કાગજી કાર્યવાહી પછી પણ ચૂકવણીના નામે મીંડું: પીએમએસબીવાય ક્યાં ઊણી ઊતરે છે

Location Icon ઉદયપુર, રાજસ્થાન
a man and a woman go over a document together, with several other people in the background and around them--Pradhan Mantri Suraksha Bima Yojana claim
મોટાભાગના લોકો માટે પીએમ સુરક્ષા વીમા યોજના અંતર્ગત દાવા દાખલ કરવાનું (ક્લેમ કરવાનું) અને પોતાના હકની સહાયની રકમ મેળવવાનું ખૂબ જ મુશ્કેલી થઈ પડે છે. | તસવીર સૌજન્ય: કિશન ગુર્જર

પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના એ એક સામાજિક સુરક્ષા યોજના છે, તેનો હેતુ 18 થી 70 વર્ષની વયની વ્યક્તિઓને આકસ્મિક મૃત્યુ અને વિકલાંગતા સામે વીમો પૂરો પાડવાનો છે. તેનું વાર્ષિક 20 રુપિયાનું પ્રીમિયમ સીધું નોંધણીકૃત વ્યક્તિઓના બેક એકાઉન્ટમાંથી આપોઆપ કપાઈ જાય છે. 

હું રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં સ્થળાંતરિત શ્રમિક સમુદાયોની આર્થિક સમાવેશકતા પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા શ્રમ સારથિ સાથે કામ કરું છું. અમે જે સમુદાયો માટે કામ કરીએ છીએ તે સમુદાયો આ યોજનાના લક્ષ્ય જૂથોમાંથી છે. જો કે, અમે જોયું છે કે મોટાભાગના લોકો માટે દાવા દાખલ કરવાનું (ક્લેમ કરવાનું) અને પોતાના હકની સહાયની રકમ મેળવવાનું ખૂબ જ મુશ્કેલી થઈ પડે છે.

આનું એક કારણ છે જટિલ અરજી પ્રક્રિયા, તેમાં ફોર્મ ભરવાનો અને સંબંધિત વીમા કંપનીને ઈ-મેઇલ કરીને માહિતી મોકલવાનો સમાવેશ થાય છે. આખી પ્રક્રિયામાં કોઈ વાજબી કારણ આપ્યા વિના, અતિશય વિલંબ થાય છે અને દાવેદારોને વારંવાર બેંકો અને બિઝનેસ કરસપોન્ડન્ટ્સ – કમિશન પેટે લોકોને બેંક ખાતા ખોલવામાં મદદ કરતા બેંક પ્રતિનિધિઓ – ની પાછળ પાડીને કામ કરાવવું પડે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, જ્યાં પહેલેથી જ નાણાકીય સાક્ષરતા ઓછી છે, ત્યાં આ પરિસ્થિતિ સમસ્યારૂપ છે.

ગોગુંડા તહેસીલના સૂરજગઢ ગામના રહેવાસી ફુલા બાઈનું ઉદાહરણ લો, 14 મી મે, 2023 ના રોજ ખાણકામ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે એફઆઈઆર અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નોમિની, પ્રભુ લાલે પંચનામા (સ્થળ પરનો મૃત્યુ અહેવાલ), એફઆઈઆર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બીજા પ્રમાણપત્રો સહિતના તમામ જરૂરી દસ્તાવેજો સુપરત કરીને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં વીમા દાવા માટે અરજી કરી હતી.

આમ છતાં બેંક દસ્તાવેજો માગતી રહી, અને દાવાની પ્રક્રિયામાં સતત વિલંબ થતો રહ્યો, બેંકે કોઈ સ્પષ્ટતા કે કારણો આપ્યા નહીં. પ્રભુએ બેંકની ઘણી શાખાઓમાં ધક્કા ખાધા, પરંતુ દરેક વખતે તેમને કહેવામાં આવ્યું કે વીમાની રકમ હજી સુધી મળી નથી. તેમણે પોતાની ફરિયાદ દૈનિક ભાસ્કરમાં પણ પ્રકાશિત કરી, પરંતુ આજ સુધી કોઈ સહાય પૂરી પાડવામાં આવી નથી.

બીજી એક ઘટનામાં ગોગુંડાના જસવંતગઢ ગામના રહેવાસી નારાયણ સિંહનું 24 મી જૂન, 2022 ના રોજ એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમના પત્ની પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમણે ચાલવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. બંનેનો યુનિયન બેંક ઓફ ઈન્ડિયા મારફત વીમો હતો, અને તેમના નોમિની, ધાપુ કુંવરે વીમા દાવા માટે અરજી કરી હતી. ધાપુને ઘણી વખત બેંકમાં ધક્કા ખાવા પડ્યા હતા, પરંતુ વારંવાર તેમને એક જ વાત કહેવામાં આવી હતી કે વીમાની રકમ હજી સુધી આવી નથી. ફરી એકવાર, બેંકે વધુ કોઈ માહિતી આપી નહોતી.

અમારા ધ્યાનમાં આવેલી મુખ્ય સમસ્યાઓમાંની એક છે વીમા કંપની અને બેંક વચ્ચે સ્પષ્ટ વાતચીતનો અભાવ. બધું જ ઈ-મેલ દ્વારા થાય છે અને દાવાની શું સ્થિતિ છે એ ફક્ત બેંક જ ટ્રેક કરી શકે છે, પરિણામે અરજદાર અંધારામાં રહે છે. આ પ્રક્રિયા અરજદારો માટે અનૌપચારિક અને મૂંઝવણભરી છે; આગળના પગલાં બાબતે કોઈ સ્પષ્ટતા વિના તેમને ફક્ત શાખામાં કાગળો સુપરત કરવાનું કહેવામાં આવે છે.

દાવેદારો આવી સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ સહાય મેળવવામાં નિષ્ફળ જાય છે ત્યારે આ પહેલોમાંથી તેમનો વિશ્વાસ ઘટી જાય છે. સરળ અરજી પ્રક્રિયા, દાવાઓ પર સમયસર કાર્યવાહી અને ડિજિટલ સાધનો અંગે જાગૃતિ ફેલાવવાથી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં ઘણી મદદ મળી શકે છે.

કિશન ગુર્જર શ્રમ સારથિ ખાતે બ્રાન્ચ સર્વિસ મેનેજર છે.

આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.

—

વધુ જાણો: રાજસ્થાનમાં બાયોમેટ્રિક પ્રક્રિયાઓ નાણાકીય કૌભાંડો વધારવામાં કેવી રીતે ભાગ ભજવી રહી છે તે જાણો.

વધુ કરો: લેખકના કામ વિષે વધુ જાણવા અને તેમના કામને તમારું સમર્થન આપવા [email protected] પર તેમનો સંપર્ક સાધો.

READ NEXT