
2016 માં ગૂંજ ટીમ તેમની મુખ્ય પહેલ ક્લોથ ફોર વર્કના ભાગરૂપે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બ્લોક નરસૂમાં ચિલ્ડી, કિથર અને નમન ગામોની મુલાકાત લઈ રહી હતી. આ ગામડાઓ સુધી પહોંચવા માટે આ ટીમે આઠ કિલોમીટરના સીધા ઢોળાવવાળા દુર્ગમ રસ્તા પર ટ્રેકિંગ કર્યું હતું.
આ વિસ્તાર સુધી પહોંચવું મુશ્કેલ હતું, કારણ કે આ ગામડાઓ લગભગ 7,000 ફૂટની ઊંચાઈ પર આવેલા હતા અને વર્ષના મોટા ભાગ માટે અત્યંત ઠંડા હવામાનનો સામનો કરતા હતા. ત્યાં વીજળી અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ હતો. અમે વિચારતા હતા કે ગામલોકો રસ્તો માગશે. પણ જ્યારે તેઓએ કહ્યું કે તેમને રસ્તો નહીં પણ એક અખાડો જોઈએ છે ત્યારે અમને નવાઈ લાગી હતી.
જે ગામડાઓ સુધી પહોંચવાનો સરખો રસ્તોય નહોતો ત્યાં કુસ્તીના મેદાન (અખાડા) નું શું કામ હતું? અમે મૂંઝવણમાં હતા. પરંતુ તેઓ તેમના વિચારોમાં સ્પષ્ટ હતા: “અમારા છોકરાઓ આખો દિવસ અહીં નવરા બેસી રહે છે; તેઓ ખીણમાં યોજાતી કુસ્તી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકતા નથી.”
આ ગામડાઓ માટે દંગલ (કુસ્તી) એ એકમાત્ર ઓછી કિંમતની, સહજ ઉપલબ્ધ રમત અને મનોરંજનનો સ્ત્રોત છે. દર વર્ષે જૂનમાં શિંજના તહેવાર દરમિયાન સ્થાનિક ગડ્ડી સમુદાય માટે આ એક મહત્વપૂર્ણ પરંપરા પણ છે. રસ્તો એ તાત્કાલિક હલ કરવી પડે એવી સમસ્યા નહોતી કારણ કે આ સમુદાય ટેકરીઓમાં જ ઉછર્યો હતો અને આ ખડકાળ ભૂપ્રદેશમાં કેવી રીતે ફરવું તે જાણતો હતો.
આખરે 135 ગ્રામજનોએ ચિરડી ગામમાં એક જગ્યા પસંદ કરી જ્યાં તેમની પાસે એક સાધારણ ખુલ્લું મેદાન હતું. ઘણા દિવસો સુધી ખૂબ જ મહેનત અને ઉત્સાહથી તેઓએ મંચ (પોડિયમ) સાથેની 40×40 ફૂટની દંગલ માટેની જગ્યા (અખાડો) અને પ્રેક્ષકો માટે બેસવાની જગ્યા પણ બનાવી હતી. એ વર્ષના શિંજ દરમિયાન લોકોએ દર્શાવેલો જબરદસ્ત ઉત્સાહ અમે જોયો હતો.
વિકાસ ક્ષેત્રના વ્યાવસાયિકો તરીકે અમે લોકોને શું જોઈએ છે તેના કરતાં તેમને શેની જરૂર છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમારે માટે કાશ્મીરનો આ અનુભવ એ વિચારની પુષ્ટિ કરતો હતો કે અમારા દ્રષ્ટિકોણનો ઉપયોગ કરીને ઉકેલો શોધવાને બદલે અમે જે સમુદાયો સાથે કામ કરીએ છીએ તેમના દ્રષ્ટિકોણને પ્રાથમિકતા આપવાનું હંમેશા વધુ સારું છે.
અંશુ ગુપ્તા સામુદાયિક વિકાસ પર કામ કરતી એક બિનનફાકારક સંસ્થા ગુંજના સ્થાપક ડિરેક્ટર છે.
આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.
—
વધુ જાણો: કાશ્મીરના પર્વતીય ગામડાઓને વધુ સારા આપત્તિ વ્યવસ્થાપનની જરૂર શા માટે છે એ જાણવા માટે આ વાર્તા વાંચો.