
દિલ્હીમાં ચાર વર્ષ સુધી છૂટક અને વેચાણ ક્ષેત્રે કામ કર્યા પછી અને ત્યારબાદ બીજા બે વર્ષ સુધી પાકકલા (કલિનરી આર્ટ્સ) ની ડિગ્રી માટેનો અભ્યાસ કર્યા પછી ડિસેમ્બર 2024 માં હું મારા વતન ઐઝવાલ પાછો ફર્યો હતો. ત્યારબાદ મેં અહીં નીલી દુકાન (વાદળી દુકાન) નામની ચાની એક નાનકડી દુકાન શરુ કરી હતી. એ એક નાનકડી જગ્યા છે, અહીં ગ્રાહકોને બેસવા માટેની ફકત એક જ પાટલી છે છતાં અહીં હંમેશા લોકોની ભીડ રહે છે. હું હિન્દીમાં વાતચીત કરી શકું છું એટલે ફક્ત સ્થાનિક લોકો જ નહીં, પરંતુ બિન-સ્થાનિક (બહારના) લોકો પણ મારી દુકાનમાં આવે છે. ગુવાહાટી, શિલોંગ, સિલચર અને કોલકાતા જેવા શહેરોના લોકો અહીં આવકારનો અનુભવ કરે છે.
નીલી દુકાનની લોકપ્રિયતાએ તેને એક સ્થિર વ્યવસાયમાં ફેરવી દીધી છે. પરંતુ એ સફરમાં હું પણ ઘણા પાઠ પણ શીખ્યો છું. શરૂઆતમાં હું ગ્રાહકોને પીરસવા માટે ડિસ્પોઝેબલ (નિકાલજોગ-એક વાર વાપરીને ફેંકી દેવાય તેવી) કટલરીનો ઉપયોગ કરતો હતો. જોકે ટૂંક સમયમાં જ મને ખ્યાલ આવી ગયો કે આનાથી ઘણો કચરો થઈ રહ્યો છે. આ પડકારને પહોંચી વળવામાં મને મદદ કરવામાં મેં કેટલાક સરળ ઉકેલો શોધી કાઢ્યા હતા. પ્લાસ્ટિકની બાટલીઓ ફક્ત એક જ દિવસમાં કચરાપેટી ભરી દેતી હોવાથી મેં તે વાપરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું અને ગ્લાસમાં પાણી પીરસવાનું શરૂ કર્યું હતું; ખોરાક પીરસવા માટે પણ મેં સ્ટીલની થાળીઓનો ઉપયોગ શરૂ કર્યો હતો. ગયા વર્ષ સુધી હું પેકેજ્ડ કાર્ટન દૂધનો ઉપયોગ કરતો હતો. એમાં રોજ 20–25 જેટલા કાર્ટન વપરાતા હતા, જેનો કચરો ભેગો થતો હતો. કચરાની ટ્રક કચરો એકઠો કરવા ન આવે ત્યાં સુધી ઢગલો વધતો રહેતો હતો ને જગ્યા રોકતો રહેતો હતો. શરૂઆતમાં હું આ ખાલી કાર્ટન ગિલિયડ સ્પેશિયલ સ્કૂલને દાન કરતો હતો, આ શાળા કાગળની પ્લેટો બનાવવા માટે તેમને રિસાયકલ કરતી હતી પરંતુ મારા માટે રોજેરોજ આમ કરવું સરળ નહોતું.
ડિસેમ્બર 2025 થી હું એક વિક્રેતા પાસેથી સ્થાનિક દૂધ લેવા માંડ્યો છું, ઐઝવાલથી થોડા કિલોમીટર દૂર આવેલા લુંગલેંગ ગામમાં તેમનું ડેરી ફાર્મ છે. દૂધ ઉત્તમ ગુણવત્તાનું છે. હું રોજ જોઈએ એટલું દૂધ પ્લાસ્ટિકના અને સ્ટીલના દૂધના વાસણોમાં ભરી લઉં છું. કાર્ટનના નિકાલની ઝંઝટની હવે મને ચિંતા નથી, પરિણામે આ ફેરફાર મારી દુકાન માટે સગવડભર્યો અને ટકાઉ નીવડ્યો છે.
હું જાણું છું કે આ ઉકેલો દરેક ધંધા માટે કામ ન પણ લાગે. હું જે કટલરી વાપરું છું તેને ધોવા અને સૂકવવા માટે મારી પાસે જગ્યા છે; ઘણા ધંધા પાસે એ સુવિધા હોતી નથી. પરંતુ હું જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું તેને ઉકેલવા માટે હું આવું કરી શકું છું.
આગળ જતાં હું જે ફેરફારો કરવાનું વિચારી રહ્યો છું તે બહુ મોટા ન પણ હોય, પણ મને લાગે છે કે તે વ્યવહારુ છે. હું હાલ જે પ્લાસ્ટિકના પેકેટો ખરીદું છું ને બદલે વિક્રેતા પાસેથી કાચની બાટલીઓમાં લીંબુનો રસ ફરી ભરાવવાનો વિચાર કરી રહ્યો છું. પછીથી હું સાફ કરીને આ બાટલીઓ ફરીથી વાપરી શકું છું. કદાચ એ બધી બાટલીઓ એકસાથે ખરીદવાનું અમને ન પોસાય પરંતુ તે લાંબા સમય સુધી ચાલે છે, આનાથી મારો ખર્ચ અને દુકાનમાંથી ઉત્પન્ન થતો કચરો ઓછો કરવામાં મદદ મળે છે.
ચુઔઝિકપુઈયા પચુઆઉ મિઝોરમના ઐઝવાલમાં નીલી દુકાનના માલિક છે.
આ લેખ આઈડીઆરના 2025–26 ના નોર્થઇસ્ટ ફેલો માલસાવ્મદાવંગલિયાની તારાને આપવામાં આવેલી માહિતી પર આધારિત છે.
આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.
—
વધુ જાણો: પોતાની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી કલાકૃતિઓ બનાવતા મિઝોરમના એક ફ્રિજ મેગ્નેટ કલાકાર વિશે વાંચો.
વધુ કરો: લેખકના કામ વિશે વધુ જાણવા અને તેમના કામને તમારું સમર્થન આપવા chuauzikpuia@gmail.com પર તેમનો સંપર્ક સાધો.