READ THIS ARTICLE IN


રાજસ્થાનમાં પિતૃસત્તાક માનસિકતાને પડકારી પોતાની કેડી કંડારાતી સ્કૂટર-સવાર મહિલા

Location Icon અજમેર, રાજસ્થાન

હું સૌપ્રથમ એક યુવાન નવવધૂ તરીકે રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલા મારા પતિના ગામ, હાથીપટ્ટા આવી હતી. અમે એક પિકઅપ ટ્રકમાં ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે મને નીચે ઉતરીને ગામના દરવાજા સુધીનો બાકીનો એક કિલોમીટરનો રસ્તો પગપાળા કાપવાનું કહેવામાં આવ્યું. તે સમયે રાતના લગભગ 8 વાગ્યા હતા. મને આ વાત ખૂબ વિચિત્ર લાગી, પરંતુ મેં મારી મૂંઝવણ કે ચિંતા વિશે કોઈને કંઈ કહ્યું નહીં.

પછીથી મારા નણંદે મને જણાવ્યું કે આ એક સામાન્ય પ્રથા હતી અને ગામની તમામ મહિલાઓ તેનું પાલન કરતી હતી. પછી ભલે તેઓ બાઇક પર હોય કે રિક્ષામાં, ભલે તેઓ બીમાર હોય, વૃદ્ધ હોય કે ગર્ભવતી હોય—તેમણે ગામથી એક કિલોમીટર દૂર વાહનમાંથી નીચે ઉતરી જવું પડતું અને ગામમાં પ્રવેશવા માટે બાકીનું અંતર ચાલીને કાપવું પડતું. તેમણે મને કહ્યું કે તેઓ આ પરંપરાનું પાલન એટલા માટે કરતા હતા કારણ કે સદીઓ પહેલાં એક બાબાએ (ધર્મગુરુએ) ગામલોકોને કહ્યું હતું કે મહિલાઓને પગપાળા સિવાય બીજી કોઈ પણ રીતે ગામની બહાર જવા દેવી કે ગામમાં પ્રવેશવા દેવી જોઈએ નહીં. સમય જતાં એ બાબા ગામલોકો માટે દેવતા સમાન બની ગયા હતા અને ગામલોકોએ તેમના નામે એક મંદિર પણ બનાવ્યું હતું.

ઘણા વર્ષો સુધી મેં પણ ધર્મના નામે આ પ્રથાને કારણે મને થતી અગવડ તરફ આંખ આડા કાન કરવાનું પસંદ કર્યું હતું. જોકે, 2019 માં જ્યારે હું – મહિલાઓ વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતા સામાજિક ધોરણોમાં પરિવર્તન લાવવા માટે કાર્યરત – એક બિન-નફાકારક સંસ્થા – કોરો (સીઓઆરઓ) સાથેના મારા કામમાં વધુ સક્રિય થઈ ત્યારે ગામની આસપાસ જવા-આવવાનું મારા માટે ખૂબ મુશ્કેલ બની ગયું. તેથી મેં મારા પતિને મારે માટે સ્કૂટર ખરીદવા મનાવી લીધા. પરંતુ સ્વાભાવિક રીતે જ મને સ્કૂટર ચલાવીને ગામમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. ત્યારે જ મેં નક્કી કર્યું કે મહિલાઓ સાથે ભેદભાવ કરતી આ સદીઓ જૂની પરંપરા બાબતે મારે કંઈક કરવું પડશે.

પહેલીવાર મારે સ્કૂટર સાથે ગામમાં પ્રવેશવાનું થયું ત્યારે મેં જાણે સ્કૂટર મારા હાથમાંથી છટકી ગયું હોય અને હું નીચે પડી ગઈ હોઉં એવું નાટક કર્યું. મેં મારા પરિવારને કહ્યું કે આ સ્કૂટર મારા માટે ખૂબ ભારે છે. પછીથી સ્કૂટરને ગામમાં અંદર લાવવાની અને બહાર લઈ જવાની જવાબદારી મારા પતિને સોંપવામાં આવી. એક મહિનાની અંદર જ તેઓ આ કામથી કંટાળી ગયા અને મને મારા પોતાના ભરોસે છોડી દીધી. પરંતુ આસપાસના પરિવારોને હજી પણ એવું જ લાગતું હતું કે હું ઈશ્વરની મરજી વિરુદ્ધ કામ કરી રહી છું. તેથી મેં મારી યોજનામાં થોડો ફેરફાર કર્યો અને હથાઈ (ગામની એવી જાહેર જગ્યા જ્યાં પંચાયત નિયમિતપણે મળે છે) પર બેઠેલા પુરુષોને મને મદદ કરવા માટે કહેવાનું શરૂ કર્યું. ધાર્યા મુજબ, તેઓ પણ રોજ મારી મદદ માટે હંમેશા હાજર રહેવાથી કંટાળી ગયા.

થોડા જ સમયમાં મને મારા વાહન પર સવાર થઈને ગામમાં આવવા-જવાની મંજૂરી મળી ગઈ. અને આવું કરનાર હું પહેલી મહિલા હતી. હવે બીજી મહિલાઓએ પણ વાહનોમાં બેસીને ગામમાં પ્રવેશવાનું શરૂ કર્યું છે. જોકે તેઓ હજી પણ કોઈને જાણ ન થાય તે રીતે રાત્રિના સમયે જ આવું કરવાનું પસંદ કરે છે.

હું ગામમાં પ્રચલિત આવી બીજી ભેદભાવપૂર્ણ પરંપરાઓને નાબૂદ કરવા માટે દ્રઢનિશ્ચયી છું, પરંતુ મારે સાવચેતી રાખવી પડે તેમ છે. આ ફેરફારો લાંબા સમય સુધી ટકી રહે એમ હું ઈચ્છતી હોઉં તો સૌથી પહેલા મારે બધાનો વિશ્વાસ અને સમર્થન મેળવવું પડે. તેથી જ શરૂઆતમાં મેં એવી સમસ્યાઓ પર કામ કરવાનું શરૂ કર્યું જે બધાને સતાવતી હતી, જેમ કે ગામમાં પાણીની પાઈપલાઈન અને ગટર વ્યવસ્થાની પરિસ્થિતિ. હું લોકોને પેન્શન મેળવવામાં પણ મદદ કરતી. જેમ જેમ વધુ ને વધુ લોકો મને ઓળખતા થયા અને મદદ માટે મારી પાસે આવવા લાગ્યા તેમ તેમ આ મુલાકાતોનો ઉપયોગ કરીને મેં તેમની સાથે તેમના અધિકારો વિશે વાત કરવાનું શરૂ કર્યું.

સુનીતા રાવત એક સામાજિક કાર્યકર છે, તેઓ વિવિધ અસમાનતાઓને દૂર કરીને અને બંધારણીય મૂલ્યોની હિમાયત કરીને ન્યાયપૂર્ણ સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.

આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.

—

વધુ જાણો: વાઘરી જાતિનો ‘રિવર્સ ડાઉરી’ (વિપરીત દહેજ – વરપક્ષ તરફથી કન્યાપક્ષને અપાતું દહેજ) પ્રથા મહિલાઓને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તે વિશે વાંચો.

READ NEXT