ક્ષેત્રીય કાર્યકરો માટે: એલપીજીની રામણ, અવિશ્વાસની અકળામણ

Location Iconઉત્તર પશ્ચિમ દિલ્હી જિલ્લો, દિલ્હી
એલપીજીની અછતને કારણે લોકોમાં નિરાશા અને ગુસ્સો વધી રહ્યા છે, ઘણા લોકો કહી રહ્યા છે કે માટીના ચૂલા છોડીને એલપીજી અપનાવીને તેઓ પસ્તાઈ રહ્યા છે. | તસવીર સૌજન્ય: વિકિમીડિયા કોમન્સ / સીસી બીવાય

નવી દિલ્હીના ભલસ્વાના ઘણા રહેવાસીઓ મને ‘સિલિન્ડર વાલી મેડમ’ તરીકે ઓળખે છે, એક એવું નામ જે એક સમયે વિશ્વાસનું પ્રતીક હતું. પરંતુ હવે એ જ નામ અધૂરી અપેક્ષાઓ અને ઘણીવાર તો દોષારોપણનો પર્યાય બની ગયું છે.

છેલ્લા કેટલાક વર્ષોથી હું ભલસ્વાની વસાહતોમાં રહેતા સમુદાયો સાથે કામ કરી રહી છું, તેમને પરંપરાગત ચૂલા (માટીના ચૂલા) છોડીને એલપીજી સિલિન્ડર અપનાવવા અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) સાથે જોડવા માટે પ્રોત્સાહિત કરી રહી છું. આ માટે પરિવારોને, ખાસ કરીને પરિવારની મહિલાઓને, સ્વચ્છ રસોઈ-ઇંધણના ફાયદાઓ સમજાવવા અને દસ્તાવેજો બાબતે તેમને સહાય કરવા માટે સતત પ્રયાસો કરવાની જરૂર પડી છે. સૌથી અગત્યનું તો એ માટે તેમનો વિશ્વાસ સંપાદન કરવાની જરૂર પડી છે.

ધીમે ધીમે, પરિવારોએ ચૂલા છોડીને એલપીજી સિલિન્ડર અપનાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે બળતણ માટેના લાકડાનો સંગ્રહ કરવાનું બંધ કરી દીધું હતું, જૂના ચૂલા દૂર કર્યા હતા, અને તેમની રોજિંદી રસોઈ માટે સંપૂર્ણપણે એલપીજી પર આધાર રાખવાનું શરૂ કર્યું હતું.

જો કે, એલપીજીની વર્તમાન અછતને કારણે સંતુલન ખોરવાઈ ગયું છે. સિલિન્ડરો મળવા મુશ્કેલ બન્યા છે; જો ક્યાંક મળે તો પણ એ ગેરકાયદેસર રીતે સિલિન્ડર દીઠ 3,000-4,000 રુપિયા જેટલા ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. ભલસ્વાના મોટાભાગના પરિવારો, જેમાંથી ઘણા રોજીરોટી માટે કચરો વીણવાના અથવા બીજા કોઈ પ્રકારના અનૌપચારિક કામ પર આધાર રાખે છે, તેમને આ પોસાય તેમ નથી. તેમની દૈનિક આવક માંડ 250-300 રુપિયા છે ત્યારે તેમાંના મોટાભાગના લોકોને આજે એક કિલોગ્રામ ગેસ માટે 300-500 રુપિયા ચૂકવવા વારો આવ્યો છે.

વિકલ્પોની ગેરહાજરીએ પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવી છે. બળતણ માટેનું લાકડું, જે એક સમયે સરળતાથી ઉપલબ્ધ વિકલ્પ હતો તે, હવે દુર્લભ અને ખર્ચાળ બંને છે. અગાઉ લોકો નજીકના વિસ્તારોમાંથી આમતેમ પડેલા લાકડા એકઠા કરી શકતા હતા, પરંતુ દિલ્હીમાં અણધાર્યા વરસાદને કારણે હવે એ પણ મુશ્કેલ બન્યું છે.

આને કારણે એલપીજી અપનાવનારાઓમાં હતાશા અને ગુસ્સો વધી રહ્યા છે. ઘણા લોકો મને ફોન કરીને કહી રહ્યા છે કે તેઓ આ ફેરફાર કરવા બદલ પસ્તાય છે, સાથેસાથે તેઓ એમ પણ કહી રહ્યા છે કે મારા આગ્રહને કારણે જ તેમણે એલપીજી સિલિન્ડર અપનાવ્યા હતા. તાજેતરમાં, એક મહિલાએ મને કહ્યું કે તેના સાસરિયાઓ મારું નામ લઈને તેને મહેણાં મારવા લાગ્યા હતા, અને કહેતા હતા કે આના કરતા તો પહેલા (ચૂલા પર રસોઈ કરતા હતા એ) સારું હતું.

આવું બધું સાંભળી લેવાનું સરળ નથી, પરંતુ (આવું સાંભળવું પડે) એ નવાઈ પમાડે એવું પણ નથી. ભલસ્વામાં વિશ્વાસ એ હંમેશા એક જટિલ વિષય રહ્યો છે. ભૂતકાળમાં ઘણી બિન-નફાકારક સંસ્થાઓ અહીં કામ કરી ચૂકી છે, પરંતુ તેમાંની બધી જ સંસ્થાઓ એવી નથી કે જેમની કામગીરીને રહેવાસીઓ સકારાત્મક રૂપે યાદ કરતા હોય. તેથી કોઈપણ નવા સંકટને કારણે લોકોની જૂની શંકાઓ ફરીથી ઊભી થવાનું જોખમ રહે છે.

કેટલાક પરિવારો તો પોતાના (વતનના) ગામોમાં પાછા જતા રહ્યા છે. જેઓ ઠેલા (ખાદ્યપદાર્થોની નાની રેંકડીઓ) ચલાવીને રોજીરોટી કમાતા હતા તેમને પોતાના ધંધા ચાલુ રાખવામાં મુશ્કેલી પડી રહી હતી. જેઓ હજી અહીં રહ્યા છે તેમને માટે ઇંધણના વધતા ભાવ એ પહેલેથી જ અનિશ્ચિત પરિસ્થિતિમાં એક વધારાનો બોજ બની ગયા છે.

આ પરિસ્થિતિમાં હું મારી પોતાની પ્રતિક્રિયાઓ વિશે વિચારતી રહું છું. તાજેતરમાં મારું પોતાનું સિલિન્ડર ખલાસ થઈ ગયું ત્યારે મને અતિશય ચિંતા થઈ ગઈ હતી, મારે માટે આ એક અસામાન્ય પણ પાઠ ભણાવનાર અનુભવ હતો. તેનાથી મને લોકો જે અસુરક્ષાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે તેને કંઈક અંશે સમજી શકવામાં મદદ મળી હતી. તેનાથી મારે માટે સમુદાયના આક્રોશને સમજવાનું અને (આ આક્રોશ માટે તેમની પાસે યોગ્ય કારણ છે) એ સ્વીકારવાનું પણ સરળ બન્યું છે.

હાલ પૂરતું, મારો મોટાભાગનો સમય લોકોના ફોનના જવાબ આપવામાં અને પરિવારોને મદદ કરવાનો પ્રયાસ કરવામાં પસાર થાય છે. આ નાના, તાત્કાલિક પ્રયાસો છે, પરંતુ તે મૂળ સમસ્યાને હલ કરતા નથી. વધુ મુશ્કેલ કામ પછીથી કરવાનું આવશે: પુરવઠો સામાન્ય થઈ જશે ત્યારે પણ લોકોમાં એલપીજી બાબતે ફરીથી વિશ્વાસ ઊભો કરવાનું સરળ નહીં હોય. (લોકોનો વિશ્વાસ હાંસલ કરવા) મારે નવેસરથી શરૂઆત કરવી પડે એવું પણ બની શકે છે.

રમા એક પરિવર્તન એજન્ટ તરીકે કામ કરે છે, તેઓ ભલસ્વા સમુદાયની મહિલાઓને (પરંપરાગત ચૂલા છોડીને) સ્વચ્છ રસોઈ ઇંધણ અપનાવવામાં મદદ કરે છે.

આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.

વધુ જાણો: ભલસ્વામાં કામ કરતી વખતે રમાના જીવનના એક દિવસ વિશે વાંચો.


READ NEXT


VIEW NEXT