વંશીય દ્રષ્ટિકોણ) લાવવા બાબતે બ્લેક મનોવૈજ્ઞાનિકો અને સામાજિક કાર્યકરોના કામનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. મને સમજાયું કે આઈક્યુ પરીક્ષણ જેવી પ્રચલિત પ્રથાઓ પણ જાતિવાદી મૂળ ધરાવે છે. 2022 માં, હું નેરેટિવ પ્રેક્ટિસ ઇન્ડિયા કલેક્ટિવ સાથે સંપર્કમાં આવી હતી અને બે વર્ષના વિચારવિમર્શ પછી અમે કાળજીપૂર્વક અમારો ડિપ્લોમા કોર્સ તૈયાર કર્યો હતો.
અમે અમારા કાર્યક્રમમાં શિક્ષણ આપવા માટે વિવિધ ક્ષેત્રોના લોકોને – શિક્ષણવિદો, ઇતિહાસકારો, વકીલો, કલાકારો, લેખકો, પત્રકારો અને સામાજિક ક્ષેત્રના વ્યાવસાયિકોને – આમંત્રિત કરવાનો સભાન નિર્ણય લીધો છે. તેમના દ્રષ્ટિકોણ અભ્યાસક્રમમાં બહુ-શાખાકીય અભિગમ લાવે છે, આ અભિગમ ઇતિહાસ, શિક્ષણ, ન્યાય પ્રણાલી અને બીજા ક્ષેત્રો સાથે માનસિક આરોગ્ય કેવી રીતે સંકળાયેલું છે એ દર્શાવે છે.
આ માળખામાં ધ બ્લુ ડોનની ભૂમિકા સહ-નિર્માતાની અને ફેસિલિટેટર (સુવિધા આપનારની) રહે છે; અમે આ કાર્યક્રમમાં એક થેરપીનો દ્રષ્ટિકોણ ઉમેરીએ છીએ. અમે મનોવિજ્ઞાન માટેના વિશિષ્ટ લખાણો લાવીએ છીએ અને સમસ્યાનું બાહ્યીકરણ કેવી રીતે કરવું તે શીખવતી કસરત જેવી મહત્વપૂર્ણ નેરેટિવ થેરપી કસરતો નીચેના પગલાં દ્વારા તેમાં સામેલ કરીએ છીએ:
- સમસ્યા, ચિંતા, અથવા સંઘર્ષનું નામકરણ: આ તબક્કે ચિકિત્સક ક્લાયન્ટને ક્લિનિકલ પરિભાષાના ભારણ વિના તેમની સમસ્યાનું તેમના પોતાના શબ્દોમાં વર્ણન કરવાનું કહે છે. પરિણામે વ્યક્તિને સમજાય તેવી ભાષાનો ઉપયોગ કરીને સમસ્યાને વધુ વ્યક્તિગત રીતે ઓળખવામાં મદદ મળે છે.
- સમસ્યાની અસર તપાસવી: અહીં ચિકિત્સક સમસ્યા શા માટે શરૂ થઈ, અને તે કેવી રીતે અને કયા સંદર્ભમાં કામ કરે છે તે વિશે શક્ય તેટલું વધારે શોધવાનો પ્રયાસ કરે છે. જેમ જેમ વાતચીત આગળ વધે છે તેમ તેમ ચિકિત્સક ક્લાયન્ટને “તમે જેના વિશે ચિંતિત અથવા અસ્વસ્થ છો તેના વિષે તમે આ પહેલી વાર વાત કરી છે?”, “તમને પહેલી વાર આની જાણ ક્યારે થઈ?” અને “દિવસના અમુક ચોક્કસ સમયે તમે વધુ ચિંતિત કે અસ્વસ્થ થઈ જતા હો એવું કંઈ તમારા ધ્યાનમાં આવ્યું છે?” જેવા પ્રશ્નોની મદદથી તેમના વિચારો વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરે છે.
- અસરનું મૂલ્યાંકન કરવામાં ક્લાયન્ટને મદદ કરવી: ધીમે ધીમે ચિકિત્સક એવા પ્રશ્નો પૂછે છે જે ક્લાયન્ટને સમસ્યાની અસરોનું સ્વ-મૂલ્યાંકન કરવા માટે પ્રેરિત કરે છે. “શું તમે આ સમસ્યાના પરિણામો સ્વીકારવા તૈયાર છો?” અને “આ ઘટનાઓ બાબતે તમને કેવું લાગે છે?” જેવા પ્રશ્નો ક્લાયન્ટને તેમની સામે રહેલ સમસ્યાનું તેમની પોતાની રીતે મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.
- ક્લાયન્ટની પરિસ્થિતિ સમજવી: આ તબક્કે, ચિકિત્સક ક્લાયન્ટને પૂછે છે કે તેમને માટે જે મહત્વપૂર્ણ છે તેને અનુરૂપ તેઓ તેમનું જીવન કેવી રીતે જીવવા માગે છે. “તમારા જીવનની કઈ મુખ્ય વસ્તુને આ સમસ્યા જટિલ બનાવી રહી છે?” જેવા પ્રશ્નો ક્લાયન્ટને તેમની પરિસ્થિતિ સમજાવવામાં મદદ કરી શકે છે.
- કાર્યવાહી માટે પાયો તૈયાર કરવો: આ પ્રશ્નો લોકોને તેમણે જે કહ્યું છે અને જેને મહત્વ આપ્યું છે તેના આધારે તેઓ કયાં ચોક્કસ પગલાં લઈ શકે છે તે વિશે આગાહી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કાર્યવાહી અંગેની આ યોજનાઓ તેમને જીવનમાં તેમની પોતાની પસંદગીની દિશામાં વધુ આગળ વધવામાં અને સમસ્યાની અસરથી દૂર રહેવામાં મદદ કરશે. અહીં આ પ્રકારના પ્રશ્નો સામેલ હોઈ શકે: “તમે આ ઘટનાઓ અંગે આ ચોક્કસ વલણ કેમ અપનાવી રહ્યા છો એ સમજવામાં મને મદદ કરે એવી તમારા જીવનની કોઈ એક વાર્તા તમે મને કહી શકો?”
જાતિપ્રથા વિરોધી સાહિત્ય અને નેરેટિવ પ્રેક્ટિસિસનું સંકલન થવાથી અમારો અભ્યાસક્રમ વધુ વાસ્તવવાદી બને છે જ્યાં ગરીબી, મૂડીવાદ, જાતિવાદ અને અસમાનતાના બીજા માળખાના જીવંત અનુભવોની સાથે માનસિક આરોગ્યનું માપન કરવામાં આવે છે. અમે આનાથી આગળ વધવાનો પણ પ્રયાસ કરીએ છીએ.
સ્કીટ્સ (ટૂંકા નાટકો), નાટકો અને સહભાગી ઉપચાર
2019 માં અમે પશ્ચિમ બંગાળના ડુઅર્સમાં ચાના બગીચાઓમાં કામ કરતા યુવાનો સાથે પાંચ દિવસીય વર્કશોપ (કાર્યશાળા) નું આયોજન કર્યું હતું, આ યુવાનો મુખ્યત્વે આદિવાસી સમુદાયોના હતા. પહેલે દિવસે અમે તેઓ સરળતાથી સમજી શકે એવી ભાષામાં માનસિક સ્વાસ્થ્યનો ખ્યાલ રજૂ કર્યો હતો. બીજે દિવસે અમે તેમને શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય વિશે તેમના પોતાના શબ્દોમાં વાત કરવા કહ્યું હતું.
શારીરિક સ્વાસ્થ્ય માટે તેઓએ બીમારીના કારણો તરીકે પાણીના પ્રદૂષણ, બંધનું બાંધકામ અને મચ્છર જેવા પરિબળોને જવાબદાર ગણાવ્યા હતા. માનસિક સ્વાસ્થ્યની ચર્ચા કરતી વખતે તેઓએ તેમના રોજિંદા જીવનમાં અનુભવાતા પડકારોની યાદી આપી હતી. પછી અમે પૂછ્યું હતું કે શું તેમને એ બંને વચ્ચે કોઈ સંબંધ દેખાય છે કે કેમ.
જેમ જેમ ચર્ચા આગળ વધતી ગઈ તેમ તેમ સહભાગીઓએ પણ તેમની પૃષ્ઠભૂમિનું વર્ણન કરવાનું શરૂ કર્યું. તેઓ પોતાના વિશે પોતાના લિંગના સંદર્ભમાં, ચોક્કસ સમુદાયના લોકો તરીકે, અથવા ચોક્કસ સામાજિક સંદર્ભો ધરાવતા ચોક્કસ ગામના લોકો તરીકે વાત કરી રહ્યા હતા.
અને સમસ્યાઓ વિશે વાત કર્યાના ત્રણ દિવસ પછી તેઓએ માનસિક સ્વાસ્થ્યને જટિલ બનાવતા સ્તરીય દમનની તમામ બારીકાઈઓને એકસાથે લાવીને એક નાટક તૈયાર કર્યું હતું.
આ દ્રશ્ય એક ઘરનું હતું. એક માતા રસોઈ બનાવી રહી છે જ્યારે તેનું બાળક ભણવાનો પ્રયાસ કરે છે પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી. પરિવાર સંસાધનો માટે સંઘર્ષ કરી રહ્યું છે, અને માતા હતાશ છે અને ઘણીવાર પોતાની આ હતાશા બાળક પર ઉતારે છે – બાળકને ઘાંટા પાડે છે, માર મારે છે. પતિ દારૂ પીને ઘેર પાછો ફરે છે ત્યારે દંપતી વચ્ચે ઝઘડો થાય છે, બાળક વારંવાર થતી આ હિંસાનું સાક્ષી બને છે.
માનસિક સ્વાસ્થ્ય પરના કાર્યક્રમો વિવિધ પરિપ્રેક્ષ્યો અને પદ્ધતિઓ અપનાવવા માટે પોતાને સુલભ બનાવે છે ત્યારે તેઓ વિવિધ પરિણામો માટે પણ તૈયાર હોય છે.
ઘરેલુ હિંસા અને પરિવારના માનસિક સ્વાસ્થ્ય પર તેની અસરના ચિત્રણ તરીકે આ નાટક અહીં જ પૂરું થઈ શક્યું હોત. પરંતુ સમુદાય એક ડગલું આગળ વધ્યો હતો. તેમણે એક ફ્લેશબેક દ્રશ્ય ઉમેર્યું હતું જેમાં ચાના બગીચામાં કામ કરતા શ્રમિક પતિને ઉચ્ચ જાતિના એસ્ટેટ માલિક પાસેથી પોતાના લઘુત્તમ વેતનની માંગ કરતો બતાવ્યો હતો. માલિક દ્વારા લઘુત્તમ વેતન નકારવામાં આવે છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, અને એ રીતે તે દારૂ તરફ વળે છે. આ હિંસાનું સમર્થન નથી પરંતુ મૂડીવાદ, પિતૃસત્તા અને જાતિના વર્ચસ્વ સાથે માનસિક સ્વાસ્થ્ય કેવો ઊંડો સંબંધ ધરાવે છે એ બતાવવાનો પ્રયાસ છે. ઉકેલ શોધવા માટે એક ચિકિત્સકે બંનેને સંબોધવાની જરૂર છે.
સમુદાયો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનાથી તેઓ પોતે વાકેફ છે અને તેઓ તેમને અનુકૂળ માધ્યમો દ્વારા પોતાની સમસ્યાઓને વ્યક્ત કરી શકે છે. જો નાટક એ તેમને તેમની સમસ્યાઓ વ્યક્ત કરવા માટેનું વધુ સારું માધ્યમ લાગતું હોય તો માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો તરીકે આપણે આપણી પોતાની સ્થાપિત પદ્ધતિઓ સુધી મર્યાદિત રહેવાને બદલે તેમને તે સ્વારૂપમાં સાંભળવા માટેની તૈયારી રાખવી જોઈએ.
માનસિક સ્વાસ્થ્ય પરના કાર્યક્રમો વિવિધ પરિપ્રેક્ષ્યો અને પદ્ધતિઓ અપનાવવા માટે પોતાને સુલભ બનાવે છે ત્યારે તેઓ વિવિધ પરિણામો માટે પણ તૈયાર હોય છે.

પરિણામો અને આદર્શ સ્વપ્ન
અમારા અસ્તિત્વના આ ટૂંકા ગાળામાં લોકોએ તેમનો ડિપ્લોમા પ્રોગ્રામ પૂરો કર્યો છે અને તેમના જીવનમાં જાતિ-પ્રથા વિરોધી પ્રથાઓ અપનાવી છે. ઉદાહરણ તરીકે અમારા કાર્યક્રમનો ભાગ રહેલા ઉચ્ચ જાતિના એક ચિકિત્સકે હવે વર્કશોપની એક શ્રેણી વિકસાવી છે જે વિશેષાધિકૃત જાતિઓના લોકોને થેરપી રૂમમાં જાતિનું મહત્વ સમજવા સક્ષમ બનાવે છે. બીજા એકે વંચિત પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક સંસાધનોનું સંકલન કરવા માટે એક વેબસાઇટ બનાવી છે.
જાતિ-પ્રથાને નાબૂદ કરવા માટેની સતત પ્રતિબદ્ધતાના સમાવેશ વિના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત હસ્તક્ષેપો ફક્ત આંશિક પ્રતિભાવો જ હશે.
જાતિ-પ્રથા અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ સમજવા માગતા સંગઠનો અને વ્યાવસાયિકો માટે પહેલું પગલું ઊંડું આત્મનિરીક્ષણ છે. આ માટે કોને નિષ્ણાત તરીકે જોવામાં આવે છે અને કોને માત્ર માહિતીના સ્ત્રોત તરીકે જોવામાં આવે છે તે પ્રશ્ન કરવો જરૂરી છે. ઘણી વાર વંચિત સમુદાયો વિશેનું જ્ઞાન તેમની પાસેથી લેવામાં આવે છે જ્યારે સત્તા અને નિર્ણય લેવાની ક્ષમતા બીજે ક્યાંક કેન્દ્રિત રહે છે. જો સંસ્થાઓ જાતીય ન્યાય પ્રત્યે ગંભીર હોય તો તેમણે તેમના પોતાના માળખાઓ, સંસ્કૃતિઓ અને સ્તરીકરણો તપાસવા જોઈએ અને જે જાતિગત માળખાને પડકારવાનો તેઓ દાવો કરે છે એને ક્યાંક તેમના પોતાના માળખાઓ, સંસ્કૃતિઓ અને સ્તરીકરણો અજાણતા જ મજબૂત તો નથી બનાવી રહ્યા ને એ સુનિશ્ચિત કરવું જોઈએ.
પરંતુ ફક્ત આંતરિક સુધારા પૂરતા નથી. કોઈપણ અર્થપૂર્ણ પ્રતિભાવમાં જાતિ આધારિત દમનની વ્યાપક માળખાકીય વાસ્તવિકતાનો પણ સમાવેશ થવો જોઈએ. જ્યાં સુધી જાતિ વ્યવસ્થા ભારતમાં સામાજિક જીવનનું આયોજન કરવાનું ચાલુ રાખે છે, ગૌરવ, સલામતી અને તકની પહોંચને આકાર આપે છે, ત્યાં સુધી તેના માનસિક પરિણામો ચાલુ રહેશે. જાતિ-પ્રથાને નાબૂદ કરવા માટેની સતત પ્રતિબદ્ધતાના સમાવેશ વિના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત હસ્તક્ષેપો ફક્ત આંશિક પ્રતિભાવો જ હશે. આ જ કારણે સામાજિક ન્યાય માટેની ચળવળોમાં માનસિક સ્વાસ્થ્યને ગૌણ ગણી શકાય નહીં. જાતિ આધારિત હિંસાના ઊંડા માનસિક પરિણામો હોય છે. તેને સંબોધવા માટે ન્યાય, ગૌરવ અને મુક્તિ વિશેની વાતચીતમાં માનસિક સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખવું જરૂરી છે.
અમે જાણીએ છીએ કે અમારા પ્રયાસો જાદુઈ રીતે બધી સમસ્યાઓનો ઉકેલ નહીં લાવે, પરંતુ એ પ્રયાસો સ્થાપિત ધોરણ પર પ્રશ્ન ઉઠાવવાની અને સશક્તિકરણના નામે ઓછામાં ઓછી કિંમતે સમાધાન ન કરવાની શરુઆત હોઈ શકે છે. હવે સમય આવી ગયો છે કે અમે અમારી પોતાની પ્રણાલીઓ સ્થાપિત કરીએ, અમારા સમુદાયોના શાણપણ વિશે વાત કરીએ અને માનસિક આરોગ્ય સંભાળના મુખ્ય પ્રવાહના વિચારોને પડકારીએ. દલિત, બહુજન અને આદિવાસી સમુદાયો બેગમપુરાને સાકાર કરવા તરફ કામ કરે છે ત્યારે અમારા પ્રયાસો એ દિશામાં લીધેલું એક આગળનું પગલું છે.
આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.
—
વધુ જાણો
- ભારતમાં માનસિક સ્વાસ્થ્ય અને જાતિ-પ્રથા વચ્ચેના સંબંધ પરના સંશોધનના અભાવ વિશે વાંચો.
- જાતિ-પ્રથા અને માનસિક સ્વાસ્થ્યના આંતરછેદ વિશે વધુ જાણો.
- ભારતમાં ચિકિત્સક તાલીમ ક્વિઅર અનુભવોને કેવી રીતે અવગણે છે તે જાણો.
વધુ કરો
- 14 મી અને 15 મી એપ્રિલના રોજ જાતિ-પ્રથા વિરોધી માનસિક સ્વાસ્થ્ય પ્રણાલીઓ પરની કોન્ફરન્સ, બિલ્ડીંગ બેગમપુરામાં હાજરી આપો.






