બસ્તર, બક્સા અને સોનભદ્રમાં આવેલી બિન-નફાકારક સંસ્થાઓ સમજાવે છે કે જાતિ, સંઘર્ષ અને આબોહવા પરિવર્તનથી અસરગ્રસ્ત પ્રદેશોમાં બાળકોને શીખવવા માટે તેઓ સ્થાનિક કથાઓનો ઉપયોગ શા માટે કરે છે.

READ THIS ARTICLE IN

7 min read

ટોની મોરિસનની પ્રખ્યાત નવલકથા ધ બ્લુએસ્ટ આઇમાં, કથા-નાયક, પેકોલા બ્રીડલવ, ઈચ્છે છે કે તેમની આંખો હોલિવુડ ફિલ્મ સ્ટાર શર્લી ટેમ્પલ જેવી ભૂરી હોય. ટોની કહે છે કે, એ એક એવી નવલકથા હતી જે લખવાની તેમને ફરજ પડી હતી કારણ કે તેમને એક એવું પુસ્તક વાંચવું હતું જેમાં યુએસએમાં એક યુવાન અશ્વેત મહિલાને સહન કરવા પડતા જાતિવાદ અને “જાતિગત આત્મ-દ્વેષ” (પોતાની જ જાતિ પ્રત્યેના આંતરિક ધિક્કાર) ના અનુભવ વિશે વાત કરવામાં આવી હોય.

આ નવલકથા યુએસએમાં 1970 માં પ્રકાશિત થઈ હતી, અને આજે પણ, દુનિયાભરના એવા લોકો, જેમને લાગતું હોય છે કે તેમને જે પુસ્તકો વાંચવાનું કહેવામાં આવે છે તેમાં તેમની પોતાની વાત ક્હેવામાં આવી નથી, તેઓ ટોનીનો અનુભવ સમજી શકે છે કારણ કે તેઓ પોતે પણ એ અનુભવમાંથી પસાર થયા છે. ભારતમાં જ્યાં ભેદભાવો લિંગ, જાતિ અને વર્ગ પર આધારિત છે ત્યાં શાળાઓમાં વિદ્યાર્થીઓને હજી પણ એવી વાંચન સામગ્રી પૂરી પાડવામાં આવે છે જે ઘણીવાર ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી હોય છે.

શિક્ષણવિદો માને છે કે – ફક્ત પુસ્તકોમાં જ નહીં પરંતુ શિક્ષણ પદ્ધતિઓ અને વર્ગખંડની વિવિધતામાં પણ પ્રતિબિંબિત થતું – સમાવેશક શાળાકીય શિક્ષણ બાળમાનસને સમાનતા અને સહિષ્ણુતા શીખવવામાં મદદ કરે છે. નહીંતર, બાળકો એકલતા અને ભયમાં મોટા થવાનું જોખમ રહે છે, જે સમાજ માટે હાનિકારક છે.

What is IDR Answers Page Banner

તાજેતરના વર્ષોમાં, સોશિયલ ઈમોશનલ લર્નિંગ (એસઇએલ – સામાજિક અને સંવેદનાત્મક કેળવણી) પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે એક એવી શિક્ષણ પ્રક્રિયા છે જે બાળકો અને કિશોરોમાં આત્મવિશ્વાસ, ગૌરવ અને સહાનુભૂતિને કેળવવા માટે આત્મનિરીક્ષણ અને ઊંડા શ્રવણને ઇન્ટરેક્ટિવ રમતો, કલા અને કથાકથન સાથે જોડે છે.

ભારતમાં પ્રમાણમાં નવી વિભાવના હોવા છતાં આસામ, છત્તીસગઢ, દિલ્હી, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં એસઇએલ અપનાવવામાં આવ્યું છે, અહીં તે ઔપચારિક અભ્યાસક્રમને પૂરક બન્યું છે. ભારત વિવિધ સમુદાયો અને સંસ્કૃતિઓનો દેશ છે. તેથી એસઇએલની શિક્ષણ પદ્ધતિ અને અભ્યાસક્રમ ભૌગોલિક, સામાજિક-આર્થિક અને રાજકીય સંદર્ભો સાથે સુસંગત હોવો જોઈએ, તે ઉપરાંત તેમાં જાતિ, લિંગ અને વર્ગનું ધ્યાન રખાવું જોઈએ.

આ કેવી રીતે થઈ શકે એ સમજવા માટે અમે આસામના ગુવાહાટી; છત્તીસગઢના સુકમા; અને ઉત્તરપ્રદેશના સોનભદ્ર, સ્થિત બિનનફાકારક સંસ્થાઓ અનુક્રમે નોર્થઈસ્ટ સેન્ટર ફોર ઈક્વિટી એક્શન ઓન ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ (એનએઆઈડી), શિક્ષાર્થ અને ઉપક્રમ સાથે વાત કરી. તેઓ અંતરિયાળ પ્રદેશોમાં શૈક્ષણિક સમાનતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી બિનનફાકારક સંસ્થાઓના એક જૂથ રીચ (આરઈએસીએચ) કલેક્ટિવનો ભાગ છે. આ ત્રણેય સંસ્થાઓ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતા બાળકોને સહન કરવી પડતી મુશ્કેલીઓ હલ કરવા માટે એસઇએલને જે તે પ્રદેશની ચોક્કસ સંસ્કૃતિ અને પરિસ્થિતિ અનુસાર સંદર્ભિત કરી રહી છે.

A woman teaching a child how to draw--social-emotional learning
ભારતમાં પ્રમાણમાં નવી વિભાવના હોવા છતાં ઘણા રાજ્યોમાં એસઇએલ અપનાવવામાં આવ્યું છે. | તસવીર સૌજન્ય: શિક્ષાર્થ

વાર્તાનું સ્થાનિકીકરણ

સુકમા બસ્તરમાં આવેલું છે, બસ્તર છત્તીસગઢનો એ વિસ્તાર છે જે દાયકાઓથી આતંકવાદનો સાક્ષી રહ્યો છે. શિક્ષાર્થના સહ-સ્થાપક આશિષ શ્રીવાસ્તવ કહે છે, “સુકમાના લોકોએ હિંસા પોતાની નજરે જોઈ છે અને અનુભવી છે. ત્યાં ઘણી બધી આઘાતજનક ઘટનાઓ બની છે, પરંતુ તેની ચર્ચા થતી નથી અને ત્યાં સહિષ્ણુતાનું સ્તર ઊંચું છે. આપણે બાળકોમાં પણ આ જોઈ શકીએ છીએ. તેઓ નથી બહુ બોલતા કે નથી ફરિયાદ કરતા, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ (પરિસ્થિતિથી) ખુશ છે.”

તેઓ ઉમેરે છે, “હિંસા સામાન્ય થઈ ગઈ છે. બાળકો બહારના લોકોથી અને પદાધિકારીઓથી ડરે છે કારણ કે તેઓ તેમના સમુદાય સાથે હંમેશા દુર્વ્યવહાર કરતા આવ્યા છે.”

donate banner

સુકમાની 85 ટકાથી વધુ વસ્તી આદિવાસી છે, એનો અર્થ એ છે કે હિંસા ઉપરાંત, તેમને તેમની ઓળખના કારણે ભેદભાવનો પણ સામનો કરવો પડ્યો છે.

પ્રદેશમાં હિંસા સામાન્ય થઈ ગઈ હોવાથી માનસિક સુખાકારી વિશે વાતચીત શરૂ કરવી એ પહેલું પગલું છે. શિક્ષાર્થ બાળકોને કથા-કથન, કલા-આધારિત પ્રવૃત્તિઓ, એકબીજા પાસેથી શીખવું વિગેરે દ્વારા તેમની લાગણીઓને ઓળખવામાં અને વ્યક્ત કરવામાં મદદ કરે છે.

સુકમાના બાળકોનો પ્રકૃતિ સાથે મજબૂત સંબંધ છે. તેથી એસઇએલને વર્ગખંડ સુધી મર્યાદિત રાખવાને બદલે બહાર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, પરિણામે તેમને પોતાની ઓળખ બાબતે ગર્વ અને માલિકીની ભાવના વિકસાવવામાં મદદ મળે છે.

સુકમાના બાળકો હિંસાની અસરોનો સામનો કરવાનું શીખી રહ્યા છે, તો સોનભદ્ર (ભારતના સૌથી ગરીબ જિલ્લાઓમાંના એક) માં ધીમે ધીમે ભૂંસાતી જતી ઓળખને શી રીતે જાળવી રાખવી એ પડકાર છે. ગોંડ, એક આદિવાસી સમુદાય જેની સાથે ઉપક્રમ કામ કરે છે, તે મુખ્ય પ્રવાહના સમાજમાં ભળવા માટે પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ ગુમાવી રહ્યો છે. ઉપક્રમના સહ-સ્થાપક નિખિલ શેટ્ટી કહે છે, “આ સમુદાયને વારંવાર કહેવામાં આવ્યું છે કે તેઓ, તેમની ધાર્મિક વિધિઓ અને તેમની સંસ્કૃતિ પછાત છે. આવું થાય ત્યારે આત્મવિશ્વાસ ઘટે છે. તેઓએ તેમની ગોંડી ભાષા બોલવાનું બંધ કરી દીધું છે.”

તેમણે બાળકોને પૂછ્યું, “તમને શું લાગે છે કે મહિલા કેમ ક્યારેય થાકતી નથી?” બાળકોએ જવાબ આપ્યો, “કારણ કે તે ભૂત છે.”

સોનભદ્રમાં મોટાભાગે દલિત, બહુજન અને આદિવાસી લોકો વસે છે – આ સમુદાયોને પેઢીઓથી પ્રણાલીગત રીતે વંચિત રખાયા છે. ઉપક્રમ માને છે કે બાળકોમાં તેમના પોતાના વિશેનો સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવો અને તેઓ જેવા છે તેવા સ્વરૂપમાં સ્વીકારીને તેમને ઉછેરવા એ સમયની માંગ છે. “મેં એવા બાળકોને જોયા છે જેઓ પગરખામાંથી કાર બનાવે છે. કેટલી અદ્ભુત વાત છે! આપણે તેમની આ પ્રતિભાને વિકસાવવામાં મદદ ન કરી શકીએ?”

ઉપક્રમના અભ્યાસક્રમમાં એવી વાર્તાઓનો સમાવેશ થાય છે જે તે સ્થળ માટે સાચી હોય. નિખિલ કહે છે, “અમે ગમે ત્યાંથી વાર્તા પસંદ કરીને અમારા બાળકો પાસેથી તેઓ એ સમજી શકે કે અનુભવી શકે એવી અપેક્ષા ન રાખી શકીએ. અમે આ પ્રયાસ કર્યો છે, અને એ સફળ નથી થયો.” આજે, ઉપક્રમની વાર્તાઓની પસંદગી સહેતુક હોય છે. સોનભદ્રના બાળકોને ભૂતની વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે, તેથી તેઓએ તેમને ભૂતોં કી બારાત (ઉત્તરાખંડની લોકકથા) થી પરિચિત કર્યા. આ વાર્તામાં એક નવી પરણેલી કન્યા ક્યારેય થાક્યા વિના તેના સાસરે ઘરકામ કર્યા કરે છે. આ વાર્તા દ્વારા તેઓએ વ્યાપક રીતે શ્રમની અને ખાસ કરીને જાતિ આધારિત કામ વિશે ચર્ચા શરૂ કરી હતી.

તેમણે બાળકોને પૂછ્યું, “તમને શું લાગે છે કે મહિલા ક્યારેય થાકતી કેમ નથી?”

બાળકોએ જવાબ આપ્યો, “કારણ કે તે ભૂત છે.”

પછી તેઓએ પૂછ્યું, “તમારી માતા અને તમારી કાકીનું શું? તેઓ પણ ક્યારેય થાકતા નથી?”

કેટલાક બાળકોએ જવાબ આપ્યો, “અમારી માતાઓ મોટે ભાગે ઘરેલુ કામકાજ કરે છે.”

પછી તેઓએ પૂછ્યું, “તમારા પિતા ખેતર કે કારખાનામાંથી આવે છે ત્યારે તેમને આરામ કરવા મળે છે; તમારી માતાને પણ આરામ મળવો ન જોઈએ?”

પરિણામે બાળકોને વિચારવાની ફરજ પડી. ઉપક્રમના સહ-સ્થાપક કિરણ કહે છે, “અમારું કામ વર્ગખંડોમાં આ ચર્ચાઓ શરૂ કરવાનું છે, જેથી બાળકો વાર્તાઓમાંથી અને એકબીજા પાસેથી શીખે.”

તેઓ પાણીની અછત અને પર્યાવરણીય સંરક્ષણ જેવી સમસ્યાઓ પર પણ વર્ગમાં ચર્ચા કરે છે.

કિરણ જણાવે છે, “કથાકથન હિન્દી અને ભોજપુરીમાં કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓની સામાન્ય ભાષા છે. જોકે, અમે એક ગામથી બીજે ગામ જઈએ ત્યારે વાર્તાઓનું સ્થાનિકીકરણ કરવામાં આવે છે કારણ કે બે ગામના જીવનના અનુભવોમાં ઘણીવાર તફાવત હોય છે. ઉદાહરણ તરીકે, એક ગામમાં પાણીની અછત એ એક પડકાર હોય ત્યારે બીજા ગામમાં તેમ ન પણ હોય.” આ અતિ-સ્થાનિકીકરણ મહત્વપૂર્ણ છે કારણ કે સરકારી શાળાઓમાં ભણતા બાળકો અલગ-અલગ સમુદાયોમાંથી આવે છે.

આસામમાં જ્યાં પહોંચવાનું મુશ્કેલ છે તેવા દુર્ગમ અને વંશીય અને ભાષાકીય વૈવિધ્ય ધરાવતા વિસ્તારોમાં એસઇએલ શીખવવા પર ધ્યાન કેન્દ્રિત કરતા એનઈએઆઈડીએ પોતાના અભ્યાસક્રમમાં અતિ-સ્થાનિકીકરણનો સમાવેશ કર્યો છે.

એનઈએઆઈડીના સહ-સ્થાપક નીલાદ્રી બોરા કહે છે, “અમે બક્સામાં કામ કરીએ છીએ જ્યાં બંગાળી મુસ્લિમ, આસામી અને બોડો સમુદાયોના લોકો છે. તેથી, અમારા વર્ગખંડોમાં બાળકો ત્રણ અલગ અલગ ભાષાઓ બોલે છે. અમે બાળકોને આસામી શીખવામાં મદદ કરીએ છીએ કારણ કે તે સત્તાવાર રાજ્ય ભાષા છે, પરંતુ વર્ગ પછી અમે દરેક સમુદાયના બાળકોની અલગ-અલગ જરૂરિયાતો પૂરી કરવા માટે બોડો અને બંગાળી જેવી સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ આપવા પાછળ પણ સમય ગાળીએ છીએ.”

એનઈએઆઈડી જે-તે વિસ્તારના સામાન્ય અનુભવો પર આધારિત વાર્તાઓ પસંદ કરે છે. ઉદાહરણ તરીકે, માછીમારીના ધંધા સાથે સંકળાયેલા ગામમાં મોટાભાગના બાળકો માછીમારી વિશેની વાર્તાઓ સમજી શકે છે, પછી ભલે તેઓ ગમે તે સમુદાયના હોય. પછી આવે છે રાજ્યભરની લોકકથાઓમાં આવતા શિયાળ જેવા સામાન્ય પાત્રો – આ પાત્રો બિનનફાકારક સંસ્થા બાળકોમાં જે એસઇએલ નૈતિક મૂલ્યો કેળવવા માગે છે તેને બાળકો સુધી પહોંચાડવાના સાહિત્યિક ઉપકરણ તરીકે સેવા આપે છે. તેની પરિચિતતાને કારણે, શિયાળ નાના બાળકોને સામાન્ય સંજોગોમાં અઘરું જણાય એવું એસઇએલ વિષયવસ્તુ સમજવા માટેનું એક સલામત અને પોતીકું લાગે એવું માધ્યમ બની જાય છે.

કેટલીક વાર શિયાળ હોશિયાર અને ચતુર હોય છે, તો વળી બીજા કોઈ સમયે તે લાગણીના આવેશને આધારે કામ કરનાર મનમોજી હોય છે, અને છતાં તે પોતાની બધી ભૂલો પરથી મહત્વપૂર્ણ પાઠ શીખે છે. ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે કહેવાતી એક લોકકથામાં શિયાળ પોતાને માટે વધુ ખોરાક લેવા પ્રાણીઓના જૂથને છેતરે છે, છેવટે તે પકડાઈ જાય છે અને અંતે હાથી તેને સુધારે છે, હાથી તેને શાંતિથી સમજાવે છે કે વાજબીપણું અને વહેંચણી શા માટે મહત્વના છે. આ વાર્તાનો ઉપયોગ કરુણા, નિષ્પક્ષતા, સહાનુભૂતિ અને પસંદગીઓના પરિણામો પર ચર્ચા શરૂ કરવા માટે થાય છે. બાળકો વિશ્લેષણ કરે છે: શિયાળ આ રીતે કેમ વર્ત્યું? શિયાળના વર્તને બીજા લોકો પર કેવી રીતે અસર કરી? તે શું અલગ રીતે કરી શક્યું હોત?

A wall with illustrations of rhinos and monkeys at a school--social-emotional learning
એનઈએઆઈડી જે-તે વિસ્તારના સામાન્ય અનુભવો પર આધારિત વાર્તાઓ પસંદ કરે છે. | તસવીર સૌજન્ય: એનઈએઆઈડી

કલ્પનાની સીમાઓ પાર કરવી

એક જ પ્રકારનો અને ટોપ-ડાઉન અભ્યાસક્રમ એ કોયડાનો ફક્ત એક ભાગ છે કારણ કે આ સંસ્થાઓ એવા વિસ્તારોમાં કામ કરે છે જેમને પદ્ધતિસર વંચિત રખાયા છે. અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને અપાતી વાંચન સામગ્રી પણ હલકી ગુણવત્તાવાળી હોય છે – તેમની સાથેનું આ પ્રકારનું વર્તન તેમની પોતાની જાત તરફ જોવાની દ્રષ્ટિને ઘડે છે.

સુકમામાં કોઈ બાળકને રંગીન પુસ્તક મળે એ દુર્લભ વાત છે. આશિષ કહે છે, “જો કોઈ રંગ પૂરવાનું નું પુસ્તક દાનમાં આપે તો પણ તે ખૂબ જ શહેરી હોય છે. તેથી અમે રંગ પૂરવાના એવા પુસ્તકો તૈયાર કર્યા છે જે અમારા બાળકોને અર્થપૂર્ણ લાગે.”

આમાંથી એક પુસ્તક બસ્તરને એક મૈનાની આંખે જુએ છે. મૈના – ગામડાઓ, તહેવારો, મહુઆના ફૂલો એકઠા કરવાની ક્રિયા – આ બધું જુએ છે, અને તેની આંખે બાળકોને પોતાના બસ્તરની સુંદરતાની જાણ થાય છે.

આ ત્રણેય સંસ્થાઓ માને છે કે તેઓ જે સમુદાયોમાં સેવા આપે છે ત્યાંના બાળકો પાસે વધુ પસંદગીઓનો અવકાશ હોવો જોઈએ. ઉપક્રમ બાળકોને ટચ એન્ડ ફીલ અને ઓડિયો પુસ્તકો, જેમાં તેઓ તેમની આસપાસમાં જોવા ન મળતા પ્રદેશો અને પ્રાણીઓને સાંભળી શકે, સ્પર્શી શકે અને જોઈ શકે છે એવા પુસ્તકો દ્વારા વૈશ્વિક સ્તરનો સંપર્ક પૂરો પાડે છે. નિખિલ કહે છે, “બાળકો પહેલેથી જ જિજ્ઞાસુ અને સર્જનાત્મક હોય છે, અને તેમની પાસે ઇન્ટરનેટની પહોંચ હોય છે. અમારું કામ તેમની આશાઓને પોષવાનું, તેમને શક્યતાઓ પૂરી પાડવાનું છે.”

આ સંસ્થાઓએ જોયું છે કે આ રોકાણ ફળ આપી રહે છે. જેમ જેમ આ સંસ્થાઓ બાળકોનો અને પરિણામે સમુદાયોનો વિશ્વાસ સંપાદિત કરે છે તેમ તેમ તેઓ જમીની સ્તરે સામાજિક પરિવર્તન માટે સક્રિય પ્રયાસો કરી શકે છે. કિરણ કહે છે, “અમે જોયું છે કે ઘરો કરતાં શાળાઓમાં લિંગ આધારિત પૂર્વગ્રહ વધુ જોવા મળે છે. બાળકો શાળાના પરિસરમાં હોય છે ત્યારે છોકરાઓ અને છોકરીઓ એકબીજાના હાથ નથી પકડતા, જોકે તેમના સમુદાયોમાં આ માટેનો કોઈ નિષેધ નથી. અમે તેમને યાદ અપાવવાનું શરૂ કર્યું છે કે લગ્નો અને પરંપરાગત નૃત્યોમાં એકબીજાના હાથ પકડવાનું તેમને માટે ખૂબ જ સામાન્ય છે.” તેવી જ રીતે વાર્તાઓ અને દલિતો જેવા વંચિત સમુદાયોને સહન કરવા પડતા ભેદભાવ પર પ્રશ્ન ઉઠાવતી ચર્ચાઓના માધ્યમથી ઉપક્રમ બાળકોને જાતિવાદ પર પ્રશ્ન ઉઠાવતા કરવામાં પણ સફળ રહ્યું છે.

a drawing of children playing--social-emotional learning
સુકમામાં કોઈ બાળકને રંગીન પુસ્તક મળે એ વાત દુર્લભ છે. | તસવીર સૌજન્ય: શિક્ષાર્થ

એસઇએલને શિક્ષણ પ્રણાલીમાં એકીકૃત કરવું

એસઇએલ બાહ્ય હસ્તક્ષેપને બદલે જાહેર શિક્ષણ પ્રણાલીનો ટકાઉ ભાગ બને એ સુનિશ્ચિત કરવા આ ત્રણેય સંસ્થાઓ માટે સરકાર સાથે પદ્ધતિસરનો સહયોગ ચાવીરૂપ છે.

નીલાદ્રી સરકારી પ્રણાલીઓ સાથે કામ કરતી વખતે પૂરકતાને બદલે એકીકરણના મહત્વ પર ભાર મૂકે છે. એનઈએઆઈડી સરકારી શાળાના શિક્ષકો સાથે તેમના કાર્યક્રમનું સહ-નિર્માણ અને સહ-ડિઝાઇન કરે છે, જેથી તે બહારથી લાદવામાં આવ્યું છે એવું ન લાગે એ સુનિશ્ચિત થઈ શકે. તેઓ કહે છે, “સરકારનો પ્રતિભાવ સકારાત્મક રહ્યો છે. અમારી જેમ, સરકાર પણ સંમત છે કે આ કાર્યક્રમોને એક અલગ પ્રવૃત્તિ તરીકે ચલાવવાને બદલે તેમને અભ્યાસક્રમમાં એકીકૃત કરવા જોઈએ.” વધુમાં એનઈએઆઈડી વિદ્યાર્થીઓની માતાઓ સાથે પણ બેઠકો યોજે છે જેથી તેમને એસઇએલની વધુ સારી સમજ મળે અને તેમને પોતાના બાળકોના સામાજિક અને સંવેદનાત્મક વિકાસમાં ભાગ લેવામાં મદદ મળે.

આ જ મૂલ્યોને દોહરાવતા નિખિલ શાળા પ્રણાલીનો ભાગ હોય એવા તમામ હિતધારકો – માતાપિતા, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અલગ-અલગ સ્તરના સરકારી અધિકારીઓ – સાથે કામ કરવાના મહત્વ પર ભાર મૂકે છે. તેઓ કહે છે, “સરકારી પ્રણાલીમાં તમારે ફક્ત તમારા કાર્યક્રમ માટે નિયુક્ત વ્યક્તિ જ નહીં, પરંતુ તમામ સ્તરના લોકો સાથે સંબંધો વિકસાવવા પડે છે.” સરકારી પ્રણાલીમાં તમામ સ્તરે પરસ્પર વિશ્વાસ અને જવાબદારીનું નિર્માણ એસઇએલ પહેલને વધુ અસરકારક રીતે સ્થાપિત થવા દે છે.

એનઈએઆઈડી, શિક્ષાર્થ અને ઉપક્રમ ત્રણેય સંસ્થાઓના અનુભવો પુષ્ટિ કરે છે કે બાળકો જે વાર્તાઓ શીખે છે તેમાં તેઓ પોતાનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ થયેલું છે એવું જોતા થાય છે ત્યારે તેઓ તેમના જીવંત અનુભવોનું મૂલ્ય આંકવાનું શરૂ કરે છે અને તેમની આસપાસના વાતાવરણ સાથે સ્વસ્થ સંબંધો વિકસાવવાનું શરૂ કરે છે. પરિણામે લાંબે ગાળે આત્મવિશ્વાસથી ભરપૂર બાળકો ઘડવામાં અને પોતાના હકો માટે અવાજ ઉઠાવવા, રૂઢ થઈ ગયેલા ધોરણો પર પ્રશ્ન ઉઠાવવા, જૂની માનસિકતાથી ઉપર ઊઠીને વિચારવા અને પોતાને માટે અને બીજાઓ માટે વધુ સારી દુનિયા બનાવવા માટે સક્ષમ વયસ્કો ઘડવામાં મદદ મળે છે.

આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.

વધુ જાણો

  • ભારતમાં સામાજિક અને સંવેદનાત્મક કેળવણીને આંતરછેદાત્મક દ્રષ્ટિકોણની જરૂર શા માટે છે તે જાણો.
  • અસમાન સમાજોમાં શિક્ષણ શા માટે સંદર્ભિત હોવું જોઈએ તે વાંચો.
donate banner
We want IDR to be as much yours as it is ours. Tell us what you want to read.
ABOUT THE AUTHORS
દેબોજીત દત્તા-Image
દેબોજીત દત્તા

દેબોજીત દત્તા આઇડીઆરના સંપાદકીય ફીચર્સનું નેતૃત્વ કરે છે અને તેના વિવિધ ક્ષેત્રોમાં લેખો તૈયાર કરાવવા અને તેને પ્રકાશિત કરવા માટે જવાબદાર છે. તેઓ આઇડીઆરની ઉત્તર-પૂર્વ મીડિયા ફેલોશિપનું નેતૃત્વ પણ કરે છે અને લેખક ચુકવણી ભંડોળ ઊભું કરે છે જેમાંથી વંચિત પૃષ્ઠભૂમિના યોગદાનકર્તાઓને વળતર અપાય છે. અગાઉ તેમણે સહપીડિયા, ધ ક્વિન્ટ અને ધ સન્ડે ગાર્ડિયનમાં સંપાદકીય ભૂમિકાઓમાં કામ કર્યું છે, અને સાહિત્યિક વેબઝિન એન્ટિસીરિયસની સ્થાપના કરી છે. તેમના લખાણો હિમલ સાઉથએશિયન, સ્ક્રોલ.ઇન અને ધ વાયર જેવા પ્રકાશનોમાં પ્રકાશિત થયા છે.

સ્નેહા ફિલિપ-Image
સ્નેહા ફિલિપ

સ્નેહા ફિલિપ આઈડીઆર ખાતે કન્ટેન્ટ ડેવલપમેન્ટ અને ક્યુરેશનનું નેતૃત્વ કરે છે. આઈડીઆર પહેલા તેઓએ દસરા અને એડલગિવ ફાઉન્ડેશનમાં સંશોધન અને પરિશ્રમના કાર્યક્ષેત્રમાં આરોગ્ય, સ્વચ્છતા, લિંગ અને સ્ટ્રેટેજિક ફિલાન્ત્રોપી (ધોરણાત્મક પરોપકાર) જેવા મુદ્દાઓ પર કામ કર્યું હતું. સ્નેહાએ આઈસેક (એઆઈઈઈસી) માં પણ કામ કર્યું હતું - આઈસેક વિશ્વની સૌથી મોટી યુવા-સંચાલિત બિન-નફાકારક સંસ્થા છે, તેઓ બુડાપેસ્ટ, હંગેરીમાં એક ભાષા પ્રશિક્ષણ કંપનીના સ્થાપક સભ્ય હતા. તેમણે ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ, યુનિવર્સિટી ઓફ સસેક્સમાંથી ડેવલપમેન્ટ સ્ટડીઝમાં એમએ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાંથી અર્થશાસ્ત્રમાં બીએ કર્યું છે.

COMMENTS
READ NEXT