READ THIS ARTICLE IN


લાઇટ્સ, મ્યુઝિક, ડોનેશન: સામાજિક કાર્ય માટે આયોજિત સંગીત કાર્યક્રમમાં મિઝોરમ સ્વેચ્છાએ સહભાગી થાય છે

Location Icon ઐઝવાલ, મિઝોરમ
a band playing on a stage with a banner saying
ભૂસ્ખલન જેવી કોઈ આપત્તિ આવે તો ભંડોળ એકઠું કરવા માટે થોડા દિવસોમાં જ અમે એક કાર્યક્રમનું આયોજન કરીએ. | તસવીર સૌજન્ય: પમ્પ

2011 માં મેં અને મારા નજીકના ત્રણ મિત્રોએ અમારા શહેરમાં રસ્તાની બાજુમાં સંગીત વગાડવાનું શરૂ કર્યું હતું. આ વિચાર મને પેરિસની સફરમાંથી આવ્યો હતો. ત્યાં મેં એક કેથેડ્રલની મુલાકાત લીધી હતી અને બે સંગીતકારોને સેક્સોફોન અને ગિટાર વગાડતા જોયા હતા. ઘેર પહોંચીને હું કંઈક આવું જ કરવા માગતો હતો, તેથી મેં મારા મિત્રોને ફોન કરીને તેઓ એને માટે તૈયાર છે કે કેમ એ પૂછ્યું હતું.

અમારા પહેલા કાર્યક્રમ માટે અમે ઐઝવાલના મિલેનિયમ સેન્ટરની બહારના નાના આંગણામાં રજૂઆત કરવા માટે અધિકારીઓ પાસેથી પરવાનગી મેળવી હતી. અમારામાંના બેએ ગિટાર વગાડી હતી જ્યારે ત્રીજા મિત્રએ સેક્સોફોન વગાડ્યું હતું. અમારી રજૂઆતના એક કલાક પછી એક કીબોર્ડિસ્ટ (કીબોર્ડવાદક) મંચ પર અમારી સાથે જોડાયા હતા. અમે એક પેટી બહાર મૂકી હતી અને જણાવ્યું હતું કે અમે સખાવતી કામ માટે ભંડોળ એકઠું કરી રહ્યા છીએ અને કોઈપણ વ્યક્તિ દાન આપી શકે છે.

ત્યારથી સંગીતના કાર્યક્રમો મોટા અને સારા બનતા ગયા. વાત ફેલાતી ગઈ અને લોકોએ અમારા કાર્યક્રમોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સ્વેચ્છાએ પોસ્ટ કરવાનું શરૂ કર્યું. એક મિત્રએ અમને એક સંગઠન બનાવવાનું સૂચન કર્યું અને આ રીતે બિનનફાકારક સંસ્થા પીપલ યુનાઇટેડ ઇન મ્યુઝિક ફોર અ પર્પઝ (પમ્પ – પીયુએમપી) અસ્તિત્વમાં આવી.

આ કાર્યક્રમોની આયોજન પ્રક્રિયા એકદમ સ્વયંભૂ હોય છે. ઉદાહરણ તરીકે ભૂસ્ખલન જેવી કોઈ (કુદરતી) આપત્તિ આવે તો ભંડોળ એકઠું કરવા માટે થોડા દિવસોમાં જ અમે એક કાર્યક્રમનું આયોજન કરીએ. ખૂબ જ ટૂંકા સમયમાં સત્તાધિકારીઓ પાસેથી પરવાનગી મેળવવી, કોઈપણ પ્રકારના વળતર વિના સ્વેચ્છાએ રજૂઆત કરવા તૈયાર કલાકારો સાથે સંકલન કરવું અને કાર્યક્રમની માહિતી (લોકો સુધી) પહોંચાડવી પડકારજનક હોય છે. અમારી એક સમિતિ છે, જેમાં ત્રણથી ચાર સભ્યોના જૂથો આ કામોની જવાબદારી લઈ લે છે. પોતાના ખર્ચે બીજા લોકોને મદદ કરવા તૈયાર કોઈને પણ માટે સંસ્થાનું સભ્યપદ ખુલ્લું છે, અને (રસ ધરાવનાર) વ્યક્તિઓ આજીવન સભ્ય પણ બની શકે છે.

અમે ત્લાવ્મંગૈહ્ના (સ્વૈચ્છિકતા) ના મૂળભૂત સિદ્ધાંતો પર વિકાસ કરીએ છીએ. સંગીતનાં વાદ્યોની દુકાનો અને વ્યક્તિઓ પણ અમને પોતાની સાઉન્ડ સિસ્ટમ, લાઇટ્સ અને વાદ્યોનો ઉપયોગ વિના મૂલ્યે કરવા દે છે. કલાકારો સીધા સામેથી અમારો સંપર્ક કરે છે અને કોઈપણ પ્રકારના વળતર વિના સ્વેચ્છાએ રજૂઆત કરવાની તૈયારી દર્શાવે છે, અને સત્તાધિકારીઓ વિના વિલંબે જરૂરી પરવાનગીઓ આપે છે.

(દાન આપનાર) લોકોની સંખ્યા અને (દાનમાં મળતી) રકમમાં ભલે વધારો થયો હોય પણ દાન એકઠું કરવાની પદ્ધતિ એ જ રહી છે. કોઈ પણ કાર્યક્રમના એક કે બે દિવસ પહેલા અમે ભેગા થઈને દાન પેટીઓ તૈયાર કરીએ છીએ; પેટીઓને નારંગી રંગના કાગળમાં લપેટીએ છીએ અને તેના પર અમારા સ્ટીકરો લગાવીએ છીએ. ઐઝવાલની હોસ્પિટલો અને દુકાનો અગાઉથી તેમના પરિસરોમાં અમારી દાનપેટીઓ મૂકી દે છે. આ દાનપેટીઓ ઉપરાંત લાઈવ ઇવેન્ટ્સ દરમિયાન અમે યુપીઆઈ ચુકવણીઓ અને ભારતના અને વિદેશના દાતાઓ પાસેથી બેંક ટ્રાન્સફર પણ સ્વીકારીએ છીએ. પમ્પની સ્થાપના થઈ ત્યારથી જ આ સંસ્થાએ જરૂરિયાતમંદોને ટેકો આપવા માટે સતત આવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને લગભગ 50 લાખ રુપિયા એકઠા કરીને તેનું વિતરણ કર્યું છે, આ ફાળો સંપૂર્ણપણે જનતા દ્વારા આપવામાં આવ્યો હતો. જો કે હજી સુધી અમે અગાઉથી નાણાકીય પરિણામોની આગાહી કરી શકતા નથી કારણ કે આજ સુધી અમે ફક્ત કાર્યક્રમના આયોજન માટે ખાસ ભંડોળ એકઠું કર્યું નથી; પ્રેક્ષકોની સંખ્યા અને દાનનું પ્રમાણ અમે અગાઉથી નક્કી કરી શકતા નથી.

ડેવિડ ઝેડ હ્માર પીપલ યુનાઇટેડ ઇન મ્યુઝિક ફોર અ પર્પઝ (પમ્પ) ના સહ-સ્થાપક છે.

આઇડીઆર નોર્થઈસ્ટ ફેલો 2025-26, માલસાવ્મડોન્ગ્લિયાની તારાને જણાવ્યા મુજબ.

આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.

—


વધુ જાણો: મિઝોરમમાં આરોગ્યસંભાળ પૂરી પાડતી એક સંસ્થાને ક્રાઉડફંડિંગ કેવી રીતે ટકાવી રાખે છે એ વિશે વધુ વાંચો.

વધુ કરો: લેખકના કામ વિશે વધુ જાણવા અને અને તેમના કામને તમારું સમર્થન આપવા [email protected] પર તેમનો સંપર્ક સાધો.

READ NEXT