2025 ની શરૂઆત સુધીમાં કેન્દ્ર સરકારની એક યોજના હેઠળ ભારતમાં 10,000 એફપીઓ (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનિઝેશન - ખેડૂત ઉત્પાદક સંગઠન) ની સ્થાપના થઈ ચૂકી હતી. પરંતુ માત્ર લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી એફપીઓને ખરેખર સક્ષમ બનાવતી - સમુદાયિક માલિકી, માળખાગત સુવિધાઓ અને ક્ષમતા નિર્માણ જેવી - બાબતોને નબળી પાડવાનું જોખમ રહેલું છે.

READ THIS ARTICLE IN

Read article in Hindi
7 min read

10,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનિઝેશન્સ (એફપીઓસ) માટેની વર્તમાન કેન્દ્રીય યોજના ભારતની સહકારી ચળવળના લાંબા ઇતિહાસ પર આધારિત છે. પરંપરાગત સહકારી મંડળીઓની ખામીઓને દૂર કરવા 2003 માં કંપની અધિનિયમ, 1965 માં સુધારા કરવામાં આવ્યા હતા. તેનો હેતુ નાના અને સીમાંત ખેડૂતો દ્વારા સભ્ય માલિકીના સિદ્ધાંતોને જાળવી રાખીને ગ્રામીણ વિસ્તારોમાં વધુ લવચીક અને બજારલક્ષી સંસ્થાઓ ઊભી કરવાનો હતો. એફપીઓએ અગાઉની સહકારી મંડળીઓની સફળતાઓ અને પડકારો વિશે ઊંડાણપૂર્વક વિચારવું જોઈએ અને તેમાંથી શીખવું જોઈએ.

20 મી સદીની શરૂઆતથી જ સહકારી મંડળીઓએ કૃષિ, ધિરાણ, ડેરી અને હસ્તકલા જેવા ક્ષેત્રોના વિકાસ માટે એક માધ્યમ તરીકે સેવા આપી છે. છેલ્લા કેટલાક દાયકાઓથી, ખાસ કરીને ડેરી અને ખાંડ ઉદ્યોગની, સફળ સહકારી મંડળીઓમાં સંશોધન, રેફ્રિજરેશન અને સંગ્રહ સુવિધાઓ અને પરિવહન જેવી સહાયક માળખાકીય સુવિધાઓમાં મોટા રોકાણો જોવા મળ્યા છે. સહકારી મંડળીઓ માટે વ્યવસ્થાપક ક્ષમતા વિકસાવવા 1979 માં ઇન્સ્ટિટ્યૂટ ફોર રૂરલ મેનેજમેન્ટ આણંદ (ઈરમા) ની સ્થાપના કરવામાં આવી હતી. આ સફળતાઓ ક્રમિક હતી અને ધીરજપૂર્વકના સંસ્થા નિર્માણ, સભ્ય ક્ષમતા વિકાસ અને બજાર સાથેના સતત એકીકરણ દ્વારા હાંસલ થતી ગઈ હતી.

જોકે, ઘણી સહકારી મંડળીઓનું સંચાલન ટોપ-ડાઉન અભિગમ (જેમાં ઉચ્ચ અધિકારીઓએ આપેલા આદેશોનું સભ્યોએ અમલીકરણ કરવાનું રહે છે) દ્વારા થતું હતું અને મંડળીઓ લક્ષ્ય-સંચાલિત હતી, પરિણામે કાગળ પર મોટા આંકડા જોવા મળતા હતા પરંતુ જમીની સ્તરે સક્રિય સહભાગિતા બહુ ઓછી હતી. એ મંડળીઓમાં અમલદારશાહીનું પ્રભુત્વ વધતું ગયું હતું, ઘણીવાર એ મંડળીઓ નિયમો અને પ્રક્રિયાનું સખ્તાઈપૂર્વક પાલન કરવાના અને સરકારી દેખરેખના બોજ હેઠળ હતી, પરિણામે નિર્ણય લેવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી અને ખેડૂતોની જરૂરિયાતો પ્રત્યેની સંવેદનશીલતા ઓછી થઈ ગઈ હતી. ઘણા કિસ્સાઓમાં શ્રીમંત ખેડૂતોએ બોર્ડની અને નેતૃત્વની ભૂમિકાઓ કબજે કરીને આ મંડળીઓનો ઉપયોગ સબસિડી, ધિરાણ અને ઇનપુટ્સ મેળવવા માટે કર્યો હતો. સીમાંત અને ભૂમિહીન ખેડૂતોને બાકાત રાખવામાં આવતા હતા અને તેઓ શોષણનો ભોગ બનતા હતા.

What is IDR Answers Page Banner

વધુમાં, સહકારી મંડળીઓ કાર્યકારી મૂડી માટે ઘણીવાર સરકાર પર આધાર રાખતી હતી. બદલામાં સરકાર સમર્થિત સહકારી મંડળીઓને તેમના બોર્ડમાં સરકારી અધિકારીઓનો સમાવેશ કરવો પડતો હતો, પરિણામે રાજકીય હસ્તક્ષેપ વધુ ઊંડો થયો હતો અને સમુદાયનો વિશ્વાસ ઊઠી ગયો હતો. ખેડૂતો મુખ્યત્વે સરકારી સબસિડી અને ઇનપુટ્સ મેળવવા માટે સહકારી મંડળીઓ સાથે જોડાયા હતા. જેમ જેમ આ પ્રોત્સાહનો ઓછા થતા ગયા તેમ તેમ તેમનો રસ અને ભાગીદારી પણ ઓછા થતા ગયા.

આ પડકારો એફપીઓ યોજનાના અમલીકરણ માટેના વર્તમાન અભિગમોનું મૂલ્યાંકન કરવાની અને સામૂહિક સંગઠનો સમુદાયોમાં મજબૂત રીતે સ્થાપિત થાય અને સ્થિર અને ટકાઉ વિકાસ હાંસલ કરે એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. સહકારી મંડળીઓના અનુભવ પરથી શીખેલા પાઠ સભ્ય માલિકી, સુશાસન અને સંસ્થાકીય મજબૂતાઈ કરતાં વિકાસને વધારે પ્રાથમિકતા આપવા સામે પણ ચેતવણી આપે છે. 

ટકાઉ સામૂહિક સંગઠનો માટે પાઠ 

ફેબ્રુઆરી 2025 માં સરકારે જાહેરાત કરી હતી કે 10,000 એફપીઓ સ્થાપવાનો લક્ષ્યાંક પ્રાપ્ત થઈ ગયો છે. જૂન 2025 સુધીમાં, આ મંડળીઓએ 5,035.50 કરોડ રુપિયાથી વધુનું સામૂહિક ટર્નઓવર ઉત્પન્ન કર્યું હતું. જો કે આ યોજનાના અભિગમમાં રહેલી ખામીઓને કારણે અગાઉ સહકારી મંડળીઓને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેમાંની કેટલીક સમસ્યાઓનું પુનરાવર્તન થવાનું જોખમ રહેલું છે. આ પડકારો મોટાભાગે સામુદાયિક માલિકી અને એફપીઓની સંસ્થાકીય ક્ષમતા સંબંધિત સમસ્યાઓમાંથી ઉદ્ભવે છે.

સામુદાયિક માલિકી

ઉત્પાદકો મંડળીને પોતાની માને છે કે નહીં એ બાબત જમીની સ્તરે મહત્વની બની રહે છે. માલિકી અને સમુદાયિક વિશ્વાસની ભાવનાનું નિર્માણ કરવું એ એક જટિલ અને ધીમી પ્રક્રિયા છે. 

1. ધીમી શરૂઆત

પ્રદાનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સરોજ મહાપાત્રા કહે છે, “બોટમ-અપ (નીચેથી ઉપરની તરફ) અભિગમ અપનાવીને સમુદાયની સાથે મળીને સઘન આયોજન હાથ ધરવામાં આવશે ત્યારે જ માલિકીની ભાવના પેદા થશે. સમુદાયે ફક્ત યોજનાના લાભાર્થી બનવાને બદલે પ્રાથમિકતાઓ અને ઉકેલો ઓળખવામાં ભાગીદાર બનવું જોઈએ.” પ્રદાન પાયાના સ્તરેથી જ સામૂહિક સંગઠનોનું નિર્માણ કરે છે, સેલ્ફ-હેલ્પ ગ્રુપ (એસએચજી – સ્વ-સહાય જૂથો) થી શરૂ કરીને ધીમે ધીમે તેને પ્રોડ્યુસર ગ્રુપ (ઉત્પાદક જૂથો) અને એફપીઓમાં વિકસિત કરવામાં આવે છે.

donate banner

સર્વાંગી પર્વતીય વિકાસ પહેલ પર કામ કરતા પાન હિમાલયન ગ્રાસરૂટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સામુદાયિક પહેલ માટેના ભૂતપૂર્વ નિર્દેશક અનિતા પોલ કહે છે કે એફપીઓની સ્થાપનાની પ્રક્રિયાની શરૂઆત 1990 ના દાયકામાં પાણીની અછતની સમસ્યાઓને સંબોધવા માટે સમુદાયને સંગઠિત કરવાથી થઈ હતી. આના કારણે મહિલા જૂથોની રચના થઈ હતી, જે પછીથી બચત અને ધિરાણ પર ધ્યાન કેન્દ્રિત કરતા એસએચજીમાં વિકસિત થયા હતા. સમય જતાં મહિલાઓને સમજાયું કે આ જૂથોને કારણે તેમને સામૂહિક ઓળખ મળે છે, જે તેમના અવાજને મજબૂત બનાવે છે. 2000 ના દાયકાની શરૂઆતમાં એસએચજીએ આજીવિકા સંબંધિત પ્રવૃત્તિઓ શરૂ કરતા ખેત પેદાશો અને નાના પાયે ચાલતી હસ્તકલાનું મૂલ્યવર્ધન થયું હતું. લગભગ એક દાયકાના સહયોગ પછી મહિલાઓએ બજાર-લક્ષી કામગીરીનું સંચાલન કરવાની તૈયારી દર્શાવી હતી. તેઓએ તેમના સામૂહિક પ્રયાસને ઔપચારિકરૂપ આપવાનું નક્કી કર્યું હતું, અને 2009 માં મહિલા ઉમંગ પ્રોડ્યુસર કંપનીની નોંધણી કરાવી હતી, જે આ પ્રદેશમાં મહિલા-આગેવાની હેઠળના શરૂઆતના ઉત્પાદક જૂથોમાંની એક બની હતી.

2. સભ્યોમાં જાગૃતિ અને સર્વસંમતિનું નિર્માણ સુનિશ્ચિત કરવું

સ્થાપકોની આગેવાની હેઠળના સ્ટાર્ટ-અપ્સ સામાન્ય રીતે એક સ્થાપકની અથવા સ્થાપકોના નાના જૂથની માલિકીના હોય છે. આ સંદર્ભમાં નિર્ણય લેવાની પ્રક્રિયા પ્રમાણમાં સરળ હોય છે. તેનાથી વિપરીત એફપીઓના સભ્યોની સંખ્યા 50 થી માંડીને 1,000 સુધી બદલાઈ શકે છે. ખાનગી કંપનીઓમાં મતદાન શક્તિ શેરહોલ્ડિંગ (સભ્ય પાસેના શેરની સંખ્યા) પર આધાર રાખે છે, જ્યારે એફપીઓ ‘એક સભ્ય, એક મત’ ના સિદ્ધાંતનું પાલન કરે છે, પરિણામે નાના ઉત્પાદકોને પણ સમાન અધિકાર અને નિર્ણય લેવામાં સમાન ભાગીદારી મળે છે. વધુમાં, સામાન્ય રીતે 10 થી 15 સભ્યો ધરાવતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સર્વસંમતિથી લેવાયેલા હોવા જોઈએ. તેથી સુશાસન માટે સભ્યોમાં પોતાના અધિકારો અને ફરજો પ્રત્યેની જાગૃતિ હોય એ મહત્વપૂર્ણ છે. સક્રિય અને જાગૃત શેરધારકો વિના એફપીઓના નિર્ણયો ખેડૂતોના સામૂહિક હિતોને અવગણીને પ્રભાવ અને શક્તિ ધરાવતા લોકોના વ્યક્તિગત હિતોને પ્રતિબિંબિત કરી શકે છે. આમ મિશન અલાઈનમેન્ટ (ધ્યેય સાથે સુસંગતતા) અને સંઘર્ષના નિરાકરણ માટે બોર્ડે મેનેજમેન્ટ ટીમ અને શેરધારકોના મોટા જૂથ સાથે નિયમિત બેઠકો યોજવી જરૂરી છે.

જ્યારે નિર્ણયો ટોપ-ડાઉન નિર્દેશોને બદલે (ઉપરથી લાદવાને બદલે) સહિયારા વિચાર-વિમર્શથી લેવાય છે ત્યારે તે સભ્યોની માલિકીની ભાવના અને ઔદ્યોગિક સાહસના સામાજિક માળખાને મજબૂત બનાવે છે.

ક્યારેક ઉત્પાદકોના હિતો અને ઉદ્યોગસાહસિકોના હિતો અંદરોઅંદર એકબીજા સાથે ટકરાઈ શકે છે. ઉદાહરણ તરીકે ખેડૂતોને વિવિધ જાતોના બીજ જોઈતા હોય પરંતુ એફપીઓ માટે એક જ જાતનો મોટો જથ્થો ખરીદવો આર્થિક રીતે ફાયદાકારક હોઈ શકે છે. આવા કિસ્સાઓમાં ઉતાવળે સર્વસંમતિ નિર્માણ ન થઈ શકે. ઉત્પાદકોએ વિશ્વાસ રાખવો જોઈએ કે સામૂહિક પસંદગીઓ તેમને નુકસાન નહીં પહોંચાડે, અને નેતાઓએ કાર્યક્ષમતા અને નિષ્પક્ષતા વચ્ચે સંતુલન જાળવવું જોઈએ, જેથી ખેડૂતોમાં વિશ્વાસ પેદા થઈ શકે. જ્યારે નિર્ણયો ટોપ-ડાઉન નિર્દેશોને બદલે (ઉપરથી લાદવાને બદલે)સહિયારા વિચાર-વિમર્શથી લેવાય છે ત્યારે તે સભ્યોની માલિકીની ભાવના અને ઔદ્યોગિક સાહસના સામાજિક માળખાને મજબૂત બનાવે છે.

અનિતા કહે છે કે ઉમંગને સામુદાયિક માલિકીના સામાજિક સાહસ તરીકે સફળ બનાવવા માટે બધા સભ્યો સાથે સહભાગિતાની શરતો પર અનેક વાર વાતચીત કરવી પડી હતી.

3. સામાજિક-આર્થિક અસમાનતાઓ અને પૂર્વગ્રહોમાંથી માર્ગ કાઢવો

અર્થપૂર્ણ સામુદાયિક માલિકીને તેના પોતાના અલગ અવરોધોનો સામનો કરવો પડે છે. લિંગ અને જાતિ સંબંધિત અસમાનતા જેવા સામાજિક-રાજકીય ધોરણો અને સ્તરીકરણ એફપીઓના સંચાલનને અસર કરે છે. ઉદાહરણ તરીકે, બજાર વિક્રેતાઓ પ્રવર્તમાન પૂર્વગ્રહોને કારણે મહિલા બોર્ડ સભ્યોને અવગણી શકે છે. એક એફપીઓમાં વંચિત જાતિના એક બોર્ડ સભ્ય પાસે નાણાકીય કુશળતા અને રસ હતો પરંતુ બીજા સભ્યો દ્વારા તેમને અવગણવામાં અને બાકાત રાખવામાં આવતા હતા. તેઓ કાર્યક્રમો માટે તેમના ઘર અને ગામની મુલાકાત લેવાનું પણ ટાળતા હતા. સામૂહિક સાહસોને વિકસિત કરવા અને વેગ આપવા માટે સેવા ભારત અને સેવા કોઓપરેટિવ ફેડરેશન દ્વારા વિકસાવવામાં આવેલ વિમેન્સ એન્ટરપ્રાઇઝ સપોર્ટ સિસ્ટમ (ડબલ્યુઈએસેસ) ને પોતાની મેનેજમેન્ટ ટીમ સાથે મળીને આ સમસ્યાને ઉકેલવા માટે મધ્યસ્થી કરવી પડી હતી. લાંબા ગાળાના સતત પ્રયાસો પછી શેરધારકો આ સભ્ય દ્વારા લાવવામાં આવેલ નાણાકીય અને સમુદાયને સંગઠિત કરવા માટેના કૌશલ્યોને સ્વીકારતા અને તેની કદર કરવાનું શરૂ કરતા થયા હતા. 

સભ્યોની ભાગીદારી સ્થિર થતાં બીજો પડકાર ઉભરી આવે છે. અનિતા કહે છે, “કોઈ પણ સંગઠનને જીવંત રાખવા માટે, એસએચજી, બોર્ડ ઓફ ડિરેક્ટર અને સ્થાનિક નેતૃત્વ ધરાવતા વ્યાવસાયિકોની ટીમમાં મંથન થવું (બદલાવ) જરૂરી છે. પરંતુ સવાલ એ રહે છે કે આ ક્ષમતા નિર્માણ કોણ કરશે?” 

a group of women seated in a hall with their hands raised--Farmer Producer Organisations (FPOs)
ઘણી સહકારી મંડળીઓનું સંચાલન ટોપ-ડાઉન અભિગમ દ્વારા થતું હતું અને મંડળીઓ લક્ષ્ય-સંચાલિત હતી, પરિણામે કાગળ પર મોટા આંકડા જોવા મળતા હતા પરંતુ જમીની સ્તરે સક્રિય સહભાગિતા બહુ ઓછી હતી. | તસવીર સૌજન્ય: સેવા ભારત

સંસ્થાકીય ક્ષમતા

10,000 એફપીઓ યોજનામાં નોંધણી સંખ્યા અને લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, પરિણામે નિયમોના પાલન માટે પૂર્વ તૈયારી વિના ઘણી મંડળીઓની રચના થઈ છે. હાલમાં એફપીઓ પાસે રેકોર્ડ જાળવવા, રિટર્ન ફાઇલ કરવા અને વ્યવહારુ વ્યવસાયિક યોજનાઓ વિકસાવવા માટેની પ્રણાલીગત ક્ષમતાઓનો અભાવ છે. આ ક્ષમતાઓ મહત્વપૂર્ણ છે કારણ કે જો એફપીઓ સમયસર કર ચૂકવવામાં અથવા બોર્ડ મીટિંગ્સની મિનિટ્સ (બોર્ડની બેઠકની વિગતો) રજૂ કરવામાં નિષ્ફળ જાય તો તેમને દંડ અને ભારે સજાનો સામનો કરવો પડી શકે છે.

આ યોજનાના મુખ્ય બજેટમાં પણ એફપીઓને વ્યવસાય કરવા માટે જરૂરી – વેરહાઉસિંગ, લોજિસ્ટિક્સ, ક્રેડિટ, માર્કેટ લિન્કેજ અથવા માર્કેટિંગ – જેવી માળખાગત સુવિધાઓ અને સેવાઓ માટેના રોકાણોનો સમાવેશ થતો નથી – અને તેના બદલે તે બજાર શક્તિ (પુરવઠા અને માંગની આંતરક્રિયા) અને બીજી સરકારી યોજનાઓ સાથે સંકલન પર ખૂબ આધાર રાખે છે.

સમુદાયમાં શાસન અને સામૂહિક નિર્ણય લેવાની પ્રક્રિયાને સ્થાપિત કરવા માટે લાંબા ગાળાની, વ્યવહારુ સુવિધા જરૂરી છે.

ક્ષમતા નિર્માણ, નિયમ પાલન અને બજાર અભિગમ માટે એફપીઓ બહારના ક્લસ્ટર-બેઝ્ડ બિઝનેસ ઓર્ગેનિઝેશન (સીબીબીઓ – ક્લસ્ટર-આધારિત વ્યાવસાયિક સંગઠનો) પર આધાર રાખે છે, જેમાં બિન-નફાકારક સંસ્થાઓ અને સિવિલ સોસાયટી ઓર્ગેનિઝેશન (સીએસઓ – નાગરિક સમાજ સંગઠનો) નો સમાવેશ થાય છે. ટેકનિકલ એજન્સીઓ, બિન-નફાકારક સંસ્થાઓ અને સીએસઓ સભ્યપદ વધારવામાં; સુશાસનમાં; નિર્ણય લેવામાં; કાનૂની, નાણાકીય અને વૈધાનિક અનુપાલન કાર્યોમાં; અને વ્યવસાય વ્યૂહરચના અને કામગીરીમાં બોર્ડ અને એક્ઝિક્યુટિવ ટીમને સહાય કરે છે.

આ લક્ષ્યો હાંસલ કરી શકાય તેવા છે પરંતુ ત્રણથી પાંચ વર્ષના સમયગાળામાં તેમને પૂર્ણ કરવાનું નીતિ દ્વારા લાદવામાં આવેલું દબાણ વ્યવહારુ નથી. ત્રણ વર્ષમાં ખર્ચ ભરપાઈ છે, પરંતુ જાગૃતિ વધારવા, ક્ષમતા નિર્માણ કરવા અને સ્વાયત્ત શાસનને સક્ષમ બનાવવામાં લાંબો સમય લાગે છે.

મોટાભાગનું ક્ષમતા નિર્માણ કામ કરવાના સ્થળ પર થાય છે. તેમાં સમુદાયને સુરક્ષિત રીતે જોખમો ઉઠાવવા અને તેમાંથી શીખવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. મર્યાદિત સામાજિક અને નાણાકીય મૂડીને કારણે નાના ઉત્પાદકો જોખમ લેતા અચકાય છે. જ્યારે સેવાએ બિહાર સ્થિત એફપીઓ માટે ડાંગરની ખરીદી 6 મેટ્રિક ટનથી વધારીને 60 મેટ્રિક ટન કરવાની યોજના પ્રસ્તાવિત કરી ત્યારે તેને બોર્ડ તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 770 મહિલા ખેડૂતો ધરાવતા એફપીઓને એ શક્ય હોય એવું લાગતું નહોતું, અને એ માટે લોન લેવામાં તેઓ અચકાતા હતા. તેમને સમજાવવામાં મહિનાઓ લાગ્યા હતા. 65 મેટ્રિક ટનનું સંચાલન કર્યા પછી જ બોર્ડ અને સભ્યોમાં મોટા પાયે ખરીદી કરવાની હિંમત આવી હતી.

સરોજ કહે છે, “સમુદાયમાં શાસન અને સામૂહિક નિર્ણય લેવાની પ્રક્રિયાને સ્થાપિત કરવા માટે લાંબા ગાળાની, વ્યવહારુ સુવિધા જરૂરી છે.” ડબલ્યુઈએસેસ મોડેલ દર્શાવે છે કે ઘણીવાર પાંચથી આઠ વર્ષ સુધી સતત તકનીકી અને સંસ્થાકીય સહાય જરૂરી છે.

four women sitting on the floor with a banner saying "kissan sammelan" hung on a wall in the background--Farmer Producer Organisations (FPOs)
મર્યાદિત સામાજિક અને નાણાકીય મૂડીને કારણે નાના ઉત્પાદકો જોખમ લેતા અચકાય છે. | તસવીર સૌજન્ય: સેવા ભારત

નીતિ પર પુનર્વિચાર

અનિતા કહે છે, “બેકવર્ડ અને ફોરવર્ડ લિન્કેજને મજબૂત બનાવવા માટે સહાયક બજારો અને માળખાગત સુવિધાઓ ધરાવતા સાનુકૂળ વાતાવરણ વિના એફપીઓ તેમની સંપૂર્ણ ક્ષમતા હાંસલ નહીં કરી શકે.” તકનીકી વિકાસ, બજારમાં ઉત્પાદનની અપ્રચલિતતા અથવા કુદરતી આફતોને કારણે સ્વતંત્ર સાહસો પણ પછીથી સંકટનો સામનો કરી શકે છે.

1. સ્થિર અને તબક્કાવાર વિકાસ

એફપીઓના ટકાઉપણા માટે નીતિઓમાં તબક્કાવાર અભિગમ અપનાવવો જોઈએ – ઇન્ક્યુબેશન (સભ્ય જાગૃતિ અને વિશ્વાસ નિર્માણ), નોંધણી, મૂળભૂત તાલીમ અને વ્યવસ્થાનો વિકાસ, વૃદ્ધિ/પ્રવેગ, પરિપક્વતા, વધુ બજાર જોડાણો અને કામગીરીનું મોટા પાયે વિસ્તરણ. દરેક તબક્કામાં અનુરૂપ સહાય પ્રણાલીઓ, સ્પષ્ટ લક્ષ્યો અને યોગ્ય નાણાકીય સાધનોનો સમાવેશ થવો જોઈએ. એક તબક્કાથી બીજા તબક્કામાં સંક્રમણ પ્રદર્શિત પ્રશાસનિક પરિપક્વતા અને સભ્યોની સહભાગિતા પર નિર્ભર હોઈ શકે છે. એક ક્રમિક માર્ગ સમય જતાં સભ્યોમાં માલિકીની ભાવના અને જોખમ લેવાની ક્ષમતાને વધારશે.

2. માળખાકીય સહાય

સહકારી મંડળીઓના કિસ્સામાં માળખાકીય સહાયથી ડેરી અને ખાંડ ઉદ્યોગોને સ્થિરતા મળી હતી. હાલનું બજેટ એફપીઓ માટે આવી માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે પૂરતું નથી. સ્ટાર્ટ-અપ્સ પાસે તેમના વિકાસને પ્રોત્સાહન આપવા ઇન્ક્યુબેટર્સ અને એક્સિલરેટર્સની પહોંચ હોય છે એ જ રીતે સામૂહિક સંગઠનોને પણ વન-સાઈઝ-ફિટ-ઓલ (બધા માટે એકસમાન) મોડેલને બદલે તેમની આગવી જરૂરિયાતોને અનુરૂપ સહાયક ઇકોસિસ્ટમનો લાભ મળવો જોઈએ. એ જ પ્રમાણે, સહકારી ક્ષેત્રને વ્યાવસાયિક બનાવવા અને સ્થિર કરવા માટે જે રીતે ઈરમાની સ્થાપના કરવામાં આવી હતી એ જ રીતે પ્રાદેશિક અથવા રાષ્ટ્રીય સંસ્થાઓ એફપીઓને સહાય કરી શકે છે. કામચલાઉ સીબીબીઓ વ્યવસ્થાઓ પર આધાર રાખવાને બદલે નીતિઓ દ્વારા નાના ઉત્પાદકો અને ખેડૂતોને તેમની જરૂરિયાતો અનુસાર આંતરિક સહાયતા, નિયમ પાલન, બજારની જાણકારી અને નેતૃત્વ પ્રશિક્ષણ પૂરા પાડે એવી ઇન્ક્યુબેટર્સ અને એન્ટરપ્રાઇઝ સહાયક પ્રણાલી પણ સ્થાપિત કરી શકાય.

3. વૈવિધ્યસભર અને સ્થિતિસ્થાપક સંસ્થાઓ

સફળ સહકારી મંડળીઓ ઘણીવાર કોઈ એક જ ચીજવસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જોકે, કૃષિ ક્ષેત્રે ઘટતો જતો જમીન-વિસ્તાર અને આબોહવાની અસ્થિરતાને કારણે કૃષિ આધારિત સામૂહિક સંગઠનોને વૈવિધ્યકરણની જરૂર પડે છે. સરોજ કહે છે, “300 સભ્યો (નીતિ મુજબ લઘુત્તમ જરૂરિયાત) સાથે ઈકોનોમીઝ ઓફ સ્કેલ ક્યારેય સુધરશે નહીં (મોટા પાયે થતી કામગીરીના લાભ મળશે નહીં). એફપીઓની નાણાકીય સદ્ધરતા સુનિશ્ચિત કરવા માટે પૂરતી સભ્યસંખ્યા જરૂરી હોય છે, અને દરેક રાજ્ય અથવા પ્રદેશના સંદર્ભે આ સંખ્યાઓ નક્કી થવી જોઈએ.” ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશ અથવા મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ટકાઉ એફપીઓ માટે 2,500–3,000 સભ્યોની જરૂર પડી શકે છે, જ્યારે ઉત્તરપૂર્વમાં, વસ્તી ગીચતા ઓછી હોઈ નાની સંખ્યા વધુ વ્યવહારુ હોઈ શકે છે.

સંઘીય માળખાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંઘીય માળખું ધરાવતું, નીતિ દ્વારા સમર્થિત એફપીઓ મોડેલ (ઉત્પાદક સમૂહ-એફપીઓ-જિલ્લો-રાજ્ય) નાના ઉત્પાદકોને એકંદર ઉત્પાદન વધારવામાં, બજાર જોડાણોને મજબૂત કરવામાં, સંયુક્ત માળખાગત માલિકીને સક્ષમ બનાવવામાં અને લોજિસ્ટિક્સ અને ઓડિટ જેવી સેવાઓનો સહિયારો ઉપયોગ કરવામાંમદદ કરી શકે છે, સાથે સાથે વ્યક્તિગત એફપીઓ પર નિયમ પાલનનો બોજ ઘટાડી શકે છે. 

આખરે, એક મજબૂત એફપીઓ ઇકોસિસ્ટમ માટે (કૃષિ, ગ્રામીણ વિકાસ, સહકાર, ખાદ્ય પ્રક્રિયા – ફૂડ પ્રોસેસિંગ અને બીજા) મંત્રાલયો અને વિભાગોમાં નીતિગત ઉદ્દેશ્યો, બજેટ અને યોજનાઓમાં પરસ્પર સુમેળ સુનિશ્ચિત કરવા વ્યૂહાત્મક સંકલનની જરૂર છે. આ અભિગમ સુસંગત મૂલ્ય શૃંખલા બનાવે છે, ભંડોળ અને તકનીકી સહાયને સુવ્યવસ્થિત કરે છે, અને હાલમાં એફપીઓની વૃદ્ધિને અવરોધતા નીતિગત અલગાવને દૂર કરે છે. આ અભિગમથી એ પણ સુનિશ્ચિત થઈ શકે છે કે માળખાગત સુવિધા, ધિરાણ અને ક્ષમતા-નિર્માણમાં મૂડીરોકાણ અલગ-અલગ ન થતા એકસાથે આગળ વધે. એફપીઓના ખરેખર સક્ષમ અને ગતિશીલ સમુદાય માટે સરકાર, નાગરિક સમાજ, તકનીકી ભાગીદારો અને બજાર એક સાથે આવે અને સાથે મળીને કામ કરે એ જરૂરી છે. સામુદાયિક માલિકી અને શાસનને પ્રાથમિકતા આપતા વધુ સુમેળભર્યા અને સર્વગ્રાહી અભિગમ વિના આપણે સહકારી આંદોલને ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન કરવાનું જોખમ લઈએ છીએ.

આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.

— 

વધુ જાણો

  • 10,000 એફપીઓ યોજના મહિલા ખેડૂતોને કેવી રીતે બાકાત રાખે છે તે સમજો.
  • ખેડૂતોની આવક વધારવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ અને સહાય વિશે વધુ વાંચો.
  • ભારતમાં ફાર્મર પ્રોડ્યુસર કંપની (એફપીસી – ખેડૂત ઉત્પાદક કંપનીઓ) અને તેમને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે વિશે વધુ જાણો. 
donate banner
We want IDR to be as much yours as it is ours. Tell us what you want to read.
ABOUT THE AUTHORS
દિવ્યા પૂનમ ગુપ્તા-Image
દિવ્યા પૂનમ ગુપ્તા

દિવ્યા ગુપ્તા બાઝાર ઔર રોઝગાર પહેલ (બારી) ના સ્થાપક છે. તેમને કાર્યક્રમ વ્યવસ્થાપન (પ્રોગ્રામ મેનેજમેન્ટ), નીતિ હિમાયત (પોલિસી એડવોકસી) અને હિતધારક સહભાગિતા (સ્ટેકહોલ્ડર એંગેજમેન્ટ) નો એક દાયકાથી વધુનો અનુભવ છે. તેમનું કાર્ય મહિલાઓની આજીવિકા, યુવા સશક્તિકરણ અને સામૂહિક, સમાવેશક અને સમુદાય-સંચાલિત પહેલ દ્વારા સામાજિક ન્યાય પર કેન્દ્રિત છે. દિવ્યાએ અર્થશાસ્ત્ર, લિંગ અભ્યાસ (જેન્ડર સ્ટડીઝ) અને સંઘર્ષ પરિવર્તન (કોન્ફ્લિક્ટ ટ્રાન્સફોર્મેશન) નો અભ્યાસ કર્યો છે.

સંજના મોહંતી-Image
સંજના મોહંતી

સંજના મોહંતી સેવા ભારત ખાતે એક કાર્યક્રમ અને હિમાયત સંયોજક (પ્રોગ્રામ એન્ડ એડવોકસી કોઓર્ડિનેટર) છે, ત્યાં તેઓ મહિલા સામૂહિક સાહસો, હિમાયત અને સરકારી ભાગીદારી સંબંધિત સંસ્થાના કામોનું નેતૃત્વ કરે છે. તેઓ અગાઉ ઇન્ટરનેશનલ ઇનોવેશન કોર્પ્સ સાથે સંકળાયેલા હતા, ત્યાં તેમણે સ્વચ્છતા, માતૃ સ્વાસ્થ્ય, શિક્ષણ અને મહિલા ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે વિવિધ રાજ્ય સરકારો સાથે કામ કર્યું હતું. સંજના નીતિ આયોગના વિમેન્સ ઓન્તરપ્રિનિયરશિપ પ્લેટફોર્મ (વેપ - મહિલા ઉદ્યોગસાહસિકતા મંચ) ના સરકારી સલાહકાર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, અને સામાજિક ક્ષેત્રમાં આવ્યા તે પહેલા તેઓ સિવિલ અને કોમર્શિયલ વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા.

COMMENTS
READ NEXT