તમિળનાડુમાં રહેતા છ પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ્સ (પીવીટીજીએસ – ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો) પૈકીનો એક, ઇરુલા સમુદાય, આ રાજ્યનો બીજો સૌથી મોટો આદિવાસી સમુદાય છે. મુખ્યત્વે ઉત્તર તમિળનાડુમાં રહેતો ઇરુલા સમુદાય ઐતિહાસિક રીતે જીવનનિર્વાહ માટે જંગલ પર આધાર રાખે છે, નોન-ટીમ્બર ફોરેસ્ટ પ્રોડકટ્સ (એનટીએફપીએસ – લાકડા સિવાયના વન્ય ઉત્પાદનો) એકઠા કરે છે, તેનો સંગ્રહ કરે છે, શિકાર કરે છે અને ખેતી કરે છે. વર્ષો જતા આમાં પરિવર્તન જોવા મળ્યું છે – કેટલાક લોકો ખેતી કરવાનું ચાલુ રાખે છે, ત્યારે બીજા ઘણા હવે કોટાગિરિ, કુન્નુર અને ઉદગમંડલમ (ઊટી) જેવા નાના શહેરોમાં દાડિયા મજૂર તરીકે કામ કરે છે.
ઇરુલા સમુદાયની એક સમૃદ્ધ લોક પરંપરા છે. મેં જેમની સાથે વાતચીત કરી એ ઇરુલા સમુદાયની એક પેટા-જાતિ, મલનાડ અથવા મલદેસા (પહાડી પ્રદેશ) ઇરુલા સમુદાયના ઘણા લોકગીતો, નૃત્યો, દંતકથાઓ અને શૈલ ચિત્રો (ગુફા ચિત્રો) છે. આ લોકકથાઓ લોકોના એકબીજા સાથેના, પ્રકૃતિ સાથેના અને તેમની આસપાસના વિવિધ પ્રાણીઓ સાથેના જટિલ સંબંધોનું ચિત્રણ કરે છે. આ વાર્તાઓ માનવ અને બિન-માનવ (પ્રકૃતિ) વચ્ચેના સંબંધો અંગે એક અનોખો સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે અને ભવિષ્યની પેઢીઓ માટે ઇરુલા સમુદાયની સંસ્કૃતિને સાચવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ ફોટો નિબંધ નીલગિરિના કોટાગિરિ પ્રદેશમાં ઇરુલા સમુદાયના લોકો દ્વારા ભજવાયેલા ડોડ્ડ અટ્ટમ (ગૌર નાટક) નામના નાટક પર કેન્દ્રિત છે. આ નાટક મૌખિક કથાઓ દ્વારા પેઢી દર પેઢી કહેવાતું આવ્યું છે. જો કે તેનું યોગ્ય દસ્તાવેજીકરણ થયું નથી અને પરિણામે હાલમાં તે લુપ્ત થવાના જોખમમાં છે.
આ નિબંધ જે નાટક પર કેન્દ્રિત છે એ નાટક 29-31 મી મે, 2023 ના રોજ મેટ્ટક્કલ ગામમાં ભજવાયું હતું, અને મેં વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટી-ઇન્ડિયાની નેચર-કલ્ચર ફેલોશિપના ભાગ રૂપે તેને દસ્તાવેજીકૃત કર્યું હતું.
નાટકની રજૂઆત
ડોડ્ડ અટ્ટમ એ બોસ ગૌરસ અથવા ભારતીય ગૌર (જંગલી ભેંસ) ની ગતિવિધિનું અનુકરણ કરતી એક પરંપરાગત સામુદાયિક રજૂઆત છે. ગૌરને ઇરુલા ભાષામાં ડોડ્ડ કહેવામાં આવે છે, ઇરુલા એ એક સ્થાનિક બોલી છે જે તમિળ, કન્નડ અને મલયાલમનું મિશ્રણ છે. કન્નડમાં, ડોડ્ડાનો અર્થ ‘મોટું’ થાય છે. ગૌર એક મોટું પ્રાણી છે, તેથી ઇરુલા સમુદાય તેને ડોડ્ડ કહે છે.
આ નાટક એ સમુદાયની સુખાકારીને પ્રોત્સાહન આપતી અને સમુદાયને દુષ્કાળ, આફત અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કમનસીબીઓથી બચાવતી પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે અનુસરવામાં આવતી એક પરંપરાગત પ્રથા છે. અગાઉ આ નાટક દરેક ઇરુલા અને કુરુમ્બા આદિવાસી ગામમાં ભજવવામાં આવતું હતું. પરંતુ તેની લોકપ્રિયતા ઘટી ગઈ છે. હાલમાં કોટાગિરિના માત્ર બે ઇરુલા ગામો-વક્કનામરમ અને મેટ્ટક્કલ-એ ભજવવાનું ચાલુ રાખે છે.

બંને ગામોમાં આ નાટક સતત ત્રણ રાત સુધી ભજવવામાં આવે છે. તેમાં વાદ્ય સંગીત અને પરંપરાગત નૃત્યની મુખ્ય ભૂમિકા રહે છે. આ ત્રણ રાત દરમિયાન પડોશી ઇરુલા અને કુરુમ્બા વસાહતોના કેટલાક લોકો નાટકની તૈયારીમાં સ્વેચ્છાએ મદદ કરવા તૈયાર થાય છે. નાટકના પ્રેક્ષકોમાં યજમાન ગામ અને તેની આસપાસના ગામોના લોકોનો સમાવેશ થાય છે.
મેટ્ટક્કલની આસપાસ ચાના બગીચાઓમાં દાડિયા મજૂરી કરતા અને નાના પાયે કોફીની ખેતી કરતા ખેડૂત દુરાઈ કહે છે, “ડોડ્ડ અટ્ટમ ઘણા વર્ષોથી પ્રચલિત છે. બહુ-દિવસીય લણણીના તહેવાર પોંગળ દરમિયાન એ સાત રાત સુધી ભજવવામાં આવતું હતું, તહેવારનો ત્રીજો દિવસ પશુધનને સમર્પિત હતો. હવે આ નાટકને ટૂંકાવીને ત્રણ રાત સુધીનું કરી દેવામાં આવ્યું છે. નાટકના પાત્રોમાં એક ગૌર, એક ઇરુલા પુરુષ, એક ઇરુલા મહિલા, એક વાઘ, એક ઘોડો, એક ગોરો પુરુષ, એક ગોરી મહિલા, એક જોકર અને વન અધિકારીઓનો સમાવેશ થાય છે. અમારા પૂર્વજો માનતા હતા કે ગૌર જંગલ (પ્રકૃતિ) અને માનવ (સંસ્કૃતિ) ના સંગમ બિંદુનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ નાટકમાં વિવિધ પાત્રો હોવા છતાં તેમણે આ નાટકને ડોડ્ડ અટ્ટમ નામ આપ્યું હતું.” તેઓ નાટકની રજૂઆત રાત્રે કેમ કરે છે એ પૂછવામાં આવતા તેઓ સમજાવે છે, “રાત્રે ભજવવામાં આવે ત્યારે નાટક સૌથી સુંદર લાગે છે કારણ કે અમે પાત્રોની પ્રતિકૃતિ સચોટ રીતે બનાવી શકતા નથી; અમે રફ વેશભૂષાનો ઉપયોગ કરીએ છીએ, અને અંધારું અમને મદદરૂપ થાય છે અને અમારી ખામીઓને છુપાવે છે.”

નાટક
ત્રણ રાત્રિનું આ નાટક ગૌરનું શિકારી પ્રાણીઓથી રક્ષણ કરવાના વિષયવસ્તુ પર આધારિત છે.
પહેલી રાત્રે વાઘ ગૌર પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. ઇરુલા દંપતીને આ વાતની જાણ થાય છે ત્યારે તેઓ તેને લાકડીથી મારવાનો પ્રયાસ કરે છે પરંતુ વાઘ તેમના પર સામો હુમલો કરે છે. બીજી રાત્રે, વાઘ ઘોડા પર સવાર એક ગોરા દંપતીને નિશાન બનાવે છે પરંતુ જ્યારે ગોરો પુરુષ તેની તરફ પોતાની રાઇફલ તાકે છે ત્યારે વાઘ ભાગી જાય છે. ત્રીજી રાત્રે વાઘ આખરે ગૌર પર હુમલો કરે છે. હતાશ થઈને, ઇરુલા દંપતી ગોરા પુરુષની મદદ માગે છે, પરંતુ તેનાથી કોઈ અર્થ સરતો નથી. અંતે, તેઓ વન અધિકારીઓનો સંપર્ક કરે છે, તેઓ વાઘને ગોળી મારી દે છે. વાઘનું શરીર જેમ છે તેમ છોડી દેવામાં આવે છે, પરંતુ મૃત ગૌરની ખાલ ઉતારી લેવામાં આવે છે. નાટકના વિવિધ કલાકારો એ ખાલ પર બેસીને પરંપરાગત ધાર્મિક વિધિઓ કરે છે જેની બહારના લોકોને જાણ કરવામાં આવતી નથી.

ચોથી સવારે, કલાકારો નાટકમાં ઉપયોગમાં લેવાયેલ વેશભૂષા અને સામગ્રી બાળી નાખે છે. તેઓ રાખને નજીકની નદીમાં ફેંકી દે છે, અને પછી સ્નાન કરીને નજીકના મંદિરમાં જાય છે. ચોથે દિવસે કોઈ પણ બહારની વ્યક્તિને ધાર્મિક વિધિઓનો કોઈપણ ભાગ જોવાની મંજૂરી હોતી નથી.
કલાકારો જે વેશભૂષા અને સામગ્રીનો ઉપયોગ કરે છે તે અપવિત્ર માનવામાં આવે છે તેથી નાટકની રજૂઆતના ત્રણ દિવસ દરમિયાન કલાકારો તેમના ઘરમાં પ્રવેશી શકતા નથી. નાટકની રજૂઆતના સમયગાળા દરમિયાન તેમને એક અલગ જગ્યા આપવામાં આવે છે. ચોથે દિવસે મંદિરમાં દર્શન કર્યા પછી જ તેઓ પોતપોતાના ઘરમાં પ્રવેશ કરી શકે છે, કારણ કે તેઓએ સમુદાયના ખરાબ ભાગ્યને નદીમાં ફેંકી દીધું છે એવું માનવામાં આવે છે.

આ સમુદાયમાં ડોડ્ડ અટ્ટમનું મહત્વ
મેટ્ટક્કલ ગામમાં નાના પાયે ચા અને કોફીની ખેતી કરતા ખેડૂત રંગાસ્વામી કહે છે, “સમુદાય દુર્ઘટનાઓનો ભોગ ન બને એ માટે ડોડ્ડ અટ્ટમ ભજવવામાં આવે છે. ભૂતકાળમાં ગામમાં કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી ત્યારે આ પ્રકારનું નાટક ભજવવાથી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે એવું લોકો માનતા હતા. એકવાર અમે નાટક માટે ઉપયોગમાં લેવાતી બધી વેશભૂષા અને બીજી વસ્તુઓ બાળી નાખીને રાખને નદીમાં વહાવી દઈશું એટલે ગામના દુર્ભાગ્યનો અંત આવશે એવું અમે માનતા હતા.”
તેઓ ગૌરને મૂળ રીતે તેમના પૂર્વજો દ્વારા પાળવામાં આવતા ઘરેલુ પશુ પણ માને છે. વક્કનામરમના 85 વર્ષના ઇરુલા વડીલ વેલ્લઈ કહે છે, “પહેલાં દરેક ઘરમાં મોટી સંખ્યામાં, કદાચ સો કરતાં વધુ, પશુઓ પાળવામાં આવતા હતા. તેથી લોકો તેમની યોગ્ય સંભાળ રાખી શકતા નહોતા અને તેમની સંખ્યાની ગણતરી પણ રાખી શકતા નહોતા. સવારે ચરવા માટે છોડી દીધેલા કેટલાક પશુઓ પટ્ટી (છત વગરની ગમાણ) માં પાછા ફરતા જ નહોતા. આ પશુઓ જંગલમાં મુક્તપણે ચરવા અને ફરવા લાગ્યા, પાછળથી જંગલી ભેંસો સાથે સંવનન બાદ આ પશુઓ ગૌરને જન્મ આપતા હતા. ગૌર આ રીતે ઉદ્ભવ્યા હોવાનું અમારું માનવું છે. તેઓ જંગલમાં ફરતા હતા એટલે તેઓ વાઘના શિકાર બન્યા. અમારા પૂર્વજોને લાગ્યું કે તેઓએ પશુઓની યોગ્ય સંભાળ ન લઈને તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. તેથી તેમની સંભાળ ન રાખવાના પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તેમણે ડોડ્ડ અટ્ટમ ભજવવાનું શરૂ કર્યું.”

અગાઉ ડોડ્ડ અટ્ટમ જેવું જ નાટક એમ્મે અટ્ટમ – નીલગિરિ જિલ્લાના મસિનગુડી પ્રદેશના ઇરુલા ગામોમાં પણ ભજવવામાં આવતું હતું. પરંતુ તે હવે લુપ્ત થઈ ગયું છે. ઉદગમંડલમના આદિવાસી સંશોધન કેન્દ્રમાં સંશોધન સહાયક તરીકે કામ કરતા આનઈકટ્ટિ ગામના ઇરુલા આદિવાસી મહિલા ચિત્રા કહે છે, “પહેલા લોકો જંગલ પર વધુ નિર્ભર રહેતા હતા તેથી જંગલમાં રહેતા જંગલી પ્રાણીઓ વિષે જાગૃતિ લાવવા માટે એમ્મે અટ્ટમ ભજવવામાં આવતું હતું. પરંતુ હાલ મસીનાગુડી પ્રદેશના કોઈ પણ ગામ આ નાટકની રજૂઆત થતી નથી.”

ડોડ્ડ અટ્ટમનું ભવિષ્ય
સ્થાનિક યુવા સંગઠન પાલરાયન યુથ ક્લબના સભ્ય અને મેટ્ટક્કલના ડોડ્ડ અટ્ટમ માટેના સમુદાય પ્રતિનિધિ, રમન ઉલ્લેખ કરે છે કે, “દરેક ગામ સતત ત્રણ વર્ષ સુધી ડોડ્ડ અટ્ટમ નાટક ભજવતું હતું, ત્યારબાદ ફરીથી ભજવણી શરૂ કરતા પહેલા તે થોડા વર્ષો માટે વિરામ લેતું હતું. પરંતુ મર્યાદિત સંસાધનો અને લોકોમાં રસના અભાવને કારણે, મોટાભાગના ગામોએ તેની ભજવણી કરવાનું બંધ કરી દીધું છે.” તેઓ આગળ કહે છે, “વડીલો આજીવિકાના સ્ત્રોત શોધવામાં એટલા વ્યસ્ત છે કે તેઓ સમુદાયના રિવાજો અને પરંપરાઓ યુવા પેઢી સુધી પહોંચાડી શકતા નથી. તેઓને લાગે છે કે તેઓ એક દિવસ માટે પણ કામ કરવાનું બંધ કરશે તો પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી શકશે નહીં.
કોઈ જાણકારી નવી પેઢી સુધી પહોંચી રહી ન હોવાથી આવી પરંપરાઓમાં લોકોનો રસ ઓછો થઈ રહ્યો છે.” રમણ તારણ કાઢે છે, “હાલ ફક્ત અમે [મેટ્ટક્કલ] અને વક્કનામરમ ગામો જ નાટક ભજવે છે. આ વર્ષે, વક્કનામરમ પણ આ નાટક ભજવી શક્યું નથી. અમે સતત બીજા વર્ષે આ નાટક ભજવી રહ્યા છીએ. જોકે, ભવિષ્યમાં અમે એ ભજવી શકીશું કે કેમ એ અંગે અમને શંકા છે.”

ડોડ્ડ અટ્ટમ જેવી પરંપરાગત ભજવણીઓ માત્ર સમુદાયની સમૃદ્ધ સંસ્કૃતિને જ પ્રદર્શિત કરતી નથી, પરંતુ જ્ઞાનના ભંડાર તરીકે પણ સેવા આપે છે. પરંતુ મર્યાદિત સંસાધનોને કારણે આવી પરંપરાગત રજૂઆતો ઝડપથી અદૃશ્ય થઈ રહી છે. માનવ-વન્યજીવન સંઘર્ષ વધતા જાય છે ત્યારે સમાન જગ્યામાં વસતા માનવ અને પ્રાણીઓના જીવનનું નિરૂપણ કરતી આવી રજૂઆતો અને વાર્તાઓને પ્રોત્સાહન આપવું અને તેનું જતન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ લેખમાં અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના ડો. માધુરી રમેશે યોગદાન આપ્યું છે.
આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.
—





