કર્ણાટકના દૂરના પ્રદેશોમાં આદિવાસી સમુદાયોના ખરાબ સ્વાસ્થ્યનું કારણ પીવાના સ્વચ્છ પાણી અને સ્વચ્છતા સુવિધાઓ અને પૂરતી આવક, રસ્તાઓ અને રહેઠાણ જેવી મૂળભૂત સુવિધાઓની પહોંચનો અભાવ હોઈ શકે છે. આ બધા પરિબળો તેમને બીમારીઓ માટે વધુ સંવેદનશીલ બનાવે છે, પરંતુ તેઓ તેમના વિસ્તારમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સારવાર લેવાનો ઇનકાર કરે છે. તેને બદલે તેઓ પરંપરાગત આયુર્વેદિક ઉપચારકોને વળગી રહેવાનું પસંદ કરે છે.
કર્ણાટકમાં આદિવાસી સ્વાસ્થ્ય ઉપર પીએચડી કરનાર એક સંશોધક સુશીલા કેંજૂર કોરગા કહે છે, “લોકોને જિલ્લા હોસ્પિટલ કે તાલુકા હોસ્પિટલ જવા માટે સમજાવવા ખૂબ જ મુશ્કેલ છે. ભૂતકાળમાં તેમને સમજાવવા માટે અમે સમુદાયના નેતાઓને પણ સામેલ કરી જોયા છે. પરંતુ તેમ છતાં જો તેઓ ગંભીર રીતે બીમાર હોય તો જ (હોસ્પિટલ જવા) સંમત થતા.”
તેઓ ઉમેરે છે, “કમનસીબે આ રીતે છેલ્લી ઘડી સુધી રાહ જોવાને કારણે ઘણા મૃત્યુ થતા હતા, વર્ષોથી ઊભી થતી રહેલી આ પરિસ્થિતિએ જાહેર હોસ્પિટલો પ્રત્યે લોકોનો અવિશ્વાસ વધારવામાં વધુ ફાળો આપ્યો છે.”
સુશીલાના સહકાર્યકર મહંતેશ એસ કે તેમના આવા જ અનુભવ વિશે વાત કરે છે. “જ્યારે અમે તેમને હોસ્પિટલોમાં લઈ જવાનો અથવા સ્વાસ્થ્ય જાગૃતિ વિશે વાત કરવાનો પ્રયાસ કરતા ત્યારે તેઓ તેમના દરવાજા બંધ કરીને જંગલમાં ભાગી જતા.”
તેઓ ચામરાજનગર જિલ્લાની એક ખાસ ઘટના યાદ કરે છે. “એક વ્યક્તિને ગેંગરીન થયું હતું. અમે તેને શસ્ત્રક્રિયા માટે નજીકની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ શસ્ત્રક્રિયાના દિવસે જ તે પોતાની પત્નીને ત્યાં (હોસ્પિટલમાં) જ છોડીને ભાગી ગયો હતો. પછી અમને ખબર પડી કે જાહેર સુવિધા વિના મૂલ્યે મળતી હોવા છતાં તે પોતે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો.”
સુશીલા કર્ણાટકના પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ્સ (પીવીટીજી – ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો) માંના એક સ્થાનિક કોરાગા સમુદાયના છે. લોકોના મનમાંથી આ ભય અને અવિશ્વાસને શી રીતે દૂર કરવો તે શોધવાનો તેમણે પ્રયાસ કર્યો છે, એ માટેના સંશોધનમાં તેમણે વર્ષો વિતાવ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ (આઈપીએચ) અને જ્યોર્જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ સાથેના એક પ્રોજેક્ટ માટે તેમણે આદિવાસી નેતાઓ, હોસ્પિટલ કર્મચારીગણ અને જિલ્લા અને રાજ્ય સ્તરના આરોગ્ય અધિકારીઓના ઇન્ટરવ્યુ લીધા હતા, જેથી આ ભય અને અવિશ્વાસને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે એવા જરૂરી નીતિગત હસ્તક્ષેપો સમજી શકાય.
સુશીલાએ જોયું કે આ સમુદાયના સભ્યો આરોગ્યસંભાળ કેન્દ્રોની મુલાકાત લે ત્યારે તેમની સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવતું હતું એ તેમને માટે મુખ્ય ચિંતાનો વિષય હતો. તેઓને વારંવાર એમ લાગતું હતું કે બિન-આદિવાસીઓની સારવારની સરખામણીએ તેમની સારવાર કરવામાં વધુ વિલંબ કરાતો હતો. વધુમાં તેઓ વાતચીતની ભાષા સમજી શકતા નહોતા અને હોસ્પિટલના કર્મચારીગણને તેમની બીમારી સમજાવી શકતા નહોતા. તેમને માટે તે એક અજાણ્યું અને ડરામણું સ્થાન હતું. આઈપીએચ જેવી આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમની ટીમનો એક સભ્ય આદિવાસી લોકોને હોસ્પિટલોમાં મદદ કરવા માટે હંમેશ હાજર હોય એવું સુનિશ્ચિત કરતી હોય એવા કિસ્સાઓમાં સમુદાયના સભ્યોને (સરકારી હોસ્પિટલોમાં) તેમની સારવાર ચાલુ રાખવાનું સલામત લાગ્યું હતું.
સુશીલા અને તેમના સાથીઓએ હવે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જે તેમણે સરકારને સુપરત કર્યો છે. આ પ્રસ્તાવમાં જિલ્લા અને તાલુકા હોસ્પિટલોમાં સ્થાનિક આદિવાસી સમુદાયોમાંથી એક આરોગ્ય નેવિગેટર હંમેશા હાજર રાખવાનું ફરજિયાત બનાવવાનું કહેવામાં આવ્યું છે. કર્ણાટક સરકાર રાજ્યના આઠ જિલ્લાઓમાં આ નીતિ લાગુ કરવાની યોજના બનાવી રહી છે.
આઈડીઆરને જણાવ્યા મુજબ.
સુશીલા કેંજૂર કોરગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, બેંગલુરુમાં રિસર્ચ એસોસિએટ (સંશોધન સહયોગી) છે અને ટ્રાઇબલ લીડરશિપ પ્રોગ્રામ 2022 માં ફેલો છે; મહંતેશ એસ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થમાં રિસર્ચ ઓફિસર (સંશોધન અધિકારી) છે.
આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.
—
વધુ જાણો: ઓડિશાના પરંપરાગત ચિકિત્સકો તેમણે જ ફેલાવેલી અંધશ્રદ્ધા હવે કેવી રીતે દૂર કરી રહ્યા છે.
વધુ કરો: સુશીલા કેંજૂર કોરગાના કાર્ય વિશે વધુ જાણવા અને તેને સમર્થન આપવા માટે susheelakenjoor@gmail.com પર તેમનો સંપર્ક કરો.