
2000 ના દાયકાની શરૂઆતમાં કાંગડા જિલ્લાના રૈત બ્લોકમાં અમે જાગોરી સંસ્થાનું હિમાચલનું કાર્યાલય શરૂ કર્યું હતું. એ સમય અલગ હતો અને ત્યારે એ વિસ્તારમાં બહુ ઓછી સંસ્થાઓ કાર્યરત હતી. સ્થાનિક સમુદાયો બિન-નફાકારક સંસ્થાઓ અને ક્ષેત્રીય કાર્યકરો (ફિલ્ડવર્કર્સ – જમીની સ્તરે કામ કરતા કાર્યકરો) પ્રત્યે શંકાની નજરે જોતા હતા. અમે 18 થી 22 વર્ષની વયની યુવતીઓનું એક જૂથ હતા, અમને સર્વેક્ષણ કરવાનું અને સમુદાયના સભ્યો સાથે સંબંધો કેળવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
અમારી ધારણા મુજબ જ અમારે બહુ જલ્દી જ અમારા પહેલા પડકારનો સામનો કરવો પડ્યો. લોકો સરકારી કર્મચારીઓ પ્રત્યે સાવધ થઈ ગયા હતા; કારણ કે તેઓ ગામ અને ગામના રહેવાસીઓ વિશે માહિતી એકઠી કરી લેતા અને પછી લોકોની સમસ્યાઓ કે ચિંતાઓનું કોઈ નિરાકરણ લાવ્યા વિના જ ચાલ્યા જતા. પરિણામે અમારી સાથે વાત કરવા તૈયાર હોય તેવા લોકોને શોધવામાં અમને મુશ્કેલી પડતી હતી. લોકો યુવાન મહિલાઓને ભાગ્યે જ ગંભીરતાથી લેતા હોવાને કારણે અમારા પડકારો વધુ જટિલ બન્યા હતા.
ત્યારે જ અમે નક્કી કર્યું કે વૃદ્ધો સાથે વાતચીત કરવાનું કદાચ સરળ રહે. અમે ગામના વડીલો સાથે બેસવાનું અને તેમની વાતો સાંભળવાનું શરૂ કર્યું.
તેઓ ઘણી બધી બાબતો વિશે ફરિયાદ કરતા હતા, તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી ફરિયાદ એ હતી કે નાની-મોટી દરેક બીમારી માટે લોકો હવે સીધા હોસ્પિટલ દોડી જાય છે. તેમણે જણાવ્યું કે તેમની યુવાનીના દિવસોમાં સામાન્ય શરદી, પેટની તકલીફો અને તાવ જેવી મોટાભાગની બીમારીઓની સારવાર માટે તેઓ ઘરેલુ ઉપચારો પર આધાર રાખતા હતા. પરંપરાગત ઉપચારો (ઔષધો) તૈયાર કરવા માટે તેઓ સ્થાનિક છોડ અને ફૂલોનો ઉપયોગ કરતા હતા. પરંતુ સમય જતાં હિમાચલના ઘણા રસોડામાંથી આ નુસખાઓ ગાયબ થઈ ગયા હતા.
અમે ગામના વડીલો પાસેથી આ પરંપરાગત ઉપચારોની માહિતી ભેગી કરીને તેને એક પુસ્તકના રૂપમાં સંકલિત કરવાનું નક્કી કર્યું. આમાંના એક ઉપચારમાં જણાવવામાં આવ્યું છે કે કાલમેઘ (ગ્રીન ચિરેટા – કરિયાતું) ના પાનમાંથી બનાવેલો રસ માસિક દરમિયાન થતા વધુ પડતા રક્તસ્રાવને નિયંત્રિત કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે. બીજા એક ઉપચારમાં બહેડા (ટર્મિનાલિયા બેલેરિકા) ના ફાયદા વર્ણવવામાં આવ્યા છે; તેના ફળની છાલ ચૂસવાથી ઉધરસમાં રાહત મળે છે.
અમે આ પુસ્તક ગામમાં વહેંચવાનું શરૂ કર્યું, પરિણામે સમુદાયને અમારા ઉપર વિશ્વાસ બેઠો. ધીમે ધીમે લોકોને સમજાયું કે અમે નિષ્ઠાવાન છીએ – ખરેખર તેમની સાથે મળીને કામ કરવા માગીએ છીએ, તેથી તેઓ અમારી સાથે ખુલીને વાત કરવા અને બેઠકોમાં હાજરી આપવા માટે તૈયાર થયા. અમને સમજાયું કે સાંજના સમયે અમે તેમને ઘેર જઈએ તો મહિલાઓ સાથે વાત કરવાનું વધુ સરળ રહેતું કારણ કે ત્યારે તેઓ તેમના રોજિંદા ઘરેલુ કામકાજમાંથી પરવારી ગયા હોય. વાતચીત દરમિયાન અમે ઘણીવાર તેમના વાળમાં તેલ નાખી આપતા અથવા શાકભાજી સમારવામાં મદદ કરતા. સમય જતાં અમે સમુદાયમાં અમારી વિશ્વસનીયતા સ્થાપિત કરી.
ત્યારથી આ વિસ્તારમાં ઘણી નવી બિન-નફાકારક સંસ્થાઓએ કામ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ સમુદાયનો વિશ્વાસ જીતવો એ આજે પણ એક સૌથી મહત્વપૂર્ણ પહેલું પગલું છે. જ્યારે પણ અમે કોઈ નવા બ્લોકમાં કામનો વિસ્તાર કરીએ છીએ ત્યારે અમે અપનાવેલી આ કાર્યપદ્ધતિઓ અસરકારક સાબિત થાય છે.
આશા હિમાચલ પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા 25 વર્ષથી જાગોરી સંસ્થા સાથે કામ કરી રહ્યા છે.
આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.
—
વધુ જાણો: મિઝોરમમાં પર્યાવરણીય અભિયાનના ઊભું કરવામાં સાપે કેવી રીતે મદદ કરી તે વિશે જાણો.
વધુ કરો: લેખકાના કામ વિશે વધુ જાણવા અને અને તેમના કામને તમારું સમર્થન આપવા [email protected] પર તેમનો સંપર્ક સાધો.