
મધ્ય ભારતના આદિવાસી સમુદાયોના જીવન અને આજીવિકા માટે ઝરણાં, નદીઓ, જંગલો અને જમીન જેવા કુદરતી સંસાધનો અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી, આ સંસાધનો સાથે સીધો સંબંધ ધરાવતા, તેના પર નિર્ભર અને તેમાં થતા ફેરફારોથી સૌથી વધુ અસર પામતા — મહિલાઓ અને આર્થિક રીતે નબળા પરિવારો સહિતના — લોકોને સામેલ કરવા અનિવાર્ય છે. મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના મછુરદા ગામમાં પ્રદાન સંસ્થા પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (પીવીટીજીએસ – ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો) ના લોકો સાથે—ખાસ કરીને મહિલાઓ સાથે—કામ કરી રહી છે, જેથી આ સંસાધનોના સંચાલનમાં તેમની ભાગીદારી વધારી શકાય.
શરૂઆતમાં અમારી ટીમે સ્થાનિક અઠવાડિક બજારમાં કુદરતી સંસાધન વ્યવસ્થાપન સંબંધિત ચિત્રો સાથે એક માહિતી કેન્દ્ર સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો. તેનો ઉદ્દેશ્ય લોકો સંસાધન વ્યવસ્થાપનમાં કેવી રીતે ભાગ લઈ શકે એ અંગે માહિતી આપવાનો અને તેમને ગ્રામ્ય-સ્તરના આયોજન કાર્યક્રમોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. શરૂઆતમાં આ માહિતી કેન્દ્ર જ્યાં મોબાઈલ રિપેરિંગ અને આધાર-આધારિત રોકડ ઉપાડવાની સેવાઓ ઉપલબ્ધ હતી એવી એક દુકાનની અંદર રાખવામાં આવ્યું હતું . આ દુકાન મુખ્ય બજારના રસ્તાથી 3-5 મીટર દૂર આવેલી હતી.
જોકે, બહુ જલ્દી અમારા ધ્યાનમાં આવ્યું કે લોકો માહિતી કેન્દ્ર તરફ નજર તો નાખતા હતા, પરંતુ બહુ ઓછા લોકો ખરેખર દુકાનમાં આવતા હતા. અંદર આવનારાઓમાં માત્ર એવા પુરુષો હતા જેઓ રોકડ રકમ ઉપાડવા કે પછી પોતાના ફોન રિપેર કરાવવા માગતા હતા. રસ્તા પરથી લોકોને આમંત્રિત કરવાથી બહુ ઓછા પુરુષો જ કેન્દ્ર પર આવવા માટે તૈયાર થયા હતા, અને અમે એક પણ મહિલાને કેન્દ્રની મુલાકાત લેવા આવવા માટે મનાવી શક્યા નહોતા.
મોબાઇલની દુકાન પુરુષ-પ્રધાન વાતાવરણ ધરાવતી જગ્યા હતી, અને અમને સમજાયું કે કોઈ અજાણ્યા પુરુષ સાથે વાત કરવા માટે દુકાનમાં પ્રવેશતા મહિલાઓ સંકોચ અનુભવતી હતી. તેથી અમે રસ્તાની બિલકુલ નજીક એક શાકભાજી વેચનારાની બાજુમાં એક નવું માહિતી કેન્દ્ર ઊભું કરવાનું નક્કી કર્યું.
માહિતી કેન્દ્રની નવી જગ્યા મહિલાઓની અવરજવર જ્યાં વધુ રહેતી હોય ત્યાં, શાકભાજી વેચનારની નજીક હતી, પરિણામે મહિલાઓ સાથે સંપર્ક સાધવાનું સરળ બન્યું. વળી કેન્દ્ર રસ્તાની નજીક હોવાથી મહિલાઓ માટે ત્યાં થોભવું વધુ અનુકૂળ હતું; હવે તેમને મુખ્ય રસ્તા પરથી 3-5 મીટર દૂર દુકાન સુધી ચાલીને જવાની જરૂર નહોતી, તેને બદલે, માત્ર રસ્તા પર ચાલતી વખતે થોડો વખત કેન્દ્ર પાસે ઊભા રહેવું કે નહીં એટલું જ તેમણે નક્કી કરવાનું હતું. દુકાનમાંના કેન્દ્રના ઔપચારિક માળખાને બદલે તેને ખુલ્લી જગ્યામાં, જમીન પર અને બીજા વિક્રેતાઓની નજીક ખસેડવાથી તે એક અનૌપચારિક વ્યવસ્થામાં ફેરવાઈ ગયું. આનાથી વાતચીત વધુ સહજ અને સ્વીકાર્ય બની, પરિણામે મહિલાઓ માટે ત્યાં થોભવાનું સરળ થઈ ગયું.
આ જ ફેરફારોને કારણે ઓછી આવક ધરાવતા જૂથો માટે પણ આ કેન્દ્ર સુધી પહોંચવું વધુ સુલભ બન્યું. મોબાઇલ શોપની સરખામણીમાં રસ્તો એ વધુ લોકશાહી (સૌની પહોંચમાં હોય તેવી) જગ્યા હતી – રસ્તાનો ઉપયોગ બધા જ લોકો કરતા હતા, જ્યારે દુકાનની મુલાકાત બહુ ઓછા લોકો લેતા હતા. આ ફેરફારને કારણે કુદરતી સંસાધનના આયોજન વિશેની માહિતી વધુ ફેલાઈ, અને – પીવીટીજી સમુદાયોના લોકો સહિત – વધુ લોકો કાર્યક્રમોમાં હાજરી આપી શક્યા.
જોકે, અમને સમજાયું કે લોકોની સહભાગિતા માત્ર લોકોને ભેગા કરવાથી નક્કી થઈ જતી નથી. બીજા એક ગામમાં અમારી નિકટતા અને એ વિસ્તારમાં અમે અગાઉ કરેલા કામને કારણે ત્યાં બિન-પીવીટીજી પડોશમાં સહભાગી આયોજન માટેની એક બેઠક યોજાઈ હતી. અમને સમજાયું કે આ અભિગમને કારણે વધુ દૂરના વિસ્તારોમાં રહેતા પીવીટીજી સમુદાયો બાકાત રહી ગયા હતા, અને તેઓ ભાગ લઈ શક્યા નહોતા. વંચિત જૂથોની સાચી ભાગીદારી માટે આપણે કેવી રીતે લોકોને એકઠા કરીએ છીએ ત્યાંથી લઈને બેઠકો ક્યાં યોજાય છે અને તેમનું સંચાલન કેવી રીતે હાથ ધરવામાં આવે છે ત્યાં સુધી દરેક તબક્કે સમાવેશકતા પર ધ્યાન અપાય એ જરૂરી છે – વંચિત સમુદાયોના લોકો સરળતાથી, કોઈ પણ ભેદભાવ વગર, કોઈપણ જાતની મુશ્કેલી કે ડર વગર આવી શકે એવી જગ્યાએ અને એ પ્રકારના અનુકૂળ વાતાવરણમાં બેઠકનું આયોજન થવું જોઈએ.
સત્ત્વ વાસવડા સેનગુપ્તા મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના બિરસા બ્લોકમાં કુદરતી સંસાધન વ્યવસ્થાપન પર કામ કરે છે.
આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.
—
વધુ જાણો: કર્ણાટકના સામુદાયિક જળ વ્યવસ્થાપકો વિશે વધુ માહિતી મેળવો.
વધુ કરો: લેખકના કામ વિશે વધુ જાણવા અને અને તેમના કામને તમારું સમર્થન આપવા [email protected] પર તેમનો સંપર્ક સાધો.