મિઝોરમના મામિતમાં ઝૂમ ખેડૂતો અનિયમિત હવામાન, ઉંદરોના હુમલા અને નિષ્ફળ વાવેતર ફેરફારોને કારણે અનેક સંકટનો સામનો કરે છે.

READ THIS ARTICLE IN

4 min read

મામિત એ મિઝોરમનો એક પર્વતીય જિલ્લો છે, તે લગભગ 8,000 લોકોનું ઘર છે અને રાજ્યની રાજધાની ઐઝવાલથી લગભગ 110 કિલોમીટર દૂર આવેલો છે. પેઢીઓથી તેના સમુદાયોએ – મુખ્યત્વે મિઝો અને બ્રુ સમુદાયોએ – સ્થિર વરસાદ, ઓછા ઉત્પાદન ખર્ચ અને રાસાયણિક ખાતરો પર નિર્ભરતા વિના અથવા ખૂબ ઓછી નિર્ભરતા સાથે ઝૂમ અથવા સ્થળાંતરિત ખેતી દ્વારા આ ભૂપ્રદેશને ખેડ્યો છે. ઝૂમ એ ફક્ત ખેતીની એક પદ્ધતિ નથી પરંતુ એક કેલેન્ડર, એક સમુદાયિક પ્રણાલી અને પરિવારોમાં પેઢીઓથી વારસામાં મળતો આવેલો ઈકોલોજિકલ (પરિસ્થિતિ વિજ્ઞાનને લગતા) જ્ઞાનનો જીવંત ભંડાર છે.

a zoomed out shot of farmland in Mizoram's Mamit district with hills in the backdrop--jhum farmers
મિઝોરમના મામિત જિલ્લાનો ડુંગરાળ પ્રદેશ જ્યાં પેઢીઓની પેઢીઓએ ઝૂમ પદ્ધતિ દ્વારા ખેતી કરી હતી.

એક દાયકા પહેલા સુધી આ પદ્ધતિ કામ કરતી હતી. વરસાદ સમયસર આવતો હતો, ઉપજ ભરોસાપાત્ર હતી, અને રાસાયણિક ઇનપુટ્સની નહિવત જરૂરિયાત સાથે પરિવારો ખાવા અને ભરવા (સંગ્રહ કરવા) માટે પૂરતા પ્રમાણમાં અનાજ ઉગાડી શકતા હતા. પછી 2016-17 ની આસપાસ પરિસ્થિતિ બદલાવા લાગી હતી.

a hillside where jhum (slash and burn) cultivation is being practised--jhum farmers
મામિતમાં એક ટેકરી, નવા પાક ચક્રની તૈયારીમાં (જંગલો) સાફ અને બાળી નાખવામાં આવ્યા છે – વરસાદની અનિયમિત પેટર્નને કારણે આ પ્રક્રિયાના સમયની આગાહી કરવી વધુને વધુ મુશ્કેલ બની ગઈ છે.

છેલ્લા દાયકામાં, ઝુમ ખેતી જેના પર નિર્ભર હતી તે સ્થિરતા ઓછી થવા લાગી હતી. વરસાદની આગાહી કરી શકાય એવું રહ્યું નહોતું, માટીની ગુણવત્તામાં વધારે ઘટાડો થયો હતો, અને વાવણી અને લણણીના સમય પર આધાર રાખી શકાય એવું રહ્યું નહોતું. નુકસાનને સમતોલ કરવા માટે ખેડૂતોને, મુખ્યત્વે હાથથી નિયંત્રિત કરવા મુશ્કેલ બની ગયેલા નીંદણ દૂર કરવા, રાસાયણિક જંતુનાશકો અને (રાસાયણિક) ખાતરો તરફ વળવાની ફરજ પડી હતી. આ એવા ઇનપુટ્સ હતા જેની ખેતીની પ્રણાલીને પહેલા ભાગ્યે જ જરૂર પડી હતી, અને સરકારી સબસિડી વિના ખેડૂતો પોતે જ એ ખરીદતા હતા, જોકે સ્પ્રે પંપ ક્યારેક સબસિડીવાળા દરે ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા.

What is IDR Answers Page Banner

એક સમયે સમુદાયનું સૌથી વિશ્વસનીય માર્ગદર્શક એવું કૃષિ કેલેન્ડર ખોરવાઈ જવા લાગ્યું હતું. અને તેની સાથે આવ્યું એક જોખમ: તેમના ખેતરોમાં ઉંદરોના હુમલા, આ જોખમ આટલી ચિંતાજનક હદે વારંવાર ઊભું થતું રહેશે એવું ખેડૂતોએ ધાર્યું નહોતું.

મિઝોરમમાં વાંસની ત્રણ સામાન્ય પ્રજાતિઓ છે, દરેક પ્રજાતિમાં અલગ અલગ અંતરાલે ફૂલો આવે છે. એકમાં દર પાંચ વર્ષે, બીજીમાં દર દસ વર્ષે અને ત્રીજીમાં દર વીસ વર્ષે. જ્યારે વાંસને ફૂલો આવે છે, ત્યારે તે પુષ્કળ ફળ આપે છે, જેનાથી ઉંદરોની વસ્તીમાં વિસ્ફોટ થાય છે. એકવાર ફળો ઓછા થઈ જાય એટલે ઉંદરો સૌથી નજીકમાં ઉપલબ્ધ ખોરાકના સ્ત્રોત તરફ વળે છે, જે છે ખેડૂતોના ખેતરોમાં ઉગાડવામાં આવેલા પાક.

(સ્થાનિક રીતે રોથિંગ બામ્બુ તરીકે ઓળખાતા) બામ્બુસા તુલ્દાને દર 48 વર્ષે ફૂલો આવે છે. 2025 માં તેને પુષ્કળ પ્રમાણમાં ફૂલો આવતા મિઝોરમમાં ઉંદરના હુમલાઓ ખૂબ વધી ગયા હતા. પરંતુ મામિતના ખેડૂતો માટે ઉંદરો એ કૃષિ ચક્રના દરેક તબક્કે તેમના પાકને નુકસાન પહોંચાડતા પ્રાણીઓ અને જંતુઓના વ્યાપક સંકટનો એક ભાગ માત્ર છે. 

a zoomed in shot of a paddy field where rodents have attacked--jhum farmers
મામિતમાં ડાંગરનું એક ખેતર, વાંસને પુષ્કળ પ્રમાણમાં ફૂલો આવવાને કારણે અહીં ઉંદરોના હુમલાઓ વધી ગયા હતા.આને કારણે ઘણા ખેડૂતો જેટલો પાક ઉતરવાની આશા હતી તેના માત્ર 10 થી 20 ટકા પાક જ બચાવી શક્યા હતા.

અંદાજે 158 એકર જમીનમાં ઝૂમ પદ્ધતિથી ખેતી કરતા 800 જેટલા ખેડૂતોને અસર પહોંચી છે. ખેડૂતો આશરે 40,000 રુપિયાનું વાર્ષિક નુકસાન નોંધાવે છે. જેઓ લગભગ 2 વીઘાના નાના પ્લોટમાં ખેતી કરે છે તેમની પાસે હુમલા પછી માત્ર 10 થી 20 ટકા જ ઉપજ બચી છે. નુકસાનનું પ્રમાણ એટલું નોંધપાત્ર હતું કે રાજ્ય સરકારે સંભવિત દુષ્કાળ જેવી પરિસ્થિતિ અંગેની ચેતવણી જારી કરવી પડી હતી.

પાક બરબાદ થઈ જાય છે ત્યારે ખેડૂતો વન વિભાગને નુકસાનની જાણ કરે છે. મામિતના એક ખેડૂત કહે છે, “આ જંગલી પ્રાણીઓ પાક બરબાદ કરી નાખે છે ત્યારે અમે વન વિભાગને તેની જાણ કરીએ છીએ. જોકે જાણ કર્યા પછી પણ વન વિભાગે અમને મદદ કરી નથી, અને ફરિયાદોનું યોગ્ય રીતે નિરાકરણ કરવામાં આવ્યું નથી. દર વર્ષે વન વિભાગ અમને (પાકના નુકસાનની) આ ઘટનાઓની જાણ કરવા વિનંતી કરે છે, અને અમે કરીએ પણ છીએ – પરંતુ હજી સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.”

donate banner

ખેડૂત પરિવારો માટે ઉપજમાં ઘટાડો એ માત્ર કૃષિ સંબંધિત આંકડા નથી. ઉપજમાં ઘટાડાનો અર્થ છે ખોરાકની અછત, દેવું અને નાણાકીય તણાવ જે મોસમ સાથે સમાપ્ત થતો નથી પરંતુ એક નિષ્ફળ પાકથી બીજા પાક સુધી ધીરે ધીરે વધતો જાય છે.

a zoomed in shot of a paddy field attacked by rodents, with grains scattered on the ground--jhum farmers
મામિતમાં ડાંગરના એક ખેતરમાં જમીન પર ચોમેર અનાજ વેરાયેલું છે અને ક્યારેય પૂરેપૂરા ઘેર ન પહોંચી શકેલા પાક પર ઉંદરના હુમલાના નિશાન જોઈ શકાય છે.

વાવેતર: ઉકેલ?

વારંવાર પાક નિષ્ફળતાનો સામનો કર્યા પછી મામિતના ખેડૂતો સોપારી, રબર અને ઓઇલ પામ સહિતના વૈકલ્પિક વાવેતર પાકો તરફ વળી રહ્યા છે. આ પાકોને ઘણીવાર આવકના વધુ સ્થિર સ્ત્રોત તરીકે જોવામાં આવે છે. સરકાર ક્યારેક ક્યારેક રબર અને ઓઇલ પામ માટે બીજ પૂરા પાડે છે, પરંતુ સરકારી સહાય ભાગ્યે જ આ પ્રારંભિક ઇનપુટથી આગળ વધે છે.

a farmer's hut in Mizoram's Mamit district surrounded by both jhum land and plantations--jhum farmers
મામિતમાં એક ખેડૂતની ઝૂંપડી, ઝૂમ પદ્ધતિથી ખેડાતા ખેતરોમાંથી ધીમે ધીમે વાવેતર પાકમાં રૂપાંતરિત થઈ રહેલા ભૂપ્રદેશમાં આ ઝૂંપડી આવેલી છે.

આ પરિવર્તન તેના પોતાના પડકારોની સાથે આવે છે. અહીં કોઈપણ આવક ઊભી થાય તે પહેલાં લાંબો સમય સુધી રાહ જોવી પડે છે, નોંધપાત્ર પ્રારંભિક નાણાકીય રોકાણ કરવું પડે છે, અને તકનીકી જ્ઞાન જરૂરી બને છે, જે ઝૂમ પદ્ધતિથી ખેતી કરતા ઘણા ખેડૂતો પાસે નથી. અને તે જમીનને જ સંકુચિત કરી રહ્યું છે. એક ખેડૂત સમજાવે છે એ પ્રમાણે: “હું ત્રણ વર્ષ પછી ફરીથી ખેતી શરૂ કરવા માટે આ ઝૂમ વિસ્તારમાં પાછો ફર્યો છું. એક લણણી પછી હું આ વિસ્તારને બગીચામાં રૂપાંતરિત કરવા માગું છું, કારણ કે ઝૂમ પદ્ધતિની ખેતી માટે પૂરતી જમીન રહી નથી અને બધા સામુદાયિક ખેતી વિસ્તારો પહેલેથી જ ઉપયોગમાં લઈ લેવાઈ ચૂક્યા છે.”

બીજો કોઈ રસ્તો નથી

a farmer carrying paddy harvest on his shoulder--jhum farmers
લણણી સમયે ખેતરોમાંથી લઈ જવાતી ડાંગર. ઘણા ખેડૂત પરિવારો માટે દર વર્ષે ઉપજ ઘટતી જાય છે કારણ કે સમુદાયિક જમીન ઓછી થઈ રહી છે અને વાવેતર પાકો વચન મુજબની સ્થિરતા પૂરી પાડી શક્યા નથી.

વાવેતર પાક તરફ વળવાથી જે સ્થિરતાનું વચન આપવામાં આવ્યું હતું એ તેઓ પૂરી પાડી શક્યા નથી. સોપારી, રબર અને ઓઇલ પામ વૃક્ષો પણ આબોહવા-પ્રેરિત આત્યંતિક હવામાન પ્રત્યે એટલા જ સંવેદનશીલ છે, આત્યંતિક હવામાન તેમની ઉપજ ઘટાડે છે. અને ઉંદરોની સમસ્યા, જે ઝૂમ પદ્ધતિના ખેતરોને બરબાદ કરતી સમસ્યા હતી, તે જ સમસ્યા નાના વાવેતર છોડ અને સંગ્રહિત ઉત્પાદને પણ નુકસાન પહોંચાડે છે.

પરિણામ એ આવ્યું છે કે જે ખેડૂતો – સમય, પૈસા અને પ્રયત્નોનું રોકાણ કરીને નવી પ્રણાલીમાં – મુશ્કેલ સંક્રમણ કરી શક્યા હતા તેઓ પણ એ જ પાકના નુકસાન, નાણાકીય તણાવ અને આજીવિકાની અસલામતીનો સામનો કરી રહ્યા છે જેમાંથી બચવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા હતા. ફક્ત વાવેતર પાક એ જ ઉકેલ નથી.

farmers gathering crop during the harvest--jhum farmers
મામિતમાં લણણી દરમિયાન કામ કરતા ખેડૂતો. પાકના નુકસાન માટે વન વિભાગ પાસેથી વળતરની માંગણી કરવામાં આવી છે, પરંતુ ફરિયાદો મોટાભાગે વણઉકેલાયેલી રહે છે અને આ સમુદાયોનો સમાવેશ કરતી લાંબા ગાળાની યોજના હજી સુધી ઘડાઈ નથી.

મામિતના ખેડૂતોએ પાક નિષ્ફળ જાય ત્યારે વળતર માટે વન વિભાગનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે બીજું શું માંગવું અથવા (એ અંગે) કોને પૂછવું. ક્યારેક ક્યારેક અધિકારી સુધી પહોંચતી વિનંતી સામાન્ય હોય છે: ઓઇલ પામ પ્રોસેસિંગમાં મદદ અથવા આગામી પગલાં માટે માર્ગદર્શન. આ સમુદાયોનો ખરેખર સમાવેશ કરતી શમન અને અનુકૂલન માટેની (સંભવિત જોખમો અથવા જોખમોથી થતી અસરો ઘટાડવા કે દૂર કરવા માટેની તથા બદલાતી પરિસ્થિતિઓને અનુકૂળ થવા માટેની) લાંબા ગાળાની યોજના હજી સુધી અસ્તિત્વમાં નથી.

આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.

વધુ જાણો

  • પાક, ખાદ્ય સુરક્ષા અને નાના ખેડૂતોની આજીવિકા પર આબોહવા પરિવર્તનની અસર વિશે વધુ વાંચો.
  • આબોહવા પરિવર્તન મિઝોરમની ઇકોસિસ્ટમને કેવી રીતે અસર કરી રહ્યું છે તે વિશે વધુ વાંચો.
donate banner
We want IDR to be as much yours as it is ours. Tell us what you want to read.
ABOUT THE AUTHORS
રોડિંગ્લિયાના-Image
રોડિંગ્લિયાના

રોડિંગ્લિયાના એ 2024-25 માટેના આઈડીઆર નોર્થઇસ્ટ મીડિયા ફેલો છે. તેઓ મિઝોરમના દમ્પરેંગપુઈ સ્થિત એક દસ્તાવેજી ફિલ્મ નિર્માતા છે અને તેમણે ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં બિનનફાકારક સંસ્થાઓ સાથે દસ્તાવેજી પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. રોડિંગ્લિયાનાને વન્યજીવન ફિલ્મ નિર્માણ અને પ્રકૃતિના સંરક્ષણમાં ઊંડો રસ છે. તેઓ ભૂતપૂર્વ ગ્રીન હબ ફેલો પણ છે.

COMMENTS
READ NEXT