ભાષા અને સત્તાથી લઈને પહોંચ અને અધિકાર સુધી, ભારતમાં સોશિયલ સેક્ટર કોન્ફરન્સીસ (સામાજિક ક્ષેત્રની પરિષદો) માં અનેક અવાજોને અવગણવામાં આવે છે. આ પરિસ્થિતિને સુધારવાની જરૂર શા માટે છે તેની વાત અહીં છે.

Read article in Hindi
6 min read

“હું છેક મારા ગામથી દિલ્હી સુધી ફક્ત આ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે જ આવ્યો હતો. અમારી સંસ્થા નાનકડી છે અને અમારું ભંડોળ પણ મર્યાદિત છે, તેથી તેઓ ખૂબ મુશ્કેલીથી માંડ માંડ મને અહીં મોકલી શક્યા હતા. આશા ફક્ત એટલી જ હતી કે અહીં અમારા કામમાં સહાય કરી શકે એવા લોકોને હું મળી શકીશ. પરંતુ અહીં તો બે સત્રો વચ્ચે કોઈની સાથે વાત કરવાનો સમય ભાગ્યે જ મળે છે. અને જ્યારે થોડોઘણો સમય મળે ત્યારે બધા પહેલેથી જ પોતપોતાના જૂથોમાં હોય એવું લાગે છે. તેઓ બધા એકબીજાને પહેલેથી ઓળખતા હોય એવું લાગે છે, અને તેમની પાસે જઈને વાત કરવા જેટલો આત્મવિશ્વાસ મારામાં નથી. મને એટલું સારું અંગ્રેજી બોલતા આવડતું નથી, અને અહીં બધા અંગ્રેજીમાં જ વાત કરે છે. મને સવાલ થાય છે કે અહીં કોઈ મને સમજી શકશે ખરું અથવા કોઈને મારી વાત સાંભળવામાં રસ હશે ખરો? મને બહુ ચિંતા થાય છે. પાછો જઈને હું શું કહીશ?”

ઓગસ્ટ 2025 માં દિલ્હીમાં ભારતની સૌથી મોટી સોશિયલ સેક્ટર કોન્ફરન્સીસમાંની એકમાં પાયાના સ્તરની એક બિનનફાકારક સંસ્થાના એક પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને ઉન્નયન વચ્ચે આ વાતચીત થઈ હતી.

આવા અનુભવો અપવાદરૂપ નથી. વિકાસ ક્ષેત્રમાં ફિલેન્થ્રોપી (પરોપકાર), શાસન, શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, પાણી અને સ્વચ્છતા, આબોહવા પરિવર્તન, કૃષિ, મહિલા અને બાળ અધિકારો, વિકલાંગતા અને નાગરિક સહભાગિતા જેવા વિષયો પર અસંખ્ય કાર્યક્રમો અને પરિષદોનું આયોજન કરવામાં આવે છે – અહીં વિકાસ ક્ષેત્ર જેના પર કામ કરે છે એ દરેક સમસ્યાને લગભગ આવરી લેવામાં આવે છે.

What is IDR Answers Page Banner

સામાન્ય રીતે આ પ્રકારના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે વિવિધ ક્ષેત્રોના વ્યાવસાયિકો ઘણા લાંબા અંતરની મુસાફરી કરતા હોય છે. સૈદ્ધાંતિક રીતે આ પ્રકારના કાર્યક્રમો વિવિધ ક્ષેત્રોના વ્યાવસાયિકોની વિશાળ શ્રેણી માટે શિક્ષણ અને આત્મનિરીક્ષણને પ્રોત્સાહન આપવા, જોડાણો વધારવા અને આ અર્થપૂર્ણ મૂલ્ય પેદા કરવા માટે તૈયાર કરવામાં આવે છે. જો કે, વ્યવહારમાં, આવા કાર્યક્રમો તેમના ઉદ્દેશ્યો પૂરા કરવામાં ઊણા ઊતરે છે.

પેનલ્સમાં ભંડોળ પૂરું પાડનારાઓ અને મોટી બિન-નફાકારક સંસ્થાઓનું વર્ચસ્વ હોય છે; સત્રો સામૂહિક શિક્ષણને પ્રોત્સાહન આપવાને બદલે સંસ્થાકીય સિદ્ધિઓ દર્શાવવા પર વધુ કેન્દ્રિત હોય છે. નેટવર્કિંગ દસ મિનિટના વિરામ પૂરતું મર્યાદિત હોય છે, અને બધી વાતચીત લગભગ ફક્ત અંગ્રેજીમાં જ થાય છે.

પરિણામ? આ ક્ષેત્ર જે મૂલ્યોને સમર્થન આપવાના દાવા કરે છે એ – સમાવેશકતા, સમાનતા અને પ્રતિનિધિત્વ – અને આ પરિષદોમાં વાસ્તવમાં જે જોવા મળે છે એ બેની વચ્ચે એક વિશાળ અને અસ્વસ્થ કરી દેતું અંતર. કોને કોના વતી બોલવાની તક મળે છે, કોને ખરેખર ભાગ લેવાની તક મળે છે, કોનું સ્વાગત અને સન્માન કરવામાં આવે છે, કોને નિષ્ણાત તરીકે જોવામાં આવે છે, અને તેમને કેટલો સમય ફાળવવામાં આવે છે તે તેઓ કઈ ભાષા બોલે છે, તેઓ કયા શહેરો અને નગરોમાંથી આવે છે, તેઓ સત્તાના કયા હોદ્દા ધરાવે છે અને તેઓ પહેલેથી જ કયા નેટવર્ક સાથે સંકળાયેલા છે તેના પરથી નક્કી થાય છે.

સત્તાની સાઠમારી

સમાવેશકતા અને બહિષ્કારિતા રેખીય ખ્યાલ નથી; તે દૃશ્યમાનતા, પહોંચ અને સત્તાના અનેક સ્તરોમાં જોઈ શકાય છે. સૈદ્ધાંતિક રીતે આ પરિષદો વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને એક જ મંચ પર એકસાથે લાવીને, તેમને સમાન તરીકે સ્થાન આપીને અને તેમની વચ્ચે અન્યથા અશક્ય સંવાદને શક્ય બનાવીને આ સ્તરીકરણને દૂર કરવાનો એક માર્ગ છે.

જોકે, વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સ્તરીકરણને દૂર કરવાની વાત તો બાજુએ રહી પરિષદો ઘણીવાર તેને વધુ સ્પષ્ટ બનાવે છે. કોણ બોલે છે, કોણ સાંભળે છે, કોણ સરળતાથી ભળે છે અને કોણ પોતાના હાંસિયામાં રહે છે તે અંગેના વારંવારના દાખલાઓ દર્શાવે છે કે આ કાર્યક્રમોમાં કેટલી અસમાનતા હોઈ શકે છે. આ અસમાનતાઓ સહભાગીઓમાં સ્થાપિત શક્તિના અસંતુલન દ્વારા આકાર પામે છે, તેના મૂળ ભૌગોલિક પૃષ્ઠભૂમિ, સામાજિક-સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ, સંગઠનની પ્રસિદ્ધિ, સ્થાનીય સત્તા (પદને કારણે મળેલી સત્તા) અને, સૌથી મહત્વપૂર્ણ રીતે, ભાષામાં રહેલા છે.

donate banner

આમ જુઓ તો ભલે દરેક વ્યક્તિ એક જ મંચ પર હોય પરંતુ તેમ છતાં કેટલાક લોકો સંપૂર્ણ આત્મવિશ્વાસ અને સ્વીકૃતિની ભાવના સાથે અહીં આવે છે અને તેમના મંતવ્યોને ગંભીરતાથી લેવામાં આવે છે જ્યારે બીજા કેટલાક લોકો આશંકા સાથે આવે છે અને તેમના મંતવ્યોને જોઈએ એટલી ગંભીરતાથી લેવામાં આવતા નથી. પરિણામે, જેને દરેક માટે એકસમાન મંચ કહેવામાં આવે છે તે ઘણીવાર એવા મંચ તરીકે કામ કરે છે જ્યાં પૈસા, ભાષા, સ્થાન, જાતિ અને વર્ગના હાલના સ્તરીકરણ પર પ્રશ્ન ઉઠાવવા અથવા તેને તોડી પાડવાને બદલે તેનું પુનરાવર્તન અને પુષ્ટિ કરવામાં આવે છે.

આ બહિષ્કારિતા કેવી રીતે દેખાય છે તેની વાત અહીં છે:

1. બોલવાની તક કોને મળે છે

જ્યારે મહિલા ખેડૂતોની માન્યતાના અભાવ પરની પેનલમાં ફક્ત પુરુષ વકતાઓ જ જોવા મળે ત્યારે એ માત્ર નબળું સંચાલન નથી. તે ત્યાં શ્રોતાઓમાં હાજર મહિલા ખેડૂતોને સક્રિયપણે અલગ કરી દે છે અને એક મૂળભૂત પ્રશ્ન ઊભો કરે છે: મહિલા ખેડૂતો પોતાને માટે બોલી શકશે એવો વિશ્વાસ તેમની પર શા માટે મૂકવામાં આવતો નથી? તેવી જ રીતે, બિનનફાકારક સંસ્થાના તકનીકી હસ્તક્ષેપથી ઉપજમાં કેવી રીતે સુધારો થયો તેનું વર્ણન કરવા માટે જ્યારે કોઈ પુરુષ ખેડૂતને આમંત્રિત કરવામાં આવે છે ત્યારે તેના દાયકાઓના ખેતીના અનુભવને એક વિશેષજ્ઞના અનુભવ તરીકે જોવાને બદલે વ્યક્તિગત અનુભવના એક સાધારણ કિસ્સા તરીકે જોવામાં આવે છે. આ વાસ્તવિક ઉદાહરણો છે, જે અમે બે અલગ અલગ પરિષદોમાં જોયા છે.

પરિષદોમાં હાજરી આપવા માટે સંસ્થાઓમાંથી પસંદ કરવામાં આવેલા સભ્યો ઘણીવાર ભદ્ર જગ્યાઓમાં સહજપણે વર્તી શકે એવા સંયોજકો હોય છે.

જ્યારે પરિષદો વારંવાર એક જ પ્રકારના ‘નિષ્ણાતો’ ને – ‘વંચિત સમુદાયોને સશક્ત બનાવવા’ માટે કાર્યક્રમો તૈયાર કરતા અને અમલમાં મૂકતા અંગ્રેજી બોલતા, ભદ્ર વર્ગના, ખાસ કરીને ઉચ્ચ જાતિના અને ઉચ્ચ વર્ગના લોકોને કેન્દ્રમાં રાખે છે – ત્યારે તેઓ કોનું જ્ઞાન માન્ય ગણવામાં આવે છે એ સંબંધિત એક સ્પષ્ટ સંદેશ મોકલે છે.

આ પસંદગીઓ ભાગ્યે જ આકસ્મિક હોય છે. પરિષદોમાં હાજરી આપવા માટે સંસ્થાઓમાંથી પસંદ કરવામાં આવેલા સભ્યો ઘણીવાર વાક્પટુ અને ભદ્ર જગ્યાઓમાં સહજપણે વર્તી શકે એવા પ્રોગ્રામ મેનેજર્સ અથવા સંયોજકો હોય છે, આગલી હરોળના કાર્યકરો અને સમુદાયના સભ્યો આવી પરિષદોમાં ગેરહાજર હોય છે. ઘણીવાર રોજબરોજના અમલીકરણમાં મર્યાદિતપણે સંકળાયેલા વક્તાઓ ક્ષેત્ર-સ્તરના પડકારો પરની ચર્ચાઓનું નેતૃત્વ કરતા હોય છે. સરકારી અધિકારીના આગમનને સમાયોજિત કરવા માટે પેનલોને વિક્ષેપિત કરવામાં આવે છે અને બીજાઓને બાજુ પર રાખીને એ અધિકારીઓને તરત જ બોલવાની તક આપવામાં આવે છે ત્યારે આ સ્તરીકરણ વધુ દેખીતું બને છે.

આવી ઘટનાઓ સહભાગીઓને બે અલગ અલગ જૂથોમાં વિભાજીત કરે છે, એક કે જેઓ સૂચના આપે છે, શીખવે છે અને બીજા કે જેમની પાસેથી માત્ર શીખવાની અપેક્ષા રાખવામાં આવે છે. ફરીથી અંગ્રેજીમાં ચર્ચા ફરી શરૂ થાય તે પહેલાં સમુદાયના સભ્યોને મંચ પર આમંત્રિત કરવામાં આવે છે અને (બિનનફાકારક સંસ્થાના) હસ્તક્ષેપને કારણે તેમના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું માત્ર એની જ વાત, મોટેભાગે તેમની પ્રાદેશિક ભાષામાં, ટૂંકમાં કરવાનું કહેવામાં આવે છે ત્યારે તેમની ભૂમિકા સ્પષ્ટપણે મર્યાદિત હોય છે. તેઓને જ્ઞાનમાં ફાળો આપનારા તરીકે નહીં, પરંતુ પ્રભાવના જીવંત પુરાવા તરીકે જોવામાં આવે છે. સક્રિય સહભાગીઓને બદલે તેઓ ચર્ચાના વિષયો બનીને રહી જાય છે, પરિણામે તેમની હાજરી આવા કાર્યક્રમોને ફરીથી આકાર આપવાને બદલે તેને માન્યતા આપવાનું કામ કરે છે.

a man's shadow on a yellow wall--social sector conferences
આ પરિષદો ઘણીવાર સ્તરીકરણને દૂર કરવાને બદલે તેમને વધુ સ્પષ્ટ બનાવે છે. | તસવીર સૌજન્ય: પેક્સેલ્સ

2. કોણ ભાગ લઈ શકે છે—અને કેવી રીતે

લોકો ઔપચારિક રીતે પરિષદોમાં સામેલ હોય છે ત્યારે પણ અર્થપૂર્ણ રીતે કોણ ભાગ લઈ શકે છે એ અનેક વાર પરિષદોના માળખા દ્વારા નક્કી થાય છે.

ભાષા: અંગ્રેજીનું વર્ચસ્વ માત્ર સંવાદમાં અવરોધ તરીકે જ નહીં, પરંતુ પ્રતિષ્ઠા અને સત્તાના પ્રતીક તરીકે પણ કામ કરે છે. આજકાલ પરિષદોમાં સમુદાય-આધારિત સંસ્થાઓના પ્રતિનિધિઓને વધુને વધુ આમંત્રિત કરવામાં આવે છે પરંતુ ઘણા સહભાગીઓએ અમને જણાવ્યું હતું કે તેઓ આવા કાર્યક્રમોમાં ચિંતા અને ડર અનુભવે છે. તેમને ચર્ચાઓને સંપૂર્ણપણે સમજી ન શકવા અથવા અંગ્રેજીમાં અસ્ખલિત રીતે જવાબ ન આપી શકવા અંગે ચિંતા રહે છે. પરિણામે ચર્ચા હેઠળની જમીની વાસ્તવિકતાઓની સૌથી નજીક હોવા છતાં તેમનામાં ઘણીવાર અપરાધ, ગભરાટ અને અસુરક્ષાની ભાવના પેદા થાય છે, પરિણામે આખરે તેમને તેમના પોતાના જ્ઞાનની માન્યતા પર પ્રશ્ન થવા લાગે છે.

સ્થાનઅનેખર્ચ: મોટાભાગની પરિષદો મહાનગરોમાં યોજાય છે, જેના કારણે ઘણી પાયાની સંસ્થાઓ માટે, ખાસ કરીને જો તેઓ સમુદાયના સભ્યોને સાથે લાવવા માગતા હોય તો, તેમાં ભાગ લેવાનું આર્થિક રીતે અશક્ય બની જાય છે. મુસાફરી અને રહેવાના ખર્ચને આવરી લેવામાં આવે તો પણ – સંભાળ રાખવાની જવાબદારીઓ, ભાષાની સહાય અને અજાણ્યા શહેરી સ્થળોએ ફરવાને કારણે પડતો શારીરિક અને માનસિક શ્રમ જેવા – અનેક છુપા ખર્ચને ભાગ્યે જ ગણતરીમાં લેવામાં આવે છે.

સમય: કોના મંતવ્યો સાંભળવામાં આવશે એ સમયની ફાળવણી કેવી રીતે થયેલ છે એના પરથી નક્કી થાય છે. જાણીતા પેનલિસ્ટ્સને ઘણીવાર તેમની પહેલનું વિગતવાર વર્ણન કરતી વખતે તેમને ફાળવવામાં આવેલા સમય કરતા ઘણો વધારે સમય લેવા દેવાય છે, જ્યારે કાર્યક્રમના આયોજકની સમાવેશકતા અને વિચારશીલતાનું પ્રદર્શન કરવા પ્રતીકાત્મકરૂપે બોલાવવામાં આવેલા પાયાના નેતા અથવા સમુદાયના સભ્ય પાસેથી એક પૂર્વનિયોજિત અને મર્યાદિત ભૂમિકા ભજવવાની અપેક્ષા રખાય છે.

પ્રેક્ષકોને તેમના પ્રશ્નો પૂછવા માટે ઉતાવળ કરાવવામાં આવે છે, તેમને તેમના કામ અને અનુભવોની વાત કરવાની તક આપવામાં આવતી નથી. આવું કરવાથી પરિષદો પાસે જે સંવાદ સાધવા માટે એક મંચ ઊભો કરવાની તક હોય છે તે ગુમાવી દેવાય છે. એક કાર્યક્રમમાં પાયાના સ્તરે એક યોજનાનું અમલીકરણ કરતા રાજ્ય-સ્તરીય જૂથોને ફક્ત છેલ્લે દિવસે જ બોલવા માટેનો સમય આપવામાં આવ્યો હતો, ત્યારે તેઓએ ધ્યાન દોર્યું હતું કે પાછલા બે દિવસમાં ચર્ચાયેલી યોજનાઓ ભંડોળ આપનારના કાર્યક્ષેત્ર સાથે સુસંગત નહોતી. પરંતુ ત્યાં સુધીમાં કાર્યસૂચિ પહેલેથી જ નક્કી થઈ ગઈ હતી.

સંમતિ: પરિષદો વધુને વધુ સત્રો રેકોર્ડ કરે છે અને તેને ઓનલાઇન પ્રસારિત કરે છે ત્યારે સહભાગીઓ પાસેથી ભાગ્યે જ સંમતિ માગવામાં આવે છે. દરેક વ્યક્તિ માટે, ખાસ કરીને કેટલીકવાર કોઈક કારણોસર સંવેદનશીલ અથવા વિવાદાસ્પદ ઓળખ ધરાવતા સહભાગીઓને માટે, પોતાની ઓળખ જાહેર કરવી હંમેશ શક્ય હોતી નથી. વધુમાં જ્યારે રેકોર્ડિંગ્સ શેર કરવામાં આવે છે ત્યારે સબટાઈટલ અને ઓડિયો વર્ણનો જેવી સુલભતા પૂરી પડતી મૂળભૂત સુવિધાઓને ઘણીવાર આવશ્યક ગણવાને બદલે વૈકલ્પિક ગણવામાં આવે છે.

ખોરાક: ભોજન વ્યવસ્થા પણ આ સ્તરીકરણને સ્પષ્ટ કરે છે. ઘણા કાર્યક્રમોમાં અમે જોયું છે કે ભંડોળ આપનારાઓ અને કોન્ફરન્સ ભાગીદારોને અલગથી, વિશિષ્ટ રૂમમાં ભોજન પીરસવામાં આવે છે, જ્યારે બાકીના સહભાગીઓને ભોજન માટે બીજે કતારમાં ઊભા રહેવું પડે છે. ઉદાહરણ તરીકે, એક કાર્યક્રમમાં આદિવાસી સહભાગીઓને એક સાવ અલગ કતારમાં ઊભા રહેવાનું કહેવામાં આવ્યું હતું. બીજા એક કાર્યક્રમમાં સહભાગીઓને સાંસ્કૃતિક પ્રતીક તરીકે પરાંપરાગત પાંદડા (પતરાળા) પર ક્યુરેટેડ ‘આદિવાસી ભોજન’ પીરસવામાં આવ્યું હતું – છતાં જે સમુદાયોનો ખોરાક અને સંસ્કૃતિ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા તેમને અલગ પાડવામાં આવ્યા હતા અને તેમની સાથે અલગ વ્યવહાર કરવામાં આવ્યો હતો.

3. પહોંચ એટલે કે સુલભતા કોને મળે છે

સુલભતાનો ખ્યાલ ઘણીવાર ભૌતિક માળખાગત સુવિધાઓ – રેમ્પ, લિફ્ટ, કાર્યક્રમના સ્થળોની નિકટતા – પૂરતો મર્યાદિત સમજવામાં આવે છે અને તેને સામાન્ય રીતે ફક્ત વિકલાંગતા પર ધ્યાન કેન્દ્રિત કરતા કાર્યક્રમોમાં જ પ્રાથમિકતા આપવામાં આવે છે. મોટાભાગના બીજા કિસ્સાઓમાં તે પાછળથી કરવામાં આવતો વિચાર હોય છે. કોઈ ખરેખર સહભાગી થઈ શકે કે નહીં એ નક્કી કરતી સુલભ શૌચાલય, બેઠક વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવાની સરળતા અને સંકેતો જેવી રોજિંદી મૂળભૂત જરૂરિયાતોને નિયમિતપણે અવગણવામાં આવે છે.

પર્યાપ્ત વિરામ, શાંત જગ્યાઓ અને લવચીક સહભાગિતાનો અભાવ હોય ત્યારે પરિષદો સુલભતા એ વ્યક્તિગત બોજ છે એ ખ્યાલને વધુ મજબૂત બનાવે છે.

અમારી ટીમે હાજરી આપેલી એક કોન્ફરન્સમાં પરલૈંગિક સહભાગીઓને તેમને માટે ઉપલબ્ધ સુવિધાઓ વિશે અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. સ્થળ પર ફક્ત સિસજેન્ડર વ્યક્તિઓ માટે નિયુક્ત વોશરૂમ હતા, અને એક સહભાગીને તેમાંથી એકનો ઉપયોગ કરવા બદલ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

સમય અને સંવેદનાત્મક ડિઝાઇન દ્વારા પણ સુલભતા નક્કી થાય છે. બેક-ટુ-બેક સત્રોથી ભરેલા, આઠથી દસ કલાકના કોન્ફરન્સના દિવસો, ખાસ કરીને ન્યુરોડાઈવર્જન્સીસ અને અદૃશ્ય (નજરે ન ચડનારી) વિકલાંગતા ધરાવતા લોકો માટે ઝડપથી થકવી નાખનારા બની શકે છે. પર્યાપ્ત વિરામ, શાંત જગ્યાઓ અને લવચીક સહભાગિતાનો અભાવ હોય ત્યારે પરિષદો સુલભતા એ સામૂહિક જવાબદારીને બદલે વ્યક્તિગત બોજ છે એ ખ્યાલને વધુ મજબૂત બનાવે છે. 

પરિષદોનું આયોજન વધુ સારી રીતે થઈ શકે છે

પરિષદો એ શિક્ષણ અને આદાનપ્રદાન માટેની એક સમાવેશક, આકર્ષક જગ્યા હોવી જોઈએ – અને હોઈ શકે છે. જોકે, ખાસ કરીને દિલ્હી અને મુંબઈમાં યોજાતા મોટા વાર્ષિક પ્રતિષ્ઠિત કાર્યક્રમોમાં એવા ઘણા ઉદાહરણો છે જ્યાં આ ખામીઓ સ્પષ્ટપણે જોઈ શકાતી હોય છે, તો આયોજકોએ આ સમસ્યાઓને સંબોધવા વિચારપૂર્વક કાર્યક્રમોની રૂપરેખાની ડિઝાઇન કરી હોય એવા ઉદાહરણો પણ છે. આવા ઉદાહરણો દર્શાવે છે કે બહિષ્કારિતા અનિવાર્ય નથી, સમાવેશકતાનો અભાવ ટાળી શકાય છે અને થોડું ધ્યાન આપવાથી ખામીઓને અસરકારક રીતે દૂર કરી શકાય છે.

હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં નેટવર્કિંગ અને ભોજન એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. આયોજનનું સ્થળ હતું, માત્ર ફ્લોર સીટિંગ (જમીન પર બેસવાની વ્યવસ્થા) સાથેનો એક વિશાળ હોલ. જ્યારે બધા સાથે બેસીને જમતા હતા અને વાતો કરતા હતા ત્યારે લોકો આપમેળે સરળતાથી એકબીજા સાથે જોડાઈ શક્યા હતા. બધાને એક સહિયારી જગ્યાએ સાથે લાવવાથી અનિશ્ચિતતા અને અસુરક્ષાના અવરોધો અસરકારક રીતે દૂર થઈ શક્યા હતા.

તેવી જ રીતે બીજા એક કાર્યક્રમમાં કોઈ પેનલ જ નહોતી. સહભાગીઓએ નાટકો, ચિત્રો અને તેમના કામ સાથે સંબંધિત બીજા સર્જનાત્મક માધ્યમો જેવી કલા દ્વારા પોતાનું કામ રજૂ કર્યું હતું. ઉપસ્થિતો ફક્ત તેમના કામ વિશે સાંભળવાને બદલે તેમનું કામ જોઈ શકતા હતા, અનુભવી શકતા હતા અને તેમની સાથે સંવાદ સાધી શકતા હતા. બીજી એક પરિષદમાં સમાન પડકારોનો સામનો કરી રહેલી સંસ્થાઓ માટે એકબીજા સાથે વાત કરવા, અનુભવોનું આદાનપ્રદાન કરવા અને સામૂહિક રીતે શીખવા માટે સમર્પિત જગ્યાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી.

પરંપરાગત પેનલ ફોર્મેટમાં પણ કેટલાક આયોજકોએ ખાસ કાળજી લીધી હતી. એક કોન્ફરન્સમાં જગ્યાની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી હતી કે જો ઉપસ્થિતોને અતિશય તણાવનો અનુભવ થાય અને તેમને હળવા થવું હોય તો બીજાને ખલેલ પહોંચાડ્યા વિના તેઓ શાંતિથી રૂમ છોડી શકે. તેમાં સ્વીકારવામાં આવ્યું હતું કે અર્થપૂર્ણ ભાગીદારી માટે સતત અને પ્રદર્શનાત્મક હાજરી ખરેખર જરૂરી નથી.

જો પરિષદો ફક્ત ભંડોળના એજન્ડાને આગળ વધારવા માટેના મંચ નહીં પરંતુ શીખવા, વિચાર વિનિમય કરવા અને સામૂહિક કલ્પના માટેના સ્થાન હોય તો સમાવેશકતાને પાયાના સિદ્ધાંત તરીકે માન્યતા મેળવી જોઈએ, નહીં કે પાછળથી આવેલા વિચાર તરીક. હેતુપૂર્વકની સમાવેશકતા પરિષદોમાં હાજરી આપનારાઓમાં વંચિત સમુદાયોના પ્રતિનિધિઓની હાજરી સુનિશ્ચિત કરવા કરતા ઘણી આગળ વધે છે. એ માટે લોકો બોલી શકે, સાંભળી શકે, અસંમત થઈ શકે, થોડો આરામ કરી શકે અને પોતાપણાની ભાવના સાથે ભાગ લઈ શકે એવા માળખાની રચના કરવાની જરૂર છે. જીવંત અનુભવો એ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવેલ સાધારણ કિસ્સા માત્ર નથી; તે જ્ઞાનનું એક સ્વરૂપ છે અને તેથી આ અનુભવો લોકો જે વાસ્તવિકતાઓ જીવે છે તેના સંબંધમાં નીતિઓની કલ્પના, અમલીકરણ અને મૂલ્યાંકનની પદ્ધતિને પ્રભાવિત કરે એ જરૂરી છે.

આ લેખ તૈયાર કરવામાં આઇડીઆર ટીમના સભ્યોએ યોગદાન આપ્યું છે.

આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.

વધુ જાણો

  • વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે પરિષદોને સમાવેશક કેવી રીતે બનાવી શકાય તે વિશે વધુ વાંચો.
  • પોતાના કામ અને તેના પરિણામો માટે પોતાને જવાબદાર માનવાની વ્યક્તિની ભાવનાને સામાજિક બહિષ્કારિતા કેવી રીતે અસર કરે છે તે સમજો.
donate banner
We want IDR to be as much yours as it is ours. Tell us what you want to read.
ABOUT THE AUTHORS
સૃષ્ટિ ગુપ્તા-Image
સૃષ્ટિ ગુપ્તા

સૃષ્ટિ ગુપ્તા આઈડીઆરમાં એક સંપાદકીય સહયોગી છે, અહીં તેઓ અંગ્રેજી અને હિન્દીમાં સામગ્રી લખવા, તેનું સંપાદન અને દસ્તાવેજીકરણ કરવા માટે જવાબદાર છે. તેઓએ અગાઉ સ્પ્રિંગર નેચરમાં સંપાદકીય ક્ષમતામાં કામ કરેલ છે. તેઓ પોલિટિકલ સાયન્સ (રાજનીતિ વિજ્ઞાન) માં અનુસ્નાતકની પદવી ધરાવે છે, તેઓ વિકાસ અને સામાજિક ન્યાય સંબંધિત સંશોધનમાં રસ ધરાવે છે.

કુમાર ઉન્નયન-Image
કુમાર ઉન્નયન

કુમાર ઉન્નયન આઈડીઆર હિન્દીમાં સંપાદકીય સહયોગી છે. છેલ્લા 12 વર્ષોમાં, તેમણે મૌખિક ઇતિહાસ સંશોધન, ક્ષેત્રીય પત્રકારત્વ, લેખન અને અનુવાદ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું છે. આઈડીઆરમાં જોડાતા પહેલા ઉન્નયન સેન્ટર ફોર કોમ્યુનિટી નોલેજ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એશિયન સ્ટડીઝ, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી, કથા અને ધ કારવાં સાથે સંકળાયેલા હતા. તેઓ સાહિત્યમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે અને મૌખિક ઇતિહાસમાં તેમણે પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલ છે.

COMMENTS
READ NEXT