શહેરી ભારતમાં સ્વચ્છતા સેવાઓનું ખાનગીકરણ દલિત કામદારો માટે જાતિવાદ, વેતન કાપ અને વ્યાવસાયિક અગતિકતાને મજબૂત બનાવે છે.

READ THIS ARTICLE IN

Read article in Hindi
6 min read

ઓગસ્ટ 2025 થી હજારો સફાઈ કામદારો ચેન્નાઈના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કચરો એકઠો કરવાનું અને શેરીઓની સાફ-સફાઈનું કામ મોટા ખાનગી ઠેકેદારોને સોંપવાના નિર્ણય સામે આ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ સમસ્યા ફક્ત ચેન્નાઈ પૂરતી મર્યાદિત નથી. શહેરોમાં ઘેર-ઘેર ફરીને કચરો એકઠો કરવાના કામનું ધીમે ધીમે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું હોવાથી મ્યુનિસિપલ સ્વચ્છતા કામદાર તરીકેની નોકરીઓ નિયમિત કાયમી કામદારોને બદલે વધુ ને વધુ કરારાધીન શ્રમિકો દ્વારા ભરવામાં આવી રહી છે. લખનૌ, અમદાવાદ અને સુરત જેવા શહેરો ‘નવા સ્વચ્છ શહેરો’ ના પુરસ્કારો હાંસલ કરે છે, પરંતુ શહેરને સ્વચ્છ રાખતા કામદારોની પરિસ્થિતિ આ પ્રશંસાથી તદ્દન વિપરીત છે, પરિણામે આ સંદર્ભમાં સ્વચ્છતા સેવાઓની જમીની વાસ્તવિકતા તપાસવાની જરૂર છે.

વધુ મહત્ત્વની વાત એ છે કે ખરેખર આ કામ કોણ કરે છે તેની સમજ જરૂરી છે. જાતિ-આધારિત સામાજિક અને વ્યાવસાયિક ભેદભાવની કાયમી અસરને પરિણામે આજે પણ સાફ-સફાઈ અને કચરો એકઠો કરવાના કામ સાથે દલિત અને ઐતિહાસિક રીતે દબાયેલા બીજા સમુદાયોના લોકો સૌથી વધુ સંખ્યામાં સંકળાયેલા જોવા મળે છે.

2023-24 માં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 3,000 શહેરી સ્થાનિક સંસ્થાઓના 38,000 કામદારોને આવરી લેતા એક સરકારી સર્વેક્ષણ મુજબ શહેરી ગટર અને સેપ્ટિક ટેન્ક સાફ કરવામાં રોકાયેલા લગભગ 92 ટકા લોકો શિડ્યુલ્ડ કાસ્ટ (એસસી – અનુસૂચિત જાતિ), શિડ્યુલ્ડ ટ્રાઈબ (એસટી – અનુસૂચિત જનજાતિ) અને અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી – બીજા પછાત વર્ગ) સમુદાયોના હતા. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વાલ્મીકિ, ભંગી, મહેતર અને ચૂરા; પૂર્વ ભારતમાં બાસ્ફોર, ડોમ અને ઘાસી; અને દક્ષિણ ભારતમાં તોટ્ટી, અરુણતાતિયાર અને મદિગા જેવી દલિત પેટા-જાતિઓ સાફ-સફાઈ સાથે સંકળાયેલ કામોની શૃંખલામાં સામેલ છે. આ સમુદાયો મળીને લગભગ 60 લાખ પરિવારો હોવાનો અંદાજ છે, તેમાંથી આશરે 40-60 ટકા સાફ-સફાઈ સાથે સંકળાયેલા અત્યંત જોખમી કામોમાં રોકાયેલા છે.

What is IDR Answers Page Banner

સફાઈ કામદારો પર ખાનગીકરણ અને કરારીકરણની અસરને સમજવા માટે 2023 અને 2024 માં પશ્ચિમ ભારત સ્થિત એક શ્રમ અધિકાર સંગઠન, સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન (સીએલઆરએ) એ બે સંશોધન અભ્યાસ હાથ ધર્યા હતા. અમે અમદાવાદ અને સુરતમાં કરારાધીન કામદારો, કાયમી કર્મચારીઓ અને સ્વ-રોજગાર પર આધાર રાખનાર તરીકે વર્ગીકૃત કરાયેલ વ્યકતિઓ સાથે વાત કરી હતી. આ વાતચીતોથી જાણવા મળ્યું કે કચરો એકઠો કરવાના અને સાફ-સફાઈના ક્ષેત્રમાં થઈ રહેલા પરિવર્તનને કારણે જાતિ-આધારિત અસમાનતાઓ વધી છે, પરિણામે કામદારોની સ્થિતિ વધુને વધુ અસુરક્ષિત થઈ રહી છે.

ખાનગીકરણ, કરારીકરણ અને જાતિ આધારિત દમનના આંતરછેદો

આજે સફાઈ કામદાર તરીકેની નોકરીઓ કાયમી ભૂમિકાઓ અને કરારબદ્ધ કામ વચ્ચે વહેંચાયેલી છે. જો કે, અમારું સંશોધન સૂચવે છે કે સફાઈ કામદારોને લગભગ ફક્ત કરાર પર રાખવાનું વલણ વધી રહ્યું છે. કાયમી ભરતીઓ ઘટી રહી છે, અને વાલ્મીકિ સમુદાયના કામદારો મુખ્યત્વે કરારાધીન ભૂમિકાઓમાં ધકેલાઈ રહ્યા છે.

કરારાધીન કામદારોની ભરતી માટેની કોઈપણ પ્રમાણભૂત પ્રક્રિયાની ગેરહાજરીમાં રોજગારના રેકોર્ડ ખરાબ રીતે જાળવવામાં આવે છે અથવા જાળવવામાં આવતા જ નથી.

કામદારોનો અંદાજ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પગારપત્રક પરના લગભગ 60 ટકા સફાઈ કામદારો વાલ્મીકી સમુદાયના છે. ત્યારે પટાવાળા અને એટેન્ડન્ટ જેવા કાયમી હોદ્દાઓ પર વર્ચસ્વ ધરાવતી જાતિના કામદારોનો ધસારો જોવા મળે છે. સુરતમાં કામદારોએ આરોપ લગાવ્યો હતો કે બિન-વાલ્મીકી સમુદાયના ઉમેદવારો ઘણીવાર કાયમી નોકરીઓ મેળવવા માટે ભરતી અધિકારીઓને લાંચ આપે છે. આ પ્રથા રાજસ્થાનમાં પણ પ્રચલિત છે. જોકે આ કામદારો હકીકતમાં સાફ-સફાઇનું કામ કરતા નથી, તેમ છતાં તેમની સેલરી સ્લિપ તેમને ‘શ્રમિક’ તરીકે વર્ગીકૃત કરે છે, તેનાથી સાફ-સફાઈના કામ તમામ જાતિઓ વચ્ચે સમાન રીતે વહેંચાયા હોવાની ભ્રામક છાપ ઊભી થાય છે. વાસ્તવમાં વર્ચસ્વ ધરાવતી જાતિના કામદારોને સાફ-સફાઈની ફરજો સોંપવામાં આવે છે ત્યારે તેઓ ઘણીવાર પેટાકરાર કરીને એ કામ બીજાઓને સોંપી દે છે. ઉદાહરણ તરીકે, અમદાવાદના એક જાહેર શૌચાલયમાં બ્રાહ્મણ વ્યક્તિને સોંપાયેલ શૌચાલયના સંચાલનનું કામ કરવા માટે એ વ્યક્તિએ દિવસમાં બે વાર શૌચાલય સાફ કરવા માટે બહારના બીજા કામદારોને કામે રાખ્યા હતા, અને એક વારના સફાઈકામ માટે તેઓ તેમને 100-150 રુપિયા ચૂકવતા હતા.

કામદારોએ તેમના કામના સ્થળે ખુલ્લેઆમ જોવા મળતા અસ્પૃશ્યતા અને ભેદભાવના કિસ્સાઓની વાત કરી હતી. એક વાલ્મીકી કામદારે એવા કિસ્સાઓ વર્ણવ્યા જ્યાં કાર્યક્રમો દરમિયાન તેમને જમીન પર બેસાડવામાં આવતા હતા જ્યારે તેમના સવર્ણ સાથીઓ ખુરશીઓ પર બેઠા હતા. બીજા લોકોએ કહ્યું કે સેનિટરી ઇન્સ્પેક્ટર અને સબ-સેનિટરી ઇન્સ્પેક્ટર, જે ઘણીવાર વર્ચસ્વ ધરાવતી જાતિના હોય છે, તેમનું વર્તન નિયમિતપણે અસંવેદનશીલ અને જાતિવાદી હોય છે.

કરારાધીન કામદારોની ભરતી માટેની કોઈપણ પ્રમાણભૂત પ્રક્રિયાની ગેરહાજરીમાં રોજગારના રેકોર્ડ ખરાબ રીતે જાળવવામાં આવે છે અથવા જાળવવામાં આવતા જ નથી. પરિણામે કરારાધીન કામદારોની પ્રણાલીગત અદ્રશ્યતા વધે છે અને તેમને કાયદાકીય લઘુત્તમ વેતન નકારવામાં આવે છે. અમને જાણવા મળ્યું છે કે મ્યુનિસિપલ સાફ-સફાઈના કામ માટે કરારાધીન કામદારોને નોંધપાત્ર રીતે ઓછું વેતન આપવામાં આવતું હતું, ઘણીવાર તે કાયમી કામદારોને મળતા વેતનના ચોથા ભાગ જેટલું જ હતું. તેમને સામાન્ય રીતે દૈનિક હાજરીને આધારે વેતન આપવામાં આવે છે, જેનો દર 2016 થી 200-250 રુપિયા પર સ્થિર રહ્યો છે.

donate banner

કાયમી નોકરી મેળવવી વધુને વધુ મુશ્કેલ બની રહી છે. અગાઉ કરારાધીન કામદારો પાંચ વર્ષના સમયગાળામાં 900 દિવસનું કામ પૂરું કરે એ પછી કાયમી થઈ શકતા હતા. આ રસ્તો હવે લગભગ બંધ થઈ ગયો છે. આ પરિસ્થિતિ કોન્ટ્રેક્ટ લેબર (રેગ્યુલેશન એન્ડ એબોલિશન) એક્ટ, 1970 – કરારાધીન શ્રમ (નિયમન અને નાબૂદી) અધિનિયમ, 1970 – હેઠળ ગંભીર કાનૂની પ્રશ્નો ઊભા કરે છે, આ અધિનિયમ હેઠળ કરારાધીન કામદારોને સમાન કામ માટે નિયમિત કામદારો જેટલું જ વેતન આપવું ફરજિયાત છે – આ એક એવી જોગવાઈ છે જેનું હંમેશા ઉલ્લંઘન થાય છે.

વળતર વ્યવસ્થા પણ અર્થપૂર્ણ ગતિશીલતા પ્રદાન કરવામાં નિષ્ફળ ગઈ છે. વારસદાર પ્રણાલી હેઠળ ફરજ પર મૃત્યુ પામેલા અથવા ઘાયલ થયેલા સફાઈ કામદારોના નજીકના સંબંધીઓને રોજગાર મેળવવાનો હક છે. જો કે, આ નોકરીઓ હજી પણ ઓછા વેતનવાળા શારીરિક શ્રમના કામો સુધી મર્યાદિત રહે છે. આ પ્રણાલી હેઠળ પોતાની માતાની નોકરી વારસામાં મેળવનાર સુરતના એક સફાઇ કામદારે જણાવ્યું હતું કે બી.કોમ. ની પદવી હોવા છતાં તેમને સફાઈ કામદારની નોકરી જ આપવામાં આવી હતી અને તેઓ લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે.

વારસદાર પ્રણાલીનો વિરોધાભાસ

કેટલાક કામદારો માટે રોજગારમાં અનિશ્ચિતતા અને જાતિ-આધારિત વ્યાપક ભેદભાવ વચ્ચે વારસદાર પ્રણાલી ખાતરીપૂર્વકની સરકારી નોકરી મેળવવાના બાકી રહેલા થોડા માર્ગોમાંથી એક પ્રદાન કરે છે. બીજાઓ માટે આ પ્રણાલી પરિવારોની અનેક પેઢીઓને સાફ-સફાઈના કામ સાથે બાંધી રાખીને જાતિ-આધારિત વ્યવસાયોને ટકાવી રાખે છે. આ પ્રણાલી પોતે નીચલા-સ્તરની નોકરીઓ પૂરતી મર્યાદિત છે અને જો કોઈ કામદાર ઉચ્ચ-સ્તરના પદ પર પ્રમોશન સ્વીકારે છે તો તેને રદ કરવામાં આવે છે. બીજો કોઈ વિકલ્પ ન હોવાથી કામદારોને પ્રમોશનનો ઇનકાર કરવાની અને ઓછા પગારવાળા પદો પર રહેવાની ફરજ પડે છે જે તેમના સ્વાસ્થ્ય અને સલામતી માટે સતત જોખમો ઊભા કરે છે.

2006 માં મજબૂત ભલામણોને પરિણામે 900 કામદારોને વારસદાર પ્રણાલી હેઠળ મ્યુનિસિપલ સેવામાં સામેલ કરવામાં આવ્યા હતા. હકીકતમાં અમદાવાદમાં અમે જે કાયમી સફાઈ કામદારો સાથે વાત કરી હતી તેમાંથી મોટાભાગના કામદારોએ આ રીતે જ પોતાની નોકરીઓ મેળવી હતી.

દરેક જણ સાફ-સફાઈના ક્ષેત્રમાં કામ કરવાનું ચાલુ રાખવા ઇચ્છતું નથી, પરંતુ એ કામ છોડવાથી બીજી અડચણ ઊભી થાય છે.

a person collecting trash from a pile of garbage--sanitation workers
દરેક જણ સાફ-સફાઈના ક્ષેત્રમાં કામ કરવાનું ચાલુ રાખવા ઇચ્છતું નથી, પરંતુ એ કામ છોડવાથી બીજી અડચણ ઊભી થાય છે. | તસવીર સૌજન્ય: પેકસેલ્સ 

છુટકારો મેળવવા માટેનો સંઘર્ષ

કામદારોએ સાફ-સફાઈનું કામ સંપૂર્ણપણે છોડી દેવાનો પ્રયાસ કરતી વખતે આવતી અડચણોનું વર્ણન કર્યું હતું. એક કામદારે કહ્યું, “અગર કોઈ નયી દુકાન ભી ખોલતે હૈં ઔર પતા ચલ જાતા હૈ, તો વહાં કોઈ નહીં આતા (અમે નવી દુકાન ખોલીએ અને લોકોને અમારી ઓળખની જાણ થઈ જાય તો પછી કોઈ ત્યાં આવતું નથી).” જાતિ-આધારિત ઓળખ બીજી આજીવિકામાં પ્રવેશ, સ્વીકૃતિ અને ગતિશીલતા માટે એક મહત્વપૂર્ણ અવરોધ બની જાય છે.

કામદારો વારંવાર કહેતા હતા કે તેઓ ઈચ્છે છે કે તેમના બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે અને તેમને સાફ-સફાઈના ક્ષેત્રમાં કામ કરવાનું ચાલુ ન રાખવું પડે. જોકે, ઘણા લોકોએ માતાપિતાના વ્યવસાયની જાણ થયા પછી અને જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યા પછી ખાનગી શાળાઓમાં પ્રવેશ નકારવામાં આવ્યો હોવાની વાત કરી હતી. એક કામદારે કહ્યું, “છુઆ-છુત અભી ભી ચાલૂ હૈ હમારે સમાજ મેં. મૈં મહેનત કર રહા હું કિ અપને બચ્ચે કો પઢાઉં, પરંતુ પ્રવેશ નહીં દે રહે તો અબ ક્યા કરું (આપણા સમાજમાં હજી પણ અસ્પૃશ્યતા અસ્તિત્વમાં છે. હું મારા બાળકોને શિક્ષિત કરવા માટે સખત મહેનત કરી રહ્યો છું, પરંતુ તેમને પ્રવેશ જ આપવામાં ન આવે ત્યારે હું શું કરી શકું?).” બીજાએ ઉમેર્યું, “કોઈ અચ્છે સ્કૂલ મેં પઢના ચાહ રહે હો તો નહીં મિલેગા (અમે ઇચ્છીએ કે અમારા બાળકો સારી શાળામાં શિક્ષણ મેળવે પણ એમને ત્યાં પ્રવેશ નહીં મળે).”

માળખાકીય અવરોધો આ પડકારોને વધુ જટિલ બનાવે છે. અમદાવાદની વાલ્મીકિ વસાહતના એક કામદારે જણાવ્યું કે તેમની વસાહતો નજીક કોઈ શાળાઓ નથી. તેમના બાળકોને દૂરની શાળાઓમાં મોકલવાનું મોંઘુ પડે છે, અને કામના લાંબા કલાકો બાળકોને રોજેરોજ દૂરની શાળાએ મૂકવા-લેવા જવાનું અને તેમની સંભાળ રાખવાનું મુશ્કેલ બનાવે છે.

આ સંજોગોમાં દેશના વિવિધ શહેરી વિસ્તારોમાં સફાઈ કામદારો સામૂહિક માંગણીઓ ઉઠાવવા માટે વારંવાર એકઠાથાય છે, પરંતુ તેમની માગણીઓ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે.

મુખ્ય માગણીઓ અને આગળનો માર્ગ

કાયમી અને કરારાધીન કામદારો સાથેની વાતચીતના આધારે કેટલીક તાત્કાલિક માંગણીઓ સામે આવી હતી:

  • કરારાધીન કામ નાબૂદ કરો અને હાલના કરારાધીન કામદારોની નોકરીને કાયમી કરવામાં આવે.
  • સાફ-સફાઈ સંબંધિત કામને આવશ્યક શ્રમ તરીકે માન્યતા આપી ગૌરવપૂર્ણ વેતન સુનિશ્ચિત કરવામાં આવે.
  • કામ કરવાની સલામત અને ગૌરવપૂર્ણ પરિસ્થિતિઓની સાથેસાથે આરોગ્યસંભાળ, શિક્ષણ અને પર્યાપ્ત રહેઠાણ માટે સક્રિય સહાય સુનિશ્ચિત કરવામાં આવે.
  • સેપ્ટિક ટેંક સાફ કરતી વખતે થતા મૃત્યુને અકસ્માતો અથવા બેદરકારીના કેસ તરીકે ગણવાને બદલે એસસી/એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસીટીસ – અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ માન્યતા આપવામાં આવે.
  • સફાઈ કામદારો અને તેમના સમુદાયોને થયેલા પ્રણાલીગત અને ઐતિહાસિક અન્યાય માટે વળતર પૂરું પાડવામાં આવે. અનામત ન્યાય પૂરો પાડવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે, પરંતુ સામાજિક અને આર્થિક ન્યાય સુનિશ્ચિત કરવા માટેના એક મહત્વપૂર્ણ સાધન તરીકે વળતર પૂરું પાડવા અંગે તાત્કાલિક ધોરણે ગંભીર ચર્ચા થવી જોઈએ.

મજૂર સંગઠનો માટે એ સ્વીકારવું જરૂરી છે કે જાતિ પણ શ્રમ સાથે જોડાયેલ મુદ્દો છે. તેમણે તેમના અભિગમ અને વ્યૂહરચનાઓ તે મુજબ બદલવા જોઈએ. સંગઠનોની અંદર રહેલા જાતિ આધારિત ભેદભાવોને દૂર કરવાની નિષ્ફળતાને કારણે જ ઐતિહાસિક રીતે દબાયેલા જૂથોના કામદારોની માગણીઓને સ્પષ્ટ કરવા માટે અલગ-અલગ જાતિ- અથવા ઓળખ-આધારિત સંગઠનોનો ઉદ્ભવ થયો છે. જોકે, જાતિને આધારે ઘડાતું શ્રમ બજારનું માળખું એ એક કઠોર વાસ્તવિકતા છે. આ વિભાજન એ વ્યાપક વાસ્તવિકતાનો સામનો કરવાનું ટાળે છે.

આર્થિક શોષણને આકાર આપવામાં જાતિ મુખ્ય ભૂમિકા ભજવે છે; જાતિને વર્ગથી અલગ કરીને જોઈ શકાતી નથી.

આર્થિક શોષણને આકાર આપવામાં જાતિ મુખ્ય ભૂમિકા ભજવે છે અને ભારતમાં જાતિને વર્ગથી અલગ કરીને જોઈ શકાતી નથી. શ્રમ અને ઓળખ આંદોલનો વચ્ચે એકતાની જરૂરિયાત પર મુંબઈમાં તાજેતરમાં યોજાયેલી એક બેઠકમાં કાર્યકરોએ દલીલ કરી હતી કે સંગઠનોએ સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ અને ઉત્પાદન પદ્ધતિઓનું જાતિના દ્રષ્ટિકોણથી દસ્તાવેજીકરણ શરૂ કરવું જોઈએ. તેમણે તાબેદારીના પ્રબળ ધોરણોને પડકારતી એક વૈકલ્પિક સંસ્કૃતિનું નિર્માણ કરવાનું આહ્વાન પણ કર્યું હતું. જાતિપ્રથા વિરોધી સંગઠનો સાથે સતત સહયોગ, સામુદાયિક સ્તરે એકતા અને રાજનૈતિક શિક્ષણ દ્વારા એ થઈ શકે. મહત્ત્વની વાત એ છે કે આ પરિવર્તન સંગઠનના નેતૃત્વમાં પણ પ્રતિબિંબિત થવું જોઈએ.

જ્યાં સુધી કામદારોને વ્યવસાયિક ગતિશીલતા, તેમના પરાંપરાગત કામથી આગળ વધીને બીજું કામ પસંદ કરવાની તક, નકારવામાં આવશે ત્યાં સુધી જાતિ આધારિત સાફ-સફાઈના કામ સાથે સંકળાયેલ સામાજિક-સાંસ્કૃતિક અપમાન ચાલુ રહેશે. તેથી સલામત રોજગારની પહોંચ ગુમાવ્યા વિના સાફ-સફાઈ સંબંધિત કામ છોડવાની સ્વતંત્રતા અને કરાર પ્રણાલીની નાબૂદી એ સફાઈ કામદારોના સંગઠનોની એક મુખ્ય માંગ હોવી જોઈએ.

આ માગણીઓને ન્યાયિક માન્યતા પણ મળી છે. એક ઐતિહાસિક ચુકાદામાં, બોમ્બે હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને 580 સફાઈ કામદારોની નોકરીઓ કાયમી કરવાનો નિર્દેશ આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે “કલ્યાણ રાજ્યમાં નાગરિકોના એક વર્ગ માટેની સ્વચ્છતા બીજાને ‘ગુલામી’ માં જકડી રાખીને મેળવી શકાતી નથી”. સાફ-સફાઈનું કામ જાતિ-આધારિત હોવાનું સ્પષ્ટપણે સ્વીકારીને અદાલતે આ કેસને કરારાધીન શ્રમ સંબંધિત બીજા વિવાદોથી અલગ ગણાવ્યો હતો. આનંદ તેલતુંબડેએ ભારપૂર્વક કહ્યું છે કે જ્યાં સુધી જાતિ-આધારિત ઊંચનીચના ભેદભાવો નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી સરકારનું રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશન માત્ર એક પ્રચાર-સૂત્ર બનીને રહી જશે. તેઓ ચતુરાઈપૂર્વક દલીલ કરે છે કે સમગ્ર વસ્તી દ્વારા પેદા કરવામાં આવતા કચરાનું વ્યવસ્થાપન કરવા માટે ફક્ત ઐતિહાસિક રીતે વંચિત સમુદાયોના ગણ્યા-ગાંઠ્યા કામદારો જવાબદાર ન હોઈ શકે.

આખરે ગૌરવ, સલામતી અને વ્યવસાયિક ગતિશીલતાને પ્રતિબંધિત કરતી પ્રણાલીઓને પડકારવા માટે એક મજબૂત સામૂહિક અવાજનું નિર્માણ કરવા કરારાધીન કામદારો સહિતના સફાઈ કામદારોને સંગઠિત કરવા એ એકમાત્ર રસ્તો છે. ગુજરાતના શહેરી કામદારોનો અનુભવ દર્શાવે છે કે ચેન્નાઈના સફાઈ કામદારો દ્વારા વ્યક્ત કરાયેલ ભય યોગ્ય છે. શ્રમની માન્યતા અને ગૌરવ માટેના તેમના સંગઠિત સંઘર્ષને સ્વીકૃતિ આપવી જોઈએ એટલું જ નહીં પરંતુ તેને સક્રિય સમર્થન પણ આપવું જોઈએ.

આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.

વધુ જાણો

  • ‘બદલી’ કામના પરિણામે વાલ્મીકી સમુદાય માટે સાફ-સફાઈના કામની પરિસ્થતિ વિશે વધુ વાંચો.
  • ભારતના અસંગઠિત શ્રમ ક્ષેત્ર વિશે જાણો.
  • સફાઈ કામદારોની પ્રગતિને અવરોધતી પ્રણાલીગત સમસ્યાઓ વિશે વધુ વાંચો.
donate banner
We want IDR to be as much yours as it is ours. Tell us what you want to read.
ABOUT THE AUTHORS
અનામિકા સિંહ-Image
અનામિકા સિંહ

અનામિકા સિંહ સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન (સીએલઆરએ) સાથે કામ કરતા સંશોધક છે, તેઓ શ્રમ અધિકારો, અનૌપચારિકતા અને સ્થળાંતરની સમસ્યાઓ પરકામ કરે છે. હાલમાં તેઓ સુરતમાં ઝીંગા ઉછેરતા કામદારો સાથે તેમની કામ કરવાની પરિસ્થિતિઓ અને વૈશ્વિક પુરવઠા શૃંખલાની ગતિશીલતાને સમજવા માટે કામ કરી રહ્યા છે.

COMMENTS
READ NEXT