કૌશલ્ય ગ્રામીણ યુવાનોને વ્યવસાયો શરૂ કરવામાં મદદ કરે છે, પરંતુ મોટાભાગના વ્યવસાયો નાના જ રહે છે. જીવન ટકાવી રાખનાર સાહસોને ટકાઉ સાહસોમાં ફેરવવા માટે શું જરૂરી છે તેની વાત અહીં છે.

READ THIS ARTICLE IN

7 min read

જ્યારે 23 વર્ષના રાજુ* એ દક્ષિણ રાજસ્થાનના ગોગુંડા ગામના ધૂળિયા મુખ્ય રસ્તા પર પોતાનું ટુ-વ્હીલર રિપેર ગેરેજ ખોલ્યું ત્યારે તેમને લાગ્યું હતું કે તેઓ આખરે તેમના પરિવારને પેઢીઓથી ફસાવનાર એક ચક્રમાંથી બહાર નીકળી રહ્યા છે. અનિશ્ચિત દાડિયા મજૂરી માટે તેમને હવે ગુજરાતના ઔદ્યોગિક સ્થળોએ સ્થળાંતર કરવાની જરૂર રહી નથી. ટૂંકી તકનિકી તાલીમ પૂરી કર્યા પછી સાધનો ખરીદવા માટે તેમણે 15,000 રુપિયા ભેગા કરી પતરાના છાપરાવાળો એક નાનો શેડ ભાડે લીધો હતો અને સ્થાનિક ગ્રાહકોને પોતાની સેવાઓ આપવાનું શરૂ કર્યું હતું.

બે વર્ષ પછી રાજુનું ગેરેજ હજી પણ ગામના મુખ્ય રસ્તા પર ઊભું છે – પોતાના ટુ-વ્હીલરને ચાલતું રાખવા માટે તેના પર આધાર રાખતા પડોશીઓ માટે એક નાનું પણ સ્થિર કેન્દ્ર. તેઓ લાંબો સમય કામ કરે છે અને મહિને લગભગ 12,000-15,000 રુપિયા કમાય છે, ઘરના રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળવા અને નાના દેવા ચૂકવવા માટે આ કમાણી પૂરતી છે. તેમની દુકાન પોતાના ગામમાં જ રહીને કમાવા માટે દૃઢ નિશ્ચયી કુશળ અને પ્રેરિત યુવાનો દ્વારા રાજસ્થાનના ગામડાઓમાં દર વર્ષે ઊભા કરાતા સેંકડો સૂક્ષ્મ સાહસોમાંની એક છે.

રાજુ જેવા ઘણા યુવા ઉદ્યોગસાહસિકો ઘરની નજીક આજીવિકા મેળવવામાં સફળ થાય છે. યોગ્ય સહાય સાથે આ નાની શરૂઆત રોજગારીનું સર્જન કરતા અને સ્થાનિક અર્થતંત્રોને મજબૂત બનાવતા સમૃદ્ધ વ્યવસાયોમાં વિકસી શકે.

What is IDR Answers Page Banner

રાજુની વાર્તા ભારતના ગ્રામીણ બિન-કૃષિ અર્થતંત્રને શક્તિ આપતા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોની વિશાળ છતાં નાજુક ઇકોસિસ્ટમનો ભાગ છે. ઘણીવાર તાલીમાર્થીને પ્રમાણપત્ર મળે એટલે કૌશલ્ય કાર્યક્રમો પૂરા થાય છે પરંતુ વાસ્તવિક સંઘર્ષ એ પછી – યુવાનો કૌશલ્યને સ્થિર આવકની તકમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરે છે  ત્યારે – શરૂ થાય છે.

ગ્રામીણ સૂક્ષ્મ ઉદ્યોગોનું વચન (અને મર્યાદાઓ)

માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઈ – સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) ને વ્યાપકપણે ભારતના બિન-કૃષિ અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે વર્ણવવામાં આવે છે. સરકારી અંદાજો દર્શાવે છે કે એમએસએમઈ ભારતના જીડીપીમાં લગભગ 30 ટકા ફાળો આપે છે અને લગભગ 12 કરોડ લોકોને આજીવિકા પૂરી પાડે છે. આ વિશાળ ક્ષેત્રમાં મોટાભાગના એકમો સૂક્ષ્મ-ઉદ્યોગો છે – નાના, મોટે ભાગે વ્યક્તિઓ અથવા પરિવારો દ્વારા ચલાવવામાં આવતા અનૌપચારિક વ્યવસાયો.

જ્યારે કોઈ યુવાન પોતાના ગામમાં પાછો ફરે છે, દુકાન ખોલે છે અને નાના બજારમાં ટકી રહેવાનો પ્રયત્ન કરે છે ત્યારે શું થાય છે?

વર્ષોથી, સરકારી નીતિઓ, કૌશલ્ય પહેલો અને નાણાકીય સમાવેશક યોજનાઓએ આ સંભવિતતાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, મુદ્રા યોજના અને સ્કિલ ઈન્ડિયા જેવા કાર્યક્રમોનો ઉદ્દેશ્ય ગ્રામીણ યુવાનોને રોજગાર શોધનારાઓને બદલે રોજગાર ઊભા કરનારાઓ બનવા પ્રોત્સાહિત કરવાનો છે. ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં કાર્યરત કૌશલ્ય સંસ્થાઓ જે યુવાનો પાસે ઔપચારિક વ્યાવસાયિક શિક્ષણની ઓછી પહોંચ છે તેમના સુધી પહોંચી આ ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

જોકે, છેલ્લા દાયકામાં ભારતની કૌશલ્ય ઇકોસિસ્ટમ ઝડપથી વિસ્તરી છે, પરંતુ તાલીમ પૂરી થયા પછી શું થાય છે તેનું ધ્યાન રાખવા માટે ઘણા ઓછા કાર્યક્રમોએ રોકાણ કર્યું છે. જ્યારે કોઈ યુવાન પોતાના ગામમાં પાછો ફરે છે, દુકાન ખોલે છે અને નાના બજારમાં ટકી રહેવાનો પ્રયાસ કરે છે ત્યારે શું થાય છે? એ કયું પરિબળ છે જે કેટલાક ઉદ્યોગોને વિકાસ સાધવા સક્ષમ બનાવે છે, જ્યારે બીજા ઉદ્યોગોનો વિકાસ સ્થિર થઈ જાય છે?

આંકડા શું દર્શાવે છે

રાજસ્થાન અને ગુજરાતમાં સ્થળાંતરિત અને અનૌપચારિક શ્રમિકો સાથે કામ કરતી પાયાના સ્તરની એક સંસ્થા આજીવિકા બ્યુરો સ્થાનિક આજીવિકાની તકોને શક્ય બનાવવાના હેતુથી ગ્રામીણ યુવાનો માટે કૌશલ્ય કાર્યક્રમો ચલાવે છે. આ કામના ભાગ રૂપે અમે યુવાનો કૌશલ્યમાંથી આવક ઊભી કરવા તરફ કેવી રીતે આગળ વધે છે એ સમજવા માટે તાલીમ પછીના પરિણામો પર પણ નજર રાખીએ છીએ.

donate banner

દક્ષિણ રાજસ્થાનમાં આજીવિકા બ્યુરોએ દરમિયાનગીરી કરી હોય એવા ક્ષેત્રોમાં તાજેતરના એક અભ્યાસમાં અમે મોટર વાઈન્ડિંગ, ટેલરિંગ (સિલાઈકામ), મોબાઇલ રિપેર, ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ટુ-વ્હીલર મેન્ટેનન્સ (જાળવણી) જેવા વ્યવસાયોમાં તાલીમ પામેલા 150 થી વધુ ગ્રામીણ ઉદ્યોગસાહસિકો પર નજર રાખી હતી. તારણો સંદર્ભ-વિશિષ્ટ છે પરંતુ તે સમગ્ર ભારતમાં ગ્રામીણ ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમમાં સામાન્ય રીતે જોવા મળતા પડકારોને પ્રતિબિંબિત કરે છે.

પ્રથમ નજરે ચિત્ર પ્રોત્સાહક છે:

  • તાલીમ પામેલા લગભગ 70 ટકા યુવાનોએ તેમને જે વ્યવસાયની તાલીમ આપવામાં આવી હતી એ જ વ્યવસાયમાં કામ કરતા હોવાનું જણાવ્યું હતું, આ દર્શાવે છે કે તેમની કુશળતા વાસ્તવિક સ્થાનિક માંગ સાથે મેળ ખાય છે.
  • મોટાભાગના સાહસો રોજિંદી વ્યવહારુ સેવાઓ પૂરી પાડે છે, જેમ કે બાઇક રિપેર, સિલાઈકામ, મોબાઇલ સર્વિસિંગ અને ઇ-મિત્ર કિઓસ્ક.
  • ઘણા ઉદ્યોગસાહસિકો (પરિવારમાં) વ્યવસાય માલિકોની પહેલી પેઢી છે, લગભગ 63 ટકા ઉદ્યોગસાહસિકો જણાવે છે કે ઉદ્યોગસાહસનો તેમનો કોઈ પારિવારિક ઇતિહાસ નથી.
  • મોટાભાગના લોકો 18-25 વર્ષની વયના છે, આ એક એવો વસ્તી વિષયક સમયગાળો છે જે તક અને સંવેદનશીલતા બંને ધરાવે છે.

જોકે, નજીકથી જોતા એક સુસંગત પેટર્ન છતી થાય છે. ઘણા યુવાનો નાના સાહસો શરૂ કરી લે છે,પરંતુ  મોટા ભાગના જીવન-નિર્વાહ સ્તરે અટવાયેલા રહે છે. આમાંના મોટાભાગના યુવાનો દ્વારા ચલાવવામાં આવતા વ્યવસાયોનો વિકાસ  પહેલા બે કે ત્રણ વર્ષમાં સ્થિર થઈ જાય છે – તેઓ રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા પૂરતી કમાણી કરી લે છે, પરંતુ કામગીરીને વિસ્તૃત કરવા, બીજાઓને નોકરી આપવા અથવા સ્થિતિસ્થાપકતા બનાવવા માટે એ કમાણી પૂરતી હોતી નથી.

a young man in a grey T-shirt holding a T spanner and repairing a black scooter--skilling for rural entrepreneurs
ઘણા યુવાનો નાના સાહસો શરૂ કરી લે છે,પરંતુ મોટા ભાગના જીવન-નિર્વાહ સ્તરે અટવાયેલા રહે છે. | તસવીર સૌજન્ય: સ્ટેપ એકેડમી, આજીવિકા બ્યુરો

ગ્રામીણ સાહસો વિકાસ માટે સંઘર્ષ શા માટે કરે છે?

અમારી ક્ષેત્ર ચર્ચાઓ (વાસ્તવિક પરિસ્થિતિમાં લોકો સાથે થતી ચર્ચાઓ), ઊંડાણપૂર્વકની વાતચીતો અને ફોકસ જૂથો ગ્રામીણ સાહસોની વૃદ્ધિને મર્યાદિત કરતા હોય એવા સરળતાથી દૂર ન થઈ શકતા પાંચ પ્રણાલીગત અવરોધો તરફ નિર્દેશ કરે છે.

1. નાના, સંતૃપ્ત સ્થાનિક બજારો

મોટાભાગના ગ્રામીણ વ્યવસાયો ગામડામાં અથવા નજીકના બજારોમાં કાર્યરત હોય છે. શહેરી ઉદ્યોગસાહસિકો મોટી માંગનો લાભ લઈ શકે છે અથવા ડિજિટલી સ્કેલ કરી શકે છે પરંતુ તેનાથી વિપરીત ગ્રામીણ યુવાનો – મર્યાદિત ચૂકવણી ક્ષમતા ધરાવતા – નાના ગ્રાહક આધાર દ્વારા મર્યાદિત હોય છે.

ઉદાહરણ તરીકે, ટુ-વ્હીલર ગેરેજ ફક્ત ત્યારે જ સફળ શકે છે જ્યારે પૂરતા પરિવારો પાસે બાઇક હોય. એક ચોક્કસ મર્યાદા સુધી આગળ વધીને પછી બજાર સંતૃપ્ત થઈ જાય છે. રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના એક ગેરેજ માલિકે સમજાવ્યું કે જ્યારે ધંધો ઓછો ચાલતો હોય ત્યારે તેઓ રિપેરિંગ કામની સાથેસાથે સ્પેરપાર્ટનું  વેચાણ કરે છે કારણ કે ફક્ત રિપેરિંગનું કામ તેમને આખું વર્ષ એકસરખી આવક આપી શકતું નથી.

2. મર્યાદિત વ્યવસાયિક કુશળતા

ટેકનિકલ તાલીમ યુવાનોને બાઇક રિપેર કરવા, કપડાં સીવવા અને મોબાઇલ રિપેર કરવા જેવા ધંધા માટે સજ્જ કરે છે, પરંતુ ધંધો ચલાવવા માટે જરૂરી કુશળતાથી નહીં. આમાં એકાઉન્ટ્સ જાળવવા, પુરવઠાનું સંચાલન કરવું, ક્રેડિટ ટ્રેકિંગ, નફાના પ્રમાણની ગણતરી કરવી અથવા વાસ્તવિક રીતે સેવાઓની કિંમત નક્કી કરવી વિગેરે કુશળતાનો સમાવેશ થાય છે.

પરિણામે ઘણા તેમના કામનું મૂલ્ય ઓછું આંકે છે, કેશ ફ્લોની બાબતે મુશ્કેલી અનુભવે છે અને ક્યારે અથવા કેવી રીતે ફરીથી રોકાણ કરવું તે નક્કી કરી શકતા નથી. કેટલાક ઉદ્યોગસાહસિકો સતત પૈસા કમાય છે, પરંતુ તેઓ નફો કરી રહ્યા છે કે નહીં એ કહી શકતા નથી.

3. ધંધાના ઔપચારિકકરણનો કોઈ સ્પષ્ટ માર્ગ નથી

ધંધાનું ઔપચારિકકરણ ધિરાણ, સરકારી સબસિડી, એમએસએમઈ સહાય યોજનાઓ અને કાનૂની રક્ષણ માટેના દરવાજા ખોલે છે. પરંતુ મોટાભાગના ગ્રામીણ ઉદ્યોગસાહસિકો કરવેરાના ડર, કાગજી કામની મુશ્કેલીઓ અને ઓછી જાગૃતિને કારણે અનૌપચારિક રહે છે.

બહુ ઓછા ધંધાદારીઓ – જેમ કે ઇ-મિત્ર ઓપરેટર્સ – રજીસ્ટ્રેશન (નોંધણી) કરાવે છે. એ પછી પણ ઘણા લોકો ફરજિયાત નિયમો, કાયદાઓ, ઉદ્યોગને લગતા ધોરણો અને નીતિઓનું પાલન કરવા માટે સંઘર્ષ કરે છે.

4. ન્યૂનતમ વૈવિધ્યીકરણ

ઘણા ગ્રામીણ વ્યવસાયો એક જ વ્યવસાયને વળગી રહે છે: સિલાઈકામ ની દુકાન સિલાઈકામની દુકાન જ રહે છે, મોટર ગેરેજ ફક્ત બાઇક જ રિપેર કરે છે. બહુ ઓછા લોકો પૂરક સેવાઓ અથવા ઉત્પાદનોમાં વિસ્તરણ કરે છે.

અમારા અભ્યાસમાં માત્ર 19 ટકા ઉદ્યોગસાહસિકો સ્પેરપાર્ટ્સનું વેચાણ, વધારાના વેપારો અથવા નાના છૂટક એડ-ઓન શરૂ કરીને તેમની આવકના પ્રવાહમાં વૈવિધ્ય લાવ્યા હોવાની જાણ થઈ છે. છતાં વૈવિધ્યીકરણ એ ઘણીવાર સૂક્ષ્મ સાહસોને નબળા સમયગાળામાં (ધંધો બરોબર ન ચાલતો હોય ત્યારે) ટકી રહેવામાં અને સતત વૃદ્ધિ કરવામાં મદદ કરે છે.

5. જાતિગત તફાવત અને સામાજિક ધોરણો

સ્વ-રોજગાર કૌશલ્યનો હેતુ યુવાનો અને મહિલાઓ બંને સુધી પહોંચવાનો છે તેમ છતાં અમારા નમૂનામાં ગ્રામીણ ઉદ્યોગસાહસિકોમાં માત્ર ચાર ટકા મહિલાઓ હતી.

સામાજિક ધોરણો, એક જગ્યાએથી બીજી જગ્યાએ અવરજવર સંબંધિત મર્યાદાઓ, પરિવારના સમર્થનનો અભાવ અને સલામતીની ચિંતાઓ મહિલાઓને ગ્રાહકાભિમુખ ઉદ્યોગ-સાહસો ચલાવતા રોકે છે. તાલીમ પૂરી કર્યા પછી પણ ઘણી મહિલાઓને કમાણીની મર્યાદિત ક્ષમતા ધરાવતા ઘેર-બેઠા થઈ શકે એવા કામ કરવાની ફરજ પાડવામાં આવે છે.

શું બદલવાની જરૂર છે: કૌશલ્યથી માંડીને ઉદ્યોગસાહસ સંબંધિત સહાય સુધી

અમારા કામમાંથી શીખવા મળેલા પાઠ એક સરળ સત્ય તરફ નિર્દેશ કરે છે: માત્ર કૌશલ્ય તાલીમ પૂરતી નથી. ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાને આજીવિકા સુરક્ષા માટેનો એક સક્ષમ માર્ગ બનવવો હોય તો તેને વ્યવસાય વિકાસ માટે સતત સહાય મળી રહેવી જોઈએ.

1. વ્યવસાયિક સાક્ષરતાને તાલીમનો મુખ્ય ભાગ બનાવો

સ્વ-રોજગારને પ્રોત્સાહન આપતા દરેક કૌશલ્ય કાર્યક્રમે ઉદ્યોગસાહસ માટે જરૂરી કૌશલ્યોનો સમાવેશ કરવો જોઈએ: કેવી રીતે – સામાન્ય એકાઉન્ટ્સ જાળવવા, કેશ ફ્લો ટ્રેક કરવો, ક્રેડિટ મેનેજ કરવી, ડિજિટલ પેમેન્ટ્સ કરવા અને સેવાઓની કિંમત નક્કી કરવી. ઘણીવાર (ધંધામાં) ટકી રહેવા માટે તકનિકી કૌશલ્ય કરતાં આ પ્રકારની સાક્ષરતા વધુ મહત્વપૂર્ણ હોય છે.

દાખલા તરીકે, અમારા કામમાં અમે પ્રાયોગિક ધોરણે સરળ રેકોર્ડ-કીપિંગ મોડ્યુલ્સ વાપરવાનું શરૂ કર્યું છે, તેમાં યુવાનો દૈનિક આવક-ખર્ચ રજિસ્ટર જાળવે છે અને ગ્રાહકોને આપવામાં આવેલી ક્રેડિટ ટ્રેક કરે છે. અમે સત્રો પણ આયોજીત કરીએ છીએ જેમાં તાલીમાર્થીઓ વ્યવસાયમાંથી તેમની અપેક્ષિત આવકને વ્યવસાય શરૂ કરવા અને તેને ટકાવી રાખવા માટે જરૂરી ખર્ચ અને રોકાણોની સાથે મેપ કરે છે. ખાસ કરીને પરિવારમાં ઉદ્યોગસાહસિકોની પહેલી પેઢી હોય તેમને માટે આ ઉપયોગી છે, તેમાંના ઘણા નાણાકીય આયોજન બાબતે મર્યાદિત જ્ઞાન ધરાવે છે.

2. વૈવિધ્યીકરણ માટે માર્ગદર્શન

ઉત્પાદનો ઉમેરીને અથવા નવા બજારોમાં પ્રવેશ કરીને વિકાસ પામ્યા હોય એવા વ્યવસાયોની વાસ્તવિક વાર્તાઓ યુવાનો જાણે એ જરૂરી છે. એક બાઇક મિકેનિક સ્પેરપાર્ટ્સનું વેચાણ ઉમેરી શકે; એક દરજી શાળાના ગણવેશ અથવા મોસમી જથ્થાબંધ ઓર્ડરમાં પોતાના વ્યવસાયનું વિસ્તરણ કરી શકે.

વ્યવસાયને લગતી સામાન્ય સલાહ એ વૈવિધ્યીકરણ સહાય નથી, વૈવિધ્યીકરણ સહાય વ્યવહારુ હોવી જોઈએ અને સ્થાનિક બજારની વાસ્તવિકતાઓ પર આધારિત હોવી જોઈએ.

દાખલા તરીકે, અમે જેમની સાથે કામ કરીએ છીએ એવા કેટલાક ઉદ્યોગસાહસિકોએ નબળી સિઝન (ધંધામાં મંદીના સમય) દરમિયાન રિપેરિંગ કામની સાથેસાથે સ્પેરપાર્ટનું વેચાણ કરવાનું શરૂ કર્યું છે, જે સમગ્ર વર્ષ દરમિયાન આવકને સ્થિર કરવામાં મદદ કરે છે. તેવી જ રીતે, ઇ-મિત્ર કિઓસ્ક ઓપરેટરો તેમની દુકાને આવતા ગ્રાહકોની સંખ્યા અને પોતાની આવક વધારવા માટે ઘણીવાર સ્ટેશનરીની દુકાનો, પ્રિન્ટિંગ અને સામાન્ય દસ્તાવેજીકરણ સેવાઓમાં વિસ્તરણ કરે છે. દરજીઓ પણ સિલાઈ-સેવાની સાથેસાથે સિલાઈ કામ માટે જરૂરી નાની-નાની વસ્તુઓ અથવા તૈયાર કપડાં રાખીને ધંધાનું વૈવિધ્યીકરણ કરે છે.

વ્યવસાયને લગતી સામાન્ય સલાહ એ વૈવિધ્યીકરણ સહાય નથી, વૈવિધ્યીકરણ સહાય વ્યવહારુ હોવી જોઈએ અને સ્થાનિક બજારની વાસ્તવિકતાઓ પર આધારિત હોવી જોઈએ.

3. ઔપચારિકકરણ માટે સતત મદદ

ગ્રામીણ ઉદ્યોગસાહસિકો ઔપચારિકકરણથી ડરે છે, પરંતુ તે ધિરાણ, સબસિડી અને કાનૂની રક્ષણ માટેના દરવાજા ખોલે છે. બિન-નફાકારક અને કૌશલ્ય સંસ્થાઓ યુવાનોને એમએસએમઈ તરીકે નોંધણી કરાવવા, જરૂર હોય ત્યાં વેપાર પરવાના (લાઇસન્સીસ) મેળવવા અને સંબંધિત યોજનાઓ સાથે જોડવા માટે મદદ કરી શકે છે.

વ્યવહારમાં અમે જોયું છે કે – ઉદ્યોગસાહસિકોને દસ્તાવેજીકરણ સમજવામાં, સ્થાનિક પ્રક્રિયાઓ કરવામાં અને સંબંધિત યોજનાઓની પહોંચ સુલભ બનાવવામાં મદદ જેવી – માર્ગદર્શક સહાય વડે આ અવરોધને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. આના ભાગ રૂપે, અમે તેમને તેમના વ્યવસાયોનું ઔપચારિકકરણ કરવા માટેના ઉદ્યમ નોંધણી, (જ્યાં લાગુ પડે ત્યાં) જીએસટી નોંધણી , અને વ્યવસાય ઓળખની બીજી સામાન્ય પ્રક્રિયાઓ જેવા અલગ-અલગ માર્ગોથી પરિચિત કરીએ છીએ.

અહીં ધ્યેય વ્યવસાયના ઔપચારિકકરણ માટે દબાણ કરવાનું નહીં, પરંતુ તેને સુલભ અને લાભકારક બનાવવાનું હોવું જોઈએ.

4. ભરોસાપાત્ર માઇક્રોક્રેડિટની વધુ સારી પહોંચ

નાણાકીય સંસ્થાઓએ ગ્રામીણ ઉદ્યોગસાહસિકો માટે જેમાં ગીરવે મૂકવા માટે બહુ ઓછી કે નહિવત સંપત્તિની જરૂર પડે એવી નાની રકમની લોન ડિઝાઇન કરવી જોઈએ. પરંતુ માત્ર ધિરાણ પૂરતું નથી. ઘણા યુવાનો લોનના હપ્તા સમયસર ચૂકવવામાં કસૂરનો ડર, સંસ્થાઓ પર અવિશ્વાસ અથવા પજવણીની વાર્તાઓને કારણે ઔપચારિક લોન લેવાનું ટાળે છે.

સમુદાય-આધારિત સંગઠનો, સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સ (એસએચજી – સ્વ-સહાય જૂથો) અથવા સ્થાનિક સુવિધા મોડેલ્સ જોખમ ઘટાડવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી શકે છે. દાખલા તરીકે, અમે ઓછી આવકવાળા શ્રમિકોને સહાય પૂરી પાડતા નાણાકીય સેવા પ્રદાતાઓ સાથે જોડાણની સુવિધા આપીએ છીએ, પરિણામે ક્રેડિટ પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ મળે છે અને પહેલી પેઢીના ઉદ્યોગસાહસિકો માટે લોન લેવાનું વધુ સુલભ બને છે.

5. મહિલા-કેન્દ્રિત ઉદ્યોગસાહસ સંબંધિત સહાય

મહિલાઓને સુરક્ષિત કાર્યસ્થળો, તેમના પરિવારોના કાઉન્સેલિંગ, એક જગ્યાએથી બીજી જગ્યાએ અવરજવર સંબંધિત સહાય અને સહકાર્યકારોના નેટવર્કના રૂપમાં લક્ષિત સહાયની જરૂર હોય છે.

અમારો અનુભવ દર્શાવે છે કે પરિવારો સાથે, ખાસ કરીને પુરુષ સભ્યો સાથેની વાતચીત મહિલાઓને ઉદ્યોગસાહસ ચલાવવા માટે સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. થોડા કિસ્સાઓમાં, જ્યારે પરિવારોને વહેલા સામેલ કરવામાં આવ્યા હતા અને સહાય માટેના માળખાં સ્થાપિત હતા ત્યારે તાલીમ પૂરી કરનાર મહિલાઓ ઘેર રહીને અથવા ઘરની નજીકથી ચલાવી શકાય એવા ઉદ્યોગ-સાહસો શરૂ કરી શકી હતી .

આ સામાજિક અવરોધોને દૂર કર્યા વિના ફક્ત કૌશલ્ય વિકાસ જ મહિલાઓ માટે વ્યવહારુ ઉદ્યોગ-સાહસોમાં રૂપાંતરિત થાય એવી શક્યતા નથી.

6. સ્થાનિક માર્ગદર્શન કેન્દ્રો

નવા ઉદ્યોગસાહસિકોને નજીકના વિસ્તારોના સફળ નાના ઉદ્યોગોના માલિકો સાથે જોડીને તાલીમ અને વ્યવસાય ચલાવવાના રોજબરોજના કામ વચ્ચેનું અંતર દૂર કરી શકાય.

અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બેઠક યોજવાની સુવિધા આપીએ છીએ જ્યાં અગાઉ તાલીમ લઈ ચૂકેલા યુવાનો ભેગા થાય છે, તેમાં માઇક્રો-એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી હોય એવા અને પ્રમાણમાં સ્થિર વ્યવસાય ચલાવી રહેલા બીજા યૌવાનો પણ હોય છે. આ વાતચીત સાથીઓ પાસેથી શીખવા અને અનુભવ શેર કરવા માટેની તકો ઊભી કરે છે.

સમય જતાં આ બેઠકો અનૌપચારિક સહાયક વર્તુળો તરીકે પણ કામ કરી શકે છે, જ્યાં યુવા સાહસિકો નિયમિતપણે પડકારોની ચર્ચા કરે છે, વ્યવહારુ ઉકેલોની આપલે કરે છે અને એકબીજાની સફરમાંથી શીખે છે. આવી જગ્યાઓ સાથી-માર્ગદર્શનને પ્રોત્સાહન આપે છે અને ઉદ્યોગસાહસિકોને રોજબરોજના વ્યવસાયિક નિર્ણયો વધુ આત્મવિશ્વાસ સાથે લેવામાં મદદ કરે છે.

માર્ગદર્શન કેન્દ્રો યુવાનોને પડકારોનો સામનો કરવામાં, નેટવર્ક ઊભું કરવામાં અને બજાર જોડાણોની પહોંચમાં પણ મદદ કરી શકે છે.

અમે જાણીએ છીએ કે ચિંતાને કારણે થતા સ્થળાંતર અથવા ગ્રામીણ અલ્પરોજગારી માત્ર કૌશલ્ય-વિકાસથી અટકશે નહીં. યુવા ઉદ્યોગસાહસિકો નાજુક અસ્તિત્વમાંથી સ્થિતિસ્થાપક વૃદ્ધિ તરફ આગળ વધશે ત્યારે જ તેઓ નોકરી અને આશાના સાચા સ્થાનિક એન્જિન બનશે.

અસ્તિત્વથી વિકાસ સુધી

ગ્રામીણ યુવાનોમાં કૌશલ્ય, હિંમત કે વિચારોનો અભાવ છે એવું નથી. જો કંઈ ​​ગેરહાજર હોય તો એ છે એક સહાયક ઇકોસિસ્ટમ જે તેમને નાના સ્ટોલ, ગેરેજ અથવા ટેલરિંગ યુનિટ્સને ધમધમતા, સ્થિતિસ્થાપક વ્યવસાયોમાં ફેરવવામાં મદદ કરે. નીતિ ઘડનારાઓ, ભંડોળ આપનારાઓ અને બિન-નફાકારક સંસ્થાઓ તરીકે આપણે કેટલા યુવાનોને તાલીમ આપવામાં આવી તેની ગણતરી કરીને અટકવું ન જોઈએ. તેઓ ટકાઉ કમાણી કરી રહ્યા છે કે નહીં, તેમના સાહસો વિકસાવી રહ્યા છે કે નહીં અને બીજા  લોકોને નોકરી પર રાખી રહ્યા છે કે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.

આવું કરીશું તો જ ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા માત્ર ગરીબીમાંથી બચવાના સાધન તરીકે નહીં, પરંતુ સમૃદ્ધ સ્થાનિક અર્થતંત્રો બનાવવાના એક માર્ગ તરીકેનું તેનું વચન પૂરું કરી શકશે.

*ગોપનીયતા જાળવવા માટે નામ બદલ્યું છે.

આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.

વધુ જાણો

  • મહિલાઓના નેતૃત્વ હેઠળના એમએસએમઈને જે અવરોધોનો સામનો કરવો પડે છે તેને કેવી રીતે દૂર કરી શકાય તે વિશે વધુ જાણો.
  • ભારતનું એમએસએમઈ ક્ષેત્ર કૌશલ્યના અંતરનો કેવી રીતે સામનો કરે છે તે વિશે વધુ વાંચો.
donate banner
We want IDR to be as much yours as it is ours. Tell us what you want to read.
ABOUT THE AUTHORS
મોના અગ્રવાલ-Image
મોના અગ્રવાલ

મોના અગ્રવાલ ઉદયપુરમાં આજીવિકા બ્યુરો સાથે કામ કરે છે, ત્યાં તેઓ કૌશલ્ય, સંશોધન અને સંચાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમનું કામ કૌશલ્ય પ્રશિક્ષણથી ટકાઉ રોજગાર અને ઉદ્યોગસાહસિકતા તરફના સંક્રમણમાં વિશેષ રસ સાથે ગ્રામીણ અને સ્થળાંતરિત યુવાનો માટે આજીવિકાના પરિણામો સુધારવા પર કેન્દ્રિત છે. મોના ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (ટીસ), મુંબઈમાંથી આજીવિકા અને સામાજિક ઉદ્યોગસાહસિકતામાં અનુસ્નાતકની પદવી ધરાવે છે અને પ્રોગ્રામ ડિઝાઇન અને ક્ષેત્ર-આધારિત આંતરદૃષ્ટિ પર નજીકથી કામ કરે છે.

જાહિદ મકરાણી-Image
જાહિદ મકરાણી

જાહિદ મકરાણી સ્કિલ ટ્રેનિંગ, એમ્પ્લોયબિલિટી એન્ડ પ્લેસમેન્ટ (સ્ટેપ) એકેડમી, આજીવિકા બ્યુરો, ઉદયપુર ખાતે એક્ઝિક્યુટિવ છે. તેમની પાસે 14 વર્ષથી વધુનો અનુભવ છે અને તેમણે કૌશલ્ય તાલીમ અને પ્લેસમેન્ટ પહેલના ક્ષેત્રમાં ખૂબ કુશળતા વિકસાવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને તેની ઉપર દેખરેખ રાખી છે. જાહિદે મોહનલાલ સુખડિયા યુનિવર્સિટી, રાજસ્થાનમાંથી બીએની ડિગ્રી મેળવી છે.

સંજય ચિત્તોરા-Image
સંજય ચિત્તોરા

સંજય ચિત્તોરા ઉદયપુરના આજીવિકા બ્યુરો ખાતે સ્કિલ ટ્રેનિંગ, એમ્પલોયેબીલિટી એન્ડ પ્લેસમેન્ટ (સ્ટેપ) એકેડેમીનું નેતૃત્વ કરે છે. ટ્રેનિંગ એન્ડ પ્રોગ્રામ મેનેજમેન્ટ (તાલીમ અને કાર્યક્રમ વ્યવસ્થાપન) માં 17 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા સંજય વ્યાવસાયિક તાલીમ, જીવન કૌશલ્ય અને રોજગાર પહેલ પર દેખરેખ રાખે છે. સંજય યુએસએસડબલ્યુ-રાજસ્થાન વિદ્યાપીઠ, ઉદયપુરમાંથી સોશિયલ વર્કમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે.

COMMENTS
READ NEXT