READ THIS ARTICLE IN


મધ્યપ્રદેશના ગામડાઓમાં લૈંગિક ભેદભાવને ક્લીન બોલ્ડ કરતી છોકરીઓ

Location Icon હરદા જિલ્લો, મધ્ય પ્રદેશ
Teams playing outdoor cricket match_cricket tournament
સમુદાયનો ભારે વિરોધ હતો, ભાગ લેનારી છોકરીઓ વિશે લોકો અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા હતા. | તસવીર સૌજન્ય: સિનર્જી સંસ્થાન

મધ્યપ્રદેશના ઘણા ગામડાઓમાં એક અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ લિંગ વિષયક ચર્ચાઓને વેગ આપી રહી છે. સમાવેશી કપ તરીકે ઓળખાતી આ ટુર્નામેન્ટમાં હરદા, ખંડવા, ગુના અને બરવાની જિલ્લાઓની 102 ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમમાં સાતથી આઠ છોકરીઓ અને ચારથી પાંચ છોકરાઓનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, અહીં દરેક ટીમની કેપ્ટનશીપ એક છોકરી કરે છે, જ્યારે વાઇસ-કેપ્ટનની ભૂમિકા એક છોકરો નિભાવે છે.

પરંતુ આ મુકામ સુધી પહોંચવું સરળ નહોતું.

સૌથી પહેલા તો ટીમ બનાવવી એ જ એક પડકાર હતો, કારણ કે ઘણા ગામડાઓમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચેની સામાન્ય વાતચીતને પણ અયોગ્ય માનવામાં આવે છે. શરૂઆતમાં માતાપિતા તેમની દીકરીઓને છોકરાઓ સાથે રમવાની પરવાનગી આપવામાં અચકાતા હતા, પરિણામે ટીમ બનાવવી મુશ્કેલ બની ગઈ હતી. હરદા જિલ્લાના નિમાચા ગામમાં, કેટલીક છોકરીઓ જ્યારે ખરેખર પ્રેક્ટિસ માટે જઈ રહી હતી ત્યારે તેમણે તેમના માતા-પિતાને તેઓ કોચિંગ (ટ્યુશન ક્લાસ) માટે જઈ રહી હતી એવું કહેવું પડ્યું હતું. સમુદાયનો ભારે વિરોધ હતો, ભાગ લેનારી છોકરીઓ વિશે લોકો અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા હતા.

અમે, બીજા કેપ્ટન, વાઇસ-કેપ્ટન અને સિનર્જી સંસ્થાનના નેતાઓ સાથે મળીને, માતા-પિતા સાથે સતત બેઠકો યોજીને ધીમે ધીમે તેમને તેમની દીકરીઓને રમવા દેવા માટે સમજાવ્યા હતા. આ પ્રદેશ દારૂના વ્યસન જેવા પડકારોનો સામનો કરે છે, જેના કારણે ઘણા યુવાન છોકરાઓ જોખમમાં મૂકાય છે. આવા સંજોગોમાં ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર એક રમત બનીને સીમિત ન રહી – તે યુવાનોને દારૂના વ્યસનથી દૂર રાખી સકારાત્મક દિશામાં આગળ વધવા માટેની એક તક બની રહી હતી.

એક વાર પ્રેક્ટિસ સત્રો શરૂ થયા એ પછી નવા અવરોધો ઊભા થયા હતા. શરૂઆતમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે વાતચીત સહજ નહોતી, અને છોકરીઓને – જેમાંની ઘણી પહેલી જ વાર ક્રિકેટ રમી રહી હતી તેમને – ક્યારેક તેમના પુરુષ સાથી ખેલાડીઓ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સમય જતાં, મિત્રતા બંધાઈ હતી, પરસ્પર સમજણ વિકસતી ગઈ હતી, અને ટીમો જીતવા લાગી હતી. પરિણામે છોકરીઓમાં નેતૃત્વ કરવાનો આત્મવિશ્વાસ વધ્યો હતો એટલું જ નહીં છોકરાઓ મહિલા કેપ્ટનોનો આદર કરતા અને તેમની સાથે મળીને સહયોગથી કામ કરવાનું શીખ્યા હતા.

મહિલા કેપ્ટનોની આગેવાની હેઠળ રમવાથી છોકરાઓને છોકરીઓને નિર્ણયો લેતી, વ્યૂહરચના બનાવતી અને ટીમોને વિજય તરફ દોરી જતી જોવાની તક મળી હતી. ઘણા છોકરાઓ, જેઓ અનિચ્છાએ તેમની મિશ્ર-લિંગ ટીમમાં જોડાયા હતા તેઓ, હવે તેમના દ્રષ્ટિકોણમાં ફેરફાર કરવાનું શ્રેય આ ટુર્નામેન્ટને આપે છે. અમારી ટીમના એક ખેલાડીએ કહ્યું હતું, “મહિલા કેપ્ટનની આગેવાની હેઠળ રમવું એ મારે માટે એક આંખ ઊઘાડનારો અનુભવ રહ્યો છે. છોકરીઓને સમાન તકો ન આપીને આપણે કેટલું ગુમાવી રહ્યા છીએ એ મને આ અનુભવ પરથી સમજાયું છે.”

અને જેમ જેમ અમારી બંને ટીમો મેચ જીતવા લાગી તેમ તેમ સમુદાયનો અસ્વીકાર સમર્થનમાં પરિવર્તિત થવા લાગ્યો. એક મેચમાં, જે ટીમ હારી જશે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી એ ટીમ અગાઉની ચેમ્પિયન ટીમ સામે જીતવામાં સફળ રહી હતી. આ અણધારી સફળતાએ શંકાને ગર્વમાં ફેરવી દીધી હતી, અને સમગ્ર પહેલ માટે સમુદાયનું સમર્થન વધી ગયું હતું. જે માતાપિતાએ એક સમયે આ વિચારનો વિરોધ કર્યો હતો તેઓ હવે તેમની દીકરીઓની ટીમમાં નોંધણી કરાવવા આગળ આવી રહ્યા હતા.

એક સાધારણ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે શરૂ થયેલી આ પહેલ સમાજની માનસિકતા બદલી રહી છે અને આ વિસ્તારની આગામી પેઢીની યુવાન છોકરીઓ માટે નવી તકોના દરવાજા ખોલી રહી છે.

હરદા જિલ્લાના નિમાચા ગામના નેહા સાંગુલે તેમની ટીમના કેપ્ટન છે. હરદા જિલ્લાના સલિયાખેડી ગામના તેજરામ તેમની ટીમના વાઇસ-કેપ્ટન છે.

આ લેખમાં સિનર્જી સંસ્થાનના પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રુતિ ઠાકુરે પણ યોગદાન આપ્યું છે.

આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.

વધુ જાણો: રાજસ્થાનમાં એક મહિલાએ સ્કૂટર હંકારીને પિતૃસત્તાક સમાજવ્યવસ્થાને શી રીતે પડકારી તે જાણો.

READ NEXT