
હું રાજસ્થાનની છબરા તહેસીલના મોતીપુરા ચોકી ગામનો રહેવાસી છું, અહીં રાજ્ય સરકારની માલિકીનો અને કોલસાને આધારે ચાલતો છબરા થર્મલ પાવર પ્લાન્ટ આવેલો છે. હું શ્રમિક અધિકારોનો હિમાયતી (શ્રમિકોના અધિકારો માટે અવાજ ઉઠાવનાર કાર્યકર્તા) છું અને અગાઉ આ પ્લાન્ટમાં કામ કરતો હતો. વર્ષ 2005 માં આ પ્લાન્ટનું બાંધકામ શરૂ થયાને 20 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. છતાં, આ વિસ્તારના વિકાસ માટે સીએસઆર બજેટમાં નોંધપાત્ર રકમ ફાળવવામાં આવી હોવા છતાં, મારા ગામ અને તેની આસપાસના ગામોમાં બહુ ઓછી પ્રગતિ થઈ છે.
તેનાથી વિપરીત આ પ્લાન્ટે અમારા માટે ઘણી સમસ્યાઓ ઊભી કરી છે.
વર્ષ 2026 માં મેં આરટીઆઈ અરજીઓ કરી હતી અને મને જાણવા મળ્યું હતું કે છબરા પ્લાન્ટ પાસે 2.17 કરોડ રૂપિયાનું વણવપરાયેલું સીએસઆર બજેટ પડ્યું હતું, અને 2022 થી ત્યાં કોઈ પણ વિકાસલક્ષી યોજનાઓ હાથ ધરવામાં આવી નથી. કંપનીઓ માટે તેમના નફાનો અમુક હિસ્સો આસપાસના ગામડાઓ માટે સીએસઆર પ્રવૃત્તિઓ પાછળ ખર્ચવો કાયદાકીય રીતે ફરજિયાત છે તેમ છતાં બાકીના ભંડોળનો ઉપયોગ કેવી રીતે થયો અથવા બાકી રહેલી રકમ શા માટે વણવપરાયેલી રહી છે એ અંગે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.
આ ભંડોળનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે નિર્ણય લેવા માટે દરેક પ્લાન્ટમાં – પ્લાન્ટના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા સભ્યો અને જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય (એમએલએ) તથા પંચાયતના સભ્યો જેવા સ્થાનિક અધિકારીઓની બનેલી – સીએસઆર સમિતિ હોવી જરૂરી છે. આરટીઆઈ દ્વારા આ સમિતિના સભ્યો કોણ છે એ તો જાણી શકાય છે, પરંતુ ભંડોળનો ઉપયોગ શા માટે નથી કરવામાં આવી રહ્યો એ બાબત અસ્પષ્ટ રહે છે.
આ પાવર પ્લાન્ટ તીતરખેડી, ભાટખેડી, માવાસા, અકોદિયાપાર, કરાદિયાપાર, બિશનખેડાપાર, હનુવતખેડા અને સેવનખેડી જેવા ઓછામાં ઓછા 10 ગામોમાં લોકોના રોજિંદા જીવનમાં સતત અવરોધ ઊભો કરી રહ્યો છે. તેથી અમારા અધિકારોની દ્રષ્ટિએ અને અમારા વિસ્તારના વિકાસની દ્રષ્ટિએ આ સીએસઆર ભંડોળના નાણાં ખર્ચવા અત્યંત આવશ્યક છે.
મારા ગામમાં પાણીની કોઈ સરકારી સુવિધા નથી. લોકો ખાનગી પાણી પુરવઠા પર નિર્ભર છે, તેનો ખર્ચ મહિને 400 રુપિયા થાય છે. રસ્તાઓ ન હોવાને કારણે ખેડૂતો વાહનવ્યવહારના કોઈ પણ સાધનનો ઉપયોગ કરી શકતા નથી અને તેમણે તેમની ઉપજ પગપાળા લઈ જવી પડે છે. પ્લાન્ટમાંથી નીકળતી ફ્લાય એશ (ઊડતી રાખ/કોલસાની રાખ) અને બીજા પ્રદૂષકોને કારણે ગામલોકોને ચામડીના રોગો, શ્વાસ લેવામાં તકલીફ અને સતત ઉધરસ જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. થોડા સમય પહેલા અમારા ગામમાં એક નાનું પ્રાયમરી હેલ્થ સેન્ટર (પીએચસી – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાં માત્ર સામાન્ય દવાઓ જ મળે છે. વધુ ગંભીર બીમારી માટે લોકોએ 40-60 કિમી દૂર આવેલા છબરા અથવા કોટા જવું પડે છે.
કોલસાની રાખે પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે, પરિણામે ખેડૂતોની આવકમાં ઘટાડો થયો છે. જે એક વીઘા જમીનમાં અગાઉ 12-15 ક્વિન્ટલ ઘઉં પાકતા હતા ત્યાં હવે માત્ર પાંચેક ક્વિન્ટલ જેટલા જ ઘઉં પાકે છે. આ ઘટાડો ધીમે ધીમે થયો હતો; પહેલાં ઉત્પાદન ઘટીને 10 ક્વિન્ટલ અને ત્યારબાદ આઠ ક્વિન્ટલ પર આવી ગયું હતું. પરિણામે પોતાનું ગુજરાન ચલાવવા માટે કેટલાક ખેડૂતો ડેરી (દૂધ ઉત્પાદન) અને શાકભાજીના ઉત્પાદન તરફ વળ્યા છે.”
આ પ્લાન્ટ આજીવિકાના બીજા સાધનોને અવરોધી રહ્યો હોવા છતાં શરૂઆતના બાંધકામના તબક્કા સિવાય પ્લાન્ટે સ્થાનિક સ્તરે કોઈ રોજગારી પૂરી પાડી નથી. પ્લાન્ટની કામગીરી શરૂ થઈ ત્યારથી ત્યાંની નોકરીઓ મુખ્યત્વે સ્થળાંતરિત શ્રમિકોને જ મળી છે, કારણ કે તેઓ ન તો બોનસની માગણી કરે છે કે ન તો ઓછા વેતન સામે વિરોધ કરે છે. લોકોએ પાયાની સુવિધાઓ મળશે એ આશામાં અને દરેક પરિવારના ઓછામાં ઓછા એક સભ્યને ત્યાં રોજગારી મળશે એવા વચનને ભરોસે પ્લાન્ટ માટે પોતાની જમીન આપી દીધી હતી. આ બંને વચનો હજી અધૂરા જ રહ્યા છે.
પવન કેવટ શ્રમિક અધિકારોના હિમાયતી છે અને અગાઉ તેઓ છબરા થર્મલ પાવર પ્લાન્ટમાં કામ કરતા હતા.
આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.
—
વધુ જાણો: સૌર પેનલ્સ રાજસ્થાનના ખેજરી વૃક્ષો પર કેવી અસર પહોંચાડી રહી છે તે વિશે વાંચો.