
દર વર્ષની જેમ એક પૂર આવે છે ને આસામમાં લોકોના જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી દે છે. પરંતુ જુલાઈ 2026 ની પૂરની ઘટના અગાઉ ક્યારેય ન બની હોય એવી ઘટના છે. રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન પીજુષ હઝારિકાએ આ ઘટનાને છેલ્લા છ દાયકાની પૂરની સૌથી ખરાબ ઘટના ગણાવી કારણ કે આ ઘટનાથી સિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ જેવા વિસ્તારો અસરગ્રસ્ત થયા છે જેમને અગાઉ આવા પૂરનો કોઈ અનુભવ નથી.
મૃત્યુઆંક વધી રહ્યો છે અને 6,00,000 થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, પરિણામે મોટા પાયે વિસ્થાપન થયું છે.
આસામમાં ચરાઈદેવ અને દિબ્રુગઢ જેવા અસરગ્રસ્ત જિલ્લાઓમાં પાયાના સ્તરે કામ કરતી એક બિનનફાકારક સંસ્થા, સુરુજમુખીના સ્થાપક, મોનુજ દત્તા કહે છે, “આ વિસ્તારોના લોકોએ ક્યારેય આટલા મોટા પૂરનો અનુભવ કર્યો નથી, તેથી તેઓ એને માટે બિલકુલ તૈયાર નહોતા. પૂરનું જોખમ ધરાવતા વિસ્તારોમાં લોકોના ઘરો વાંસડા પર બનાવેલા હોય છે, તેમની પાસે પોતાની હોડીઓ હોય છે, અને તેમની આખી જિંદગી વારંવાર આવતી કુદરતી આફતનો સામનો કરીને આગળ વધવા પર કેન્દ્રિત હોય છે. પરંતુ આ પૂરથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારો એવા નથી.”
આ વિસ્તારોમાં પાણી જે ઝડપે પહોંચ્યું તે પણ ચિંતાજનક હતું. મોનુજ કહે છે, “સિવસાગર જિલ્લાના બિહુબોર વિસ્તારમાં લોકો પાસે પ્રતિક્રિયા આપવા માટે, કંઈ પણ કરવા માટે માત્ર 30 મિનિટથી એક કલાકનો સમય હતો. તેઓએ દસ્તાવેજો ગુમાવ્યા, પુસ્તકો ગુમાવ્યા અને છત પણ ગુમાવી દીધી.”
ઘણા વિસ્તારોમાં ઘરો દિવસો સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા. માટીના મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા. કૃષિ સમુદાયો તેમની જમીનને પહોંચેલા લાંબા ગાળાના નુકસાનનો સામનો કરી રહ્યા છે. મોનુજ કહે છે, “આજીવિકા સંબંધિત પ્રવૃત્તિઓ માટે અમારી પાસે સીએસઆર ફાઉન્ડેશનો તરફથી મળેલ પ્રોજેક્ટ-આધારિત ભંડોળ છે. પરંતુ આ સમુદાયોની જરૂરિયાતો હવે અલગ છે. બાળકોએ તેમના પુસ્તકો અને સ્ટેશનરી ગુમાવી દીધા છે; અમે તેમને વિદ્યાર્થી કીટ આપવા માગીએ છીએ. અમે ગભરાટ અને ચિંતા અનુભવી રહેલા લોકોના માનસિક સ્વાસ્થ્ય પાછળ રોકાણ કરવા માગીએ છીએ. આ માટે અમારે બીજા સ્ત્રોતોમાંથી નાણાંની જરૂર પડશે.”
(આસામમાં કાર્યરત આજીવિકા સંબંધિત બિનનફાકારક સંસ્થા) સેસ્ટા ખાતે ભંડોળ ઊભું કરવા, સંપર્ક સાધવા અને ભાગીદારી માટેની ટીમ સંભાળનાર પ્રીતિશા સિંહા કહે છે, “અમે જે ભંડોળ આપનારાઓ સાથે વાત કરી છે તેઓ લાંબા ગાળાના પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકે છે કારણ કે ટૂંકા ગાળાની રાહત જરૂરી છે પરંતુ એ પૂરની અસરને સંપૂર્ણપણે પહોંચી વળશે નહીં. પરિવારોએ કમાણી કરતા સભ્યો ગુમાવ્યા છે; માત્ર રાહત પેકેજોથી તેમનું કંઈ નહીં થાય, લાંબા ગાળે તેમને રાહત પેકેજો કરતાં ઘણી વધારે મદદની જરૂર પડશે.”
તેઓ ઉમેરે છે, “રાહત કાર્યકર્તાઓને પાણી ભરાયેલા રસ્તાઓ પર ચાલવું પડે છે આથી આવી આફતોની તેમની ઉપર પણ ભારે અસર પહોંચે છે. અત્યારે કયું નાળું છે અને કયો રસ્તો છે એ કહેવું મુશ્કેલ બની ગયું છે. મુખ્ય રસ્તાઓની નજીક આવેલા ઘરો માટે રાહત પેકેજો મેળવવાનું સરળ બની રહ્યું છે. દૂરના વિસ્તારોમાં પહોંચતા અડધો દિવસ નીકળી જાય છે. જો આગલી હરોળના કાર્યકર્તાઓ અને રાહત કાર્યકર્તાઓને વધુ પેકેજો અથવા સાધનો લેવા માટે પાછા આવવું પડે અને પછી વળતી મુસાફરી કરવાની હોય તો વધારે મોડું થાય છે.”
જેમ જેમ પાણી ઊતરતું જાય તેમ તેમ રાહત પેકેજોમાં લોકોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં લેવી જોઈએ.
વિકાસ વ્યવસાયી અભિજીત કુંવર* કહે છે, “લોકોને સફાઈ માટે ફિનાઈલ અને બ્લીચિંગ પાવડર અને મચ્છરદાનીની જરૂર પડે છે કારણ કે પછીથી મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જો કે, ઘણી રાહત ઝુંબેશો ચોખા અને કઠોળના વિતરણ પર અપ્રમાણસર રીતે કેન્દ્રિત હોય છે.”
*ગુપ્તતા જાળવવા માટે નામ બદલવામાં આવ્યું છે.
આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.
—
વધુ જાણો: આસામના પૂરથી સમુદાયો પર કેવી અણધારી અસર પડી છે એ જાણો.
વધુ કરો: રાહત કાર્ય માટે દાન માટેનું અભિયાન ચલાવતી સંસ્થાઓ સાથે જોડાઓ.