વધતી જતી ગરમી અને ભેજ સામે ઝઝૂમી રહેલા ઘેરથી કામ કરતા કારીગરોના અનુભવો દર્શાવે છે કે સંસ્થાકીય અને આબોહવા-સંબંધિત નીતિઓએ વ્યવસાયિક સુરક્ષાની સમસ્યાને હલ કરવાની પદ્ધતિ પર શા માટે પુનર્વિચાર કરવો જોઈએ.

READ THIS ARTICLE IN

9 min read

અમદાવાદના 44 વર્ષના નિષ્ણાત કારીગર શહનાઝ કુચરાવાલા હસ્તકલાનું કામ ઋતુચક્ર મુજબ કેવી રીતે થાય છે એ વર્ણવે છે. તેઓ કહે છે, “બ્લોક પ્રિન્ટિંગનું કામ ઉનાળામાં કરવામાં આવે છે કારણ કે ત્યારે રંગ(ડાઇ) અને કાપડ સરળતાથી સુકાઈ જાય છે. ભરતકામ અને સિલાઈકામ માટે ઓછા ભેજવાળું વાતાવરણ વધુ સારું રહે છે, કારણ કે ચોમાસા દરમિયાન કુદરતી કાપડ ફૂલી શકે છે અથવા તેમાં ફૂગ લાગી શકે છે કે ડાઘ પડી શકે છે.” જોકે તાજેતરના વર્ષોમાં વધતી જતી ગરમી, ભેજ અને કમોસમી વરસાદે આ પરંપરાગત કાર્યશૈલીમાં વિક્ષેપ પાડવાનું શરૂ કર્યું છે. તેઓ સમજાવે છે, “અમને અમારું મોટાભાગનું કામ તહેવારોની મોસમ પહેલાં, એટલે કે ઉનાળામાં મળે છે. પરંતુ ગરમીને કારણે કારીગરો કે તેમના પરિવારના સભ્યો બીમાર પડતા હોવાથી, ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની જાય છે અને ક્યારેક તો અમે ગ્રાહકો પણ ગુમાવી બેસીએ છીએ.”

વૈશ્વિક સ્તરે, ગરમીના મોજા જેવી આત્યંતિક હવામાનની ઘટનાઓ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે અને પહેલા કરતા વધારે લાંબા સમય સુધી ચાલુ રહે છે, ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં અર્બન હીટ આઇલેન્ડ અસરો વધુ તીવ્ર બની રહી છે. ગુજરાત પણ તેમાં અપવાદ નથી. આબોહવા સંબંધિત સંકટોથી સૌથી વધુ જોખમમાં હોય એવા વિશ્વના ટોચના પચાસ પ્રદેશોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં છેલ્લા ત્રણ દાયકામાં ગરમીના મોજાના સમયગાળા અને તીવ્રતામાં સતત વધારો જોવા મળ્યો છે અને 2030 સુધીમાં તેમાં પાંચ ગણો વધારો થવાનો અંદાજ છે. આ આબોહવા પરિવર્તન અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના સ્વાસ્થ્ય અને આજીવિકા માટે મોટા જોખમો ઊભા કરે છે અને હાલની સામાજિક-આર્થિક સંવેદનશીલતાને વધુ ગંભીર બનાવે છે. અભ્યાસોએ વધતા તાપમાનને ઉત્પાદકતામાં ઘટાડા અને બીમારી અને તબીબી ખર્ચના વધતા બોજ સાથે પણ જોડ્યું છે.

2024 માં, અર્બન ડિઝાઇન સ્ક્વેર અને સેવા કોઓપરેટિવ ફેડરેશન (એસસીએફ) એ એસસીએફની આબોદાના મંડળી સાથે સંકળાયેલ મહિલા હસ્તકલા કારીગરો સાથે મળીને એક અભ્યાસ હાથ ધર્યો હતો, આ અભ્યાસનો હેતુ આ કારીગરો ભારે ગરમી અને અતિશય વરસાદનો સામનો કેવી રીતે કરી રહ્યા છે તે સમજવાનો હતો. એ સમયે, આ સહકારી સંસ્થાનું કામ અમદાવાદના ઢાળની પોળમાં આવેલી એક ઐતિહાસિક પરાંપરાગત હવેલીમાંથી ચાલતું હતું, એ હવેલી કારીગરો માટે કામ કરવાના સ્થળની સાથેસાથે ભેગા થવાનું એક સ્થળ પણ હતી. પછીથી આબોદાના(મંડળી) એ જ વિસ્તારમાં બીજા સ્થળે સ્થળાંતરિત થઈ છે.

What is IDR Answers Page Banner

દરમિયાન ઉત્પાદનનું કામ મુખ્યત્વે અમદાવાદ શહેરમાં અને પાડોશી મહેસાણા જિલ્લામાં ફેલાયેલા ઘેરથી કામ કરતા કારીગરોના એક નેટવર્ક દ્વારા કરવામાં આવે છે. તેઓ અનૌપચારિક અર્થતંત્રના ભાગરૂપે કામ કરતા હોવાથી આ કારીગરોની સમસ્યાઓ કે તેમના પડકારો પૂરતા પ્રમાણમાં દસ્તાવેજીકૃત થયેલા હોતા નથી અને નીતિ ઘડવાની પ્રક્રિયામાં ઘણીવાર તેની તરફ ધ્યાન અપાતું નથી. વધુમાં, ઘરને – ખાસ કરીને ઘરની અંદરના પરિસરના ગરમ વાતાવરણના સંદર્ભમાં – કામના સ્થળ તરીકે સ્વીકારવાનું પ્રમાણ પણ મર્યાદિત રહ્યું છે.

અમારા સંશોધનના તારણોના આધારે અમે 2025 થી આબોદાનાના કારીગરો સાથે મળીને તેમના કામ અને રોજિંદા જીવન પર ગરમી અને વરસાદની અસરને ઘટાડવા માટેના ઉપાયો વિકસાવા માટે કામ કરી રહ્યા છીએ. હાલમાં ચાલી રહેલી આ પ્રક્રિયા દરમિયાન અમને મળેલા મુખ્ય તારણો અને શીખવા મળેલી બાબતોનો આ લેખમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આબોદાના (મંડળી) એક ઐતિહાસિક પરાંપરાગત હવેલીમાંથી કામ કરતી હતી ત્યારે કામકાજ માટે માત્ર બે જ રૂમ ઉપલબ્ધ હતા અને સામાન રાખવાની જગ્યા પણ મર્યાદિત હતી. મુલાકાતીઓ, ભોજનના વિરામ અને હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહિલાઓએ સતત તેમની કામ કરવાની જગ્યા બદલવી પડતી હતી. | તસવીર સૌજન્ય: અર્બન ડિઝાઈન સ્ક્વેર

કામના સ્થળો કેવી રીતે જોખમ ઊભું કરે છે

શહેરના મોટાભાગના અસંગઠિત ક્ષેત્રના કાર્યબળની જેમ આ સહકારી સંસ્થાના કારીગરો સામાન્ય રીતે અનૌપચારિક વસાહતો (ઝૂંપડપટ્ટી) માં રહે છે, અપૂરતી અને કથળતી જતી માળખાકીય સુવિધાઓ અને સ્વચ્છતા અને પરિવહન જેવી મૂળભૂત સેવાઓની અપૂરતી પહોંચ આ વસાહતોની લાક્ષણિકતાઓ છે. હવા-ઉજાસની નબળી વ્યવસ્થા, ઠંડક, ખુલ્લી જગ્યાઓ અને લીલોતરી ધરાવતા વિસ્તારોના અભાવ જેવા પરિબળોને કારણે શ્રમિકોના ઘરો ગરમીના મોજાનો સામનો કરવા માટે પણ પૂરતા સજ્જ હોતા નથી. ઘેરથી કામ કરતા શ્રમિકો, જેઓ તેમનો મોટાભાગનો સમય ઘરની અંદર વિતાવે છે તેમને આસપાસના પરિસરના ઊંચા તાપમાનને કારણે શારીરિક તકલીફ ભોગવવા વારો આવે છે અને તેમની ઉત્પાદકતા પર અસર પહોંચે છે.

કેટલાક કારીગરો વહેંચાયેલ કાર્યસ્થળ (શેર્ડ વર્કસ્પેસ) નો ઉપયોગ કરતા હતા જ્યારે બીજા લોકો ઘેરથી કામ કરતા હતા, તેથી અમે તેના લેઆઉટને સમજવા અને લોજિસ્ટિક્સ, સંગ્રહ, વેચાણ અને ઉત્પાદન કાર્ય માટે મહિલાઓએ દિવસભર એ જગ્યાનો ઉપયોગ કેવી રીતે કર્યો તે જોવા માટે ઢાળની પોળની હવેલીમાં એક એક્ટિવિટી મેપિંગ કસરત હાથ ધરી હતી. વધુમાં અમે ઘેરથી કામ કરતા, સરેરાશ ~10×5 ફૂટના ઘરોમાં રહેતા, કારીગરોના ઇન્ટરવ્યુ લીધા હતા, જેથી તેમના જગ્યાના ઉપયોગ અને તેની સાથે સંબંધિત ચોક્કસ પડકારો વિશે જાણી શકાય. અમે ચાર મુખ્ય વિષયવસ્તુને આધારે માહિતીનું વિશ્લેષણ કર્યું: જગ્યાની ઉપલબ્ધતા, સુવિધાઓની પહોંચ, ઠંડક અને હવા-ઉજાસ.

નકશા 1 અને 2: કાર્યસ્થળ પર અપૂરતા કૃત્રિમ પ્રકાશને કારણે કારીગરોએ ઘણીવાર ઝીણવટભર્યું કામ કરતી વખતે ખુલ્લી બારીઓ પાસે જમીન પર બેસવું પડતું હતું. | તસવીર સૌજન્ય: અર્બન ડિઝાઈન સ્ક્વેર

હવેલીના કારીગરોને ઝીણવટભર્યું બારીક કામ કરવા માટે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવા દિવસના મોટાભાગના સમય માટે પડદા અને બારીઓ ખુલ્લા રાખવાની જરૂર પડતી હતી, પરિણામે અંદર ગરમ હવા અથવા ‘લૂ’ વાતી હતી. આને કારણે પંખા અથવા આ જગ્યાના એકમાત્ર કુલરને કારણે રહેતી મર્યાદિત રાહતની અસર બિલકુલ ખતમ થઈ જતી હતી.

donate banner

વધુમાં, કપડાં અથવા એપ્લિક વર્કના કામ માટે કાપડ કાપવા પંખા અને કુલર સંપૂર્ણપણે બંધ કરવા પડતા હતા. આનાથી, ખાસ કરીને સખત ગરમી અને ભેજના સમયગાળા દરમિયાન, વધુ અગવડ થતી હતી.

હવેલીના પરિસરની અંદરની ગરમી અને કામ કરવા માટેની મર્યાદિત જગ્યાની સમસ્યાને પહોંચી વળવા કારીગરોને બારીઓ ખોલવા અને બંધ કરવામાં, કુલર અને પેડેસ્ટલ પંખાઓની જગ્યા બદલવામાં અને – બપોરનું જમવાનું, ગ્રાહકોને સંભાળવા, કાપવા માટે કાપડ ફેલાવવું – જેવી એક જ સમયે થતી વિવિધ પ્રવૃત્તિઓને સમાયોજિત કરવા માટે પોતાની જગ્યાની ફેરબદલ કરવા પાછળ પણ સમય ગાળવો પડતો હતો. આનાથી તેમના કામમાં બિનજરૂરી વિક્ષેપ અને વિલંબ થતો હતો.

(ઘેરથી કામ કરતા) કારીગરો તેમના ઘરોમાં બપોરના સમયે ત્રણથી ચાર કલાક ઓર્ડરનું કામ કરતા હતા, કારણ કે સવારના અને મોડી સાંજના કલાકો સામાન્ય રીતે ઘરેલુ કામકાજ કરવામાં અથવા આવક ઊભી કરતી બીજી પ્રવૃત્તિઓમાં પસાર થતા હતા. જોકે, ઝીણવટભર્યા કામ માટે જરૂરી યોગ્ય પ્રકાશના અભાવે કારીગરોએ લાંબા સમય સુધી આંખો ખેંચીને કામ કરવું પડતું હતું, પરિણામે ઘણાને આંખને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. કુદરતી પ્રકાશમાં કામ કરવા માટે કારીગરો ઘણીવાર ઘરના દરવાજા પાસે અથવા બહારના વરંડામાં પણ બેસતા હતા, પરંતુ એનાથી ગરમીના સીધા સંપર્કમાં આવવાનું અને અતિશય ગરમીને કારણે અસહ્ય થાક અથવા બેચેની લાગવાનું જોખમ રહેતું હતું.

પરિવહન દરમિયાન ગરમીનો સંપર્ક અને રોજિંદી દિનચર્યામાં અડચણ

કેટલાક કિસ્સાઓમાં ખાનગી વાહનોની લિંગ આધારિત પહોંચને કારણે મહિલા કારીગરોએ તેમના પોતાના આવવા-જવાના સમયનું આયોજન તેમના પતિના આવવા-જવાના સમયને ધ્યાનમાં રાખીને કરવું પડતું હતું (જેથી પતિ તેમને મૂકવા જઈ શકે અથવા તેમને વાહન મળી રહે). દૂર રહેતા કારીગરો, અને જેમની પાસે પોતાના વાહનો નહોતા તેમને ઓર્ડર લેવા અને પહોંચાડવા માટે આવવા-જવા માટે એકથી વધુ વાહનવ્યવહારના સાધનો (રિક્ષા, બસ અને પગપાળા જવા-આવવા) પર આધાર રાખવો પડતો હતો. એક પ્રકારના પરિવહનમાંથી બીજામાં જવામાં, મુસાફરીનું સાધન બદલવાની પ્રતિકૂળતામાં વધારાનો ખર્ચ, વધુ સમય અને વધુ ગરમીના સંપર્કમાં આવવાની સંભાવના સામેલ હતા. આ કારણે ગરમીના દિવસોમાં કારીગરો ડિલિવરી (માલ પહોંચાડવા) માટે મુસાફરી કરવાથી અથવા નવા ઓર્ડર લેવાથી પણ પાછા પડતા હતા. પરિણામે આખરે તેમની કમાણીની તકો મર્યાદિત થઈ જતી હતી.

ચોમાસાને કારણે પણ આવી જ અડચણો ઊભી થતી હતી, ખાસ કરીને જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા વધુ રહેતી હતી એવા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા કારીગરો માટે. કારીગરોના ઘરોમાં પાણી ભરાઈ જતું હતું, તેથી માલસામાનને થતું નુકસાન ટાળવું ખાસ કરીને પડકારજનક હતું. એક કિસ્સામાં, એક કારીગરે જણાવ્યું કે તેમના પોતાના ઘરમાં પાણી ભરાઈ જતા તેમના પરિવારને અચાનક ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું હતું પરિણામે તેઓ “બાદલા કામ” નો ઓર્ડર પૂરો કરી શક્યા નહોતા.

અંદર વધારાની જવાબદારીઓ માથે પડવા ઉપરાંત વેતન મેળવી આપતું કામ છોડવાને કારણે આવકનું પણ નુકસાન થતું. | તસવીર સૌજન્ય: જસમીત સિંહ/સેવા કોઓપરેટિવ ફેડરેશન

દેખભાળની વધતી જવાબદારીઓ

જેમના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા તેમાંના મોટાભાગના મહિલા કારીગરો તેમના ઘરોમાં બાળકો અને વૃદ્ધોની દેખભાળ કરનાર મુખ્ય વ્યક્તિઓ હતી. અતિશય ગરમી અને ચોમાસા દરમિયાન લૂ લાગવાને કારણે અને મચ્છર કે બીજી જીવાતોના કરડવાથી ફેલાતા વાહકજન્ય રોગોને કારણે પરિવારમાં બીમારીના કિસ્સાઓ વધ્યા હતા, પરિણામે પરિવારજનોની દેખભાળ કરવા માટે મહિલાઓને કામમાંથી વધુ રજાઓ લેવી પડતી હતી. ઘરની અંદર વધારાની જવાબદારીઓ માથે પડવા ઉપરાંત વેતન મેળવી આપતું કામ છોડવાને કારણે આવકનું પણ નુકસાન થતું. વધુમાં, કારીગરોને પોતાને માટે પણ બીમારીનું જોખમ વધુ હતું. મહિલાઓએ ઉનાળામાં તાવ, ડિહાઇડ્રેશન, ઉલટી, માથાનો દુખાવો અને અશક્તિ જેવા લક્ષણો અનુભવ્યા હોવાનું જણાવ્યું હતું, અને કેટલીક મહિલાઓને તો હોસ્પિટલમાં દાખલ પણ થવું પડ્યું હતું. આવી પરિસ્થિતિઓમાં, અગાઉથી સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા વૃદ્ધ કારીગરો વિશેષ જોખમમાં હોય છે, કારણ કે લાંબા સમય સુધી ગરમીના સંપર્કમાં રહેવાથી માઈગ્રેન અને હૃદયરોગ જેવી બીમારીઓ વકરી શકે છે.

સેવાના હેલ્થ એન્ડ સોશિયલ સિક્યોરિટી વિભાગ (આરોગ્ય અને સામાજિક સુરક્ષા વિભાગ) દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થની સાથે મળીને ચાર જિલ્લાના અસંગઠિત ક્ષેત્રના 40 મહિલા શ્રમિકોના અલગથી કરવામાં આવેલા એક પ્રાથમિક અને ઝડપી મૂલ્યાંકનમાં પણ જાણવા મળ્યું હતું કે આ મહિલા શ્રમિકો સરેરાશ લગભગ સાડા છ કલાકના કામ ઉપરાંત ઘરેલુ કામકાજ પાછળ પણ દરરોજ સરેરાશ ત્રણ કલાક વિતાવતા હતા. આનાથી શરીરને થાક ઊતારવા કે સામાન્ય સ્થિતિમાં પાછું આવવા માટે મર્યાદિત સમય રહે છે, જે શરીરના તાપમાનને યોગ્ય રીતે નિયંત્રિત રાખવા (થર્મોરેગ્યુલેશન) માટે ખૂબ જ જરૂરી છે.

સુવિધાઓની ઉપલબ્ધતા

જુદા જુદા વિસ્તારોના કારીગરો માટે પીવાના પાણીના અને વીજળીના પુરવઠામાં વિક્ષેપની સ્થિતિ અલગ અલગ હતી. અમદાવાદની સૌથી મોટી અનધિકૃત વસાહતો (ઝૂંપડપટ્ટીઓ) ધરાવતા વાડજ વિસ્તારના કારીગરો માટે આ સુવિધાઓની ઉપલબ્ધતાના સમય અને માત્રામાં થતી વધ-ઘટ ખૂબ જ વધારે હતી. ઉનાળા દરમિયાન, દિવસમાં બે વાર પાણી વિતરણનું આયોજન હોવા છતાં, ઘણીવાર મ્યુનિસિપાલિટીનો સાંજનો પાણી પુરવઠો ખોરવાઈ જાય છે. ઉનાળો તેની ચરમસીમાએ હોય તે દરમિયાન આ વિસ્તારોમાં વીજળી કાપની સમસ્યાનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.

કારીગરોને હવેલી ખાતે મૂળભૂત સુવિધાઓનો ઉપયોગ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. શૌચાલય મકાનની બહાર અને નીચેના માળ પર (ભોંયતળિયે) આવેલું હતું. ગરમીમાં બહાર જવાનું ટાળવા માટે ઘણા કારીગરો જાણીજોઈને પાણી પીવાનું ઓછું કરી દેતા હતા. શૌચાલયની સુવિધાઓના અભાવ અથવા નબળી સુવિધાઓને કારણે આ હવે એક વધુ ને વધુ સામાન્ય બનતી જતી ખોટી આદત છે, જે ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવા) નું જોખમ વધારે છે.

શૌચાલય હવેલીની બહાર અને નીચેના માળ પર (ભોંયતળિયે) આવેલું હતું. પોતાનું કામ અટકાવીને બહાર ન જવું પડે તે માટે કારીગરો ઘણીવાર વિરામ લેવાનું ટાળતા અથવા વિરામનો સમય મર્યાદિત કરતા હતા. ક્યારેક પહેલા માળે આવેલા કાર્યસ્થળ સુધી તેમણે પાણીના ભારે જગ ઊંચકીને લઈ જવા પડતા હતા. | તસવીર સૌજન્ય: અર્બન ડિઝાઈન સ્ક્વેર

અતિશય ગરમી સાથે અનુકૂલન અને ઘરની અંદર કામ દરમિયાન ગરમીનો સામનો કરવા માટેના રસ્તાઓ શોધવા

જોકે કારીગરોએ નોંધ્યું હતું કે શહેરની સામાન્ય આબોહવાકીય પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હતી—જેમાં તાપમાનમાં વધારો અને ઉનાળાનો લંબાયેલો સમયગાળો સામેલ છે— અને આ ગરમી કેવી રીતે તેમની દિનચર્યા અને આજીવિકાના સ્વરૂપને બદલી રહી છે એ વાતની તેઓ વિગતવાર ચર્ચા કરતા હતા ત્યારે પણ મોટાભાગના કારીગરોએ ગરમીમાં થતા આ વધારાને એક જોખમ તરીકે સ્પષ્ટપણે સ્વીકાર્યું ન હતું. “થાક, કંટાળો અને ગરમી” જેવી લાગણીઓને તેઓ માત્ર મોસમી અગવડતાઓ તરીકે જ જોતા હતા. વધુમાં, મહિલાઓએ કામને ‘સંભાળવાની’ પોતાની ક્ષમતા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું કે તેઓ ઊંચા તાપમાનમાં કામ કરવા માટે ટેવાયેલા છે. ઉપરાંત લૂ લાગવાથી ઊભા થતા સ્વાસ્થ્ય સંબંધિત જોખમો વિશે કારીગરોમાં પૂરતી જાગૃતિ ન હોવાને કારણે તેઓ સાવચેતીના યોગ્ય પગલાં લેતા નથી, પરિણામે ગરમી સંબંધિત બીમારીઓનું જોખમ વધુ રહે છે.

મહિલાઓએ તેઓ કામ કરવાનું ચાલુ રાખી શકે એ માટે તેઓ અતિશય ગરમી સાથે અનુકૂલન શી રીતે સાધતા હતા એની વિવિધ રીતો વિશે વિગતવાર જણાવ્યું. ઠંડક જાળવી રાખવા માટે તેઓ લીંબુનું શરબત પીતા અને ભીના કપડાથી માથું ઢાંકતા, જ્યારે બીજી મહિલાઓ તાપમાન ઓછું હોય ત્યારે, સાંજે અથવા મોડી રાત્રે, કામ કરતી. કારીગરોને ઘેર ઠંડક આપનારાં ઉપકરણો (કૂલર કે એસી) હોય તો પણ વીજળીનો ખર્ચ બચાવવા માટે તેઓ દિવસ દરમિયાન સગવડ સાથે બાંધછોડ કરતા (ગરમી સહન કરતા) અને તેમનો પરિવાર સાથે મળીને તેનો લાભ લઈ શકે એમ હોય એવા સમયે જ એનો ઉપયોગ કરતા. જોકે, દિવસ દરમિયાન કુદરતી પ્રકાશમાં કામ કરવાથી ગરમીના સંપર્કમાં આવવું પડતું હતું, તો રાત્રે કામ કરવાથી કૃત્રિમ અને ઘણીવાર અપૂરતા પ્રકાશ પર નિર્ભર રહેવું પડતું હતું, જેનાથી આંખો ખેંચાતી હતી.

મહત્વનું છે કે, આવી ગોઠવણોથી પણ મહિલાઓના એકંદર કાર્યભારમાં ઘટાડો થયો નહોતો. હસ્તકલા ઉત્પાદનનું કામ સાંજના અથવા રાતના સમયે ધકેલાયું ત્યારે તે હાલના ઘરેલુ કામકાજ અને સંભાળ રાખવાની જવાબદારીઓ ઉપરાંતનું એક વધારાનું કામ હતું. આ રીતે ગરમી સાથે અનુકૂલન સાધવા ઘણીવાર મહિલાઓને આરામ કરવા અને થાક ઉતારવાના ભોગે તેમના કામના કલાકો લંબાવવા પડતા હતા.

બોટમ-અપ (તળ-સ્તરથી) અનુકૂલન અને સાથે મળીને ઉકેલો શોધવા

આબોદાના મંડળી કારીગરોની જ માલિકીની અને કારીગરોના પોતાના દ્વારા જ સંચાલિત હોવાથી તેના સભ્યો ગરમીના સંપર્કને રોકવા અથવા ઘટાડવા માટે કેટલાક પગલાં લઈ શક્યા છે અને કૌટુંબિક અને સંભાળને લગતી વધારાની જવાબદારીઓ પણ સંભાળી શક્યા છે. આમાં કામના મુક્ત કલાકો, કારીગરોને કાચો માલ ઘેર પહોંચાડવો અને તૈયાર થયેલા ઉત્પાદનો તેમને ઘેરથી લઇ આવવા અને સભ્યોને ઓર્ડર પૂરા કરવા એ ઘેર લઈ જવાનો વિકલ્પ આપવાનો સમાવેશ થાય છે. આ મંડળીએ તેના સભ્યોને સરકારી યોજનાઓ અને આરોગ્ય વીમા (મેડિક્લેમ) નો લાભ સરળતાથી મળી રહે તે માટે એક કડી તરીકે કામ કર્યું છે.

શ્રમિકોની આગેવાની હેઠળનો નિર્ણય લેવાનો આ અભિગમ અસંગઠિત ક્ષેત્રના અને ઘેરથી કામ કરતા શ્રમિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સમાન પ્રકારના સામૂહિક અનુકૂલન માટેનું એક ઉદાહરણ પૂરું પાડે છે.

વર્ષ 2024નો અભ્યાસ આ દિશામાં પહેલું પગલું ગણી શકાય. ગયા વર્ષથી અમે કારીગરો સાથે મળીને વ્યવહારુ, ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય તેવા ઉપાયો શોધવા પર કામ કરી રહ્યા છીએ, જેને તેઓ કોઈ વધારાના પ્રયાસ કે આર્થિક બોજ વિના તેમની રોજિંદી કામગીરીમાં સામેલ કરી શકે.

મહિલાઓ તેમના ઘરોમાં પહેલેથી, અંદર આવતી હવાને ઠંડી કરવા માટે બારીઓ પર ભીની ખસની ટટ્ટીઓ લટકાવવી અથવા સીધી ગરમીનું શોષણ ઘટાડવા માટે છત પર થર્મોકોલની શીટ્સ લગાવવી જેવા કેટલાક ઉપાયો અમલમાં મૂકી રહી હતી.

આ ઉપરાંત, અમે બીજા સંભવિત ઉપાયોનું પણ પરીક્ષણ કર્યું.

તેમાંનો પહેલો ઉપાય હતો ‘નેકબેન્ડ ફેન’ (ગળામાં પહેરી શકાય તેવો પંખો), કાપડ કાપવા જેવા ચોક્કસ કામો માટે સીલિંગ ફેન કે કુલર બંધ કરવા પડતા હોય ત્યારે આ પંખાનો ઉપયોગ થઈ શકે. જોકે તે સંપૂર્ણ વિકલ્પ બની શકશે તેવી અપેક્ષા નહોતી, પરંતુ આ નેકબેન્ડ ફેન પૂરતી ઠંડક આપવામાં નિષ્ફળ રહ્યો એટલું જ નહીં, પરંતુ કાપડ કાપતી વખતે શારીરિક અડચણ પણ ઊભી કરતો હતો. આ ઉપાય ભલે પરવડે તેવો હોય તો પણ આખરે એ મહિલાઓની જરૂરિયાતોને અનુરૂપ નહોતો; આ અનુભવે કોઈપણ ઉપાયની ભલામણ કરતા પહેલા કે તેને મોટા પાયે અમલમાં મૂકતા પહેલા કારીગરો સાથે તેનું પરીક્ષણ કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

બીજો પ્રસ્તાવ હતો સૌર ઉર્જાથી ચાલતી પોર્ટેબલ લાઇટનો, જેનો ઉપયોગ હવેલીમાં અને કારીગરોના ઘરોમાં બંને જગ્યાએ થઈ શકે. આ લાઇટ મહિલાઓને ઝાંખા પ્રકાશવાળી જગ્યાઓમાં અથવા જ્યારે સ્પષ્ટ દેખાતું ન હોય તેવા સમયે કામ કરવા અસરકારક ઉકેલ પૂરો પાડતી હતી, જેથી તેઓ દિવસ દરમિયાન ઠંડક હોય એવા સમયે જેમ કે સાંજે અથવા રાતના સમયે કામ કરી શકે. મહત્ત્વની વાત એ હતી કે આ લાઇટ વીજળીના બિલમાં પણ વધારો કરતી નહોતી, અને મહિલાઓ આંખો ખેંચ્યા વગર અથવા ખાસ કરીને ઘરની સહિયારી (બધા વપરાશ કરતા હોય તેવી) જગ્યાઓમાં પરિવારના બીજા સભ્યોને ખલેલ પહોંચાડી શકે એવી ઓવરહેડ લાઇટિંગ વાપર્યા વિના આરામથી ઝીણવટભર્યું ભરતકામ કરી શકે એ માટે પૂરતું અજવાળું પૂરું પાડતી હતી.

અસરકારક આબોહવા પરિવર્તન અનુકૂલન માટે વ્યવહારુ, ઓછા ખર્ચાળ ઉપાયો અને (હવામાન વિષયક) સમયસર સચોટ માહિતીનો એકસાથે ઉપયોગ કરવો જરૂરી છે, જેથી ઘેરથી કામ કરતા શ્રમિકોના પડકારોનો વ્યાપક ઉકેલ પૂરો પાડી શકાય. | તસવીર સૌજન્ય: સેવા કોઓપરેટિવ ફેડરેશન

દરમિયાન, એક અલગ હવેલીમાં આ સહકારી મંડળીના નવા કાર્યસ્થળમાં કુલર અને ફ્રિજ ગોઠવવામાં આવ્યા છે. વધુમાં, અમે એસસીએફ ઓફિસમાં તાપમાન અને ભેજ સેન્સર મૂક્યું છે. તાપમાનના આંકડા ગંભીર સપાટી વટાવી જાય ત્યારે આ સહકારી મંડળી હવે કારીગરોએ કઈ સાવચેતી રાખવી તે અંગે વોટ્સએપ બ્રોડકાસ્ટ દ્વારા સમયસર સલાહ/સૂચનાઓ મોકલી શકે છે. આનો હેતુ સમુદાય માટે ઓછા ખર્ચવાળી અને સરળતાથી નકલ કરી બીજી જગ્યાએ પણ તૈયાર કરી શકાય તેવી ચેતવણી પ્રણાલી તરીકે કામ કરવાનો છે. આ માહિતી અથવા સંદેશાઓ અમદાવાદના હીટ એક્શન પ્લાન હેઠળ જાહેર આરોગ્ય પ્રણાલી દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવતી માહિતી અથવા સંદેશાઓ સાથે સુસંગત હોય છે. આ સૂચનોમાં પુષ્કળ પાણી પીવું (હાઇડ્રેટેડ રહેવું), દિવસના સૌથી ગરમ સમય દરમિયાન બહાર નીકળવાનું ટાળવું અને બહાર હો ત્યારે માથું ઢાંકીને રાખવું વગેરેનો સમાવેશ થાય છે. સેન્સર્સની અસરકારકતા અને કારીગરોના પ્રતિભાવોના આધારે આ પગલાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવશે, જેમાં હવેલી અને કડી કોમન ફેસિલિટી સેન્ટર સહિતના મુખ્ય કાર્યસ્થળો પર સેન્સર્સ લગાવવામાં આવશે.

કારીગરોમાંથી જ પસંદ કરાયેલા સહકારી મંડળીના બોર્ડના સભ્યોએ કારીગરોના પરિવારના સભ્યો માટે સુતરાઉ કપડાં સહેલાઈથી ઉપલબ્ધ કરાવવાના માર્ગો સૂચવ્યા છે. મહિલાઓ જે એક વિચાર પર વિચારણા કરી રહી છે તે એ છે કે સર્ક્યુલર ઈકોનોમી (ચક્રીય અર્થતંત્ર) માં એવી સક્રિય સંસ્થાઓ સાથે જોડાવું, જે માસિક ધોરણે સામુદાયિક સ્તરે થ્રિફ્ટિંગ (જૂની કે વપરાયેલી/સેકન્ડ હેન્ડ વસ્તુઓની સસ્તા દરે ખરીદી કે આપ-લે) નું આયોજન કરવામાં મદદ કરી શકે. રાજસ્થાની દરબાર સમુદાયના કારીગરોને લાગ્યું કે આ મુશ્કેલ હશે કારણ કે તેમના સમુદાયમાં સુતરાઉ કાપડ ‘ખૂબ સાદું’ માનવામાં આવે છે, પરંતુ સમૂહના બીજા સભ્યો દ્વારા આ સૂચન મોટાભાગે સ્વીકારવામાં આવ્યું હતું.

અમારા અનુભવના આધારે અમને સમજાયું કે ઘેરથી કામ કરતા કારીગરો જે જગ્યાએ રહે છે ત્યાંથી જ કામ કરે છે – એનો અર્થ એ છે કે ગરમીનો સંપર્ક અથવા વધુ વ્યાપક રીતે આબોહવા સંબંધિત તણાવ પેદા કરતા પરિબળો આસપાસના વાતાવરણમાં વણાયેલા અને સતત હાજર હોય છે – તેથી અસરકારક આબોહવા પરિવર્તન અનુકૂલન માટે વ્યવહારુ, ઓછા ખર્ચાળ ઉપાયો અને (હવામાન વિષયક) સમયસર સચોટ માહિતીનો એકસાથે ઉપયોગ કરવો જરૂરી છે, જેથી ઘેરથી કામ કરતા શ્રમિકોના પડકારોનો વ્યાપક ઉકેલ પૂરો પાડી શકાય. આ ઉકેલો સંપૂર્ણ નથી અને ગરમીની અસરોને પહોંચી વળવા માટે હજી ઘણું કરવાનું બાકી છે, પરંતુ આ ઉકેલો એ દિશામાં એક પગલું છે જ્યાં મહિલા કામદારો ગરમીને એક જોખમ તરીકે સ્વીકારે છે, અને સામૂહિક તેમ જ વ્યક્તિગત બંને સ્તરે સાવચેતીના પગલાં લેવા માટે વર્તનમાં થોડાઘણા સકારાત્મક ફેરફાર કરે છે.

જોકે આ ચર્ચાઓ હજી પણ ચાલુ છે, છતાં ટ્રાયલ એન્ડ એરરની (અજમાયશ કરીને ભૂલોમાંથી શીખવાની) અને સાથે મળીને ઉકેલો શોધવાની પ્રક્રિયાએ મહત્વના બોધપાઠ આપ્યા છે. તે નીતિ ઘડનારાઓ માટે ગરમી સંબંધિત સમસ્યા ઉકેલવા માટે વ્યવસાયિક સુરક્ષાના દ્રષ્ટિકોણને એકીકૃત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે, જેમાં ખાસ કરીને ઘેરથી કામ કરતા શ્રમિકોની વિશિષ્ટ જરૂરિયાતો અને અસુરક્ષિતતા ઉપર ધ્યાન આપવાનો પણ સમાવેશ થાય છે.

આ લેખ અંગ્રેજીમાંથી અનુવાદિત કરવામાં આવેલ છે. લેખનો ગુજરાતી અનુવાદ મૈત્રેયી યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલ છે.

—

વધુ જાણો

  • સેવા કોઓપરેટિવ ફેડરેશન અને અર્બન ડિઝાઇન સ્ક્વેર દ્વારા તૈયાર કરવામાં આવેલ સંપૂર્ણ વર્કસ્પેસ મેપિંગ અહેવાલ વાંચો.
  • ગ્લોબલ સાઉથના શહેરોમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો પર વધતી જતી ગરમીની અસરને સમજો.
  • નાગાલેન્ડમાં મહિલા શેરી વિક્રેતાઓ આબોહવા પરિવર્તન સાથે અનુકૂલન સાધવા માટે પરંપરાગત પ્રથાઓ અને સામુદાયિક નેટવર્કનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તે જાણો.
donate banner
We want IDR to be as much yours as it is ours. Tell us what you want to read.
ABOUT THE AUTHORS
નેહા રેચલ અબ્રાહમ-Image
નેહા રેચલ અબ્રાહમ

નેહા અબ્રાહમ સેવા કોઓપરેટિવ ફેડરેશનના એડવોકસી એન્ડ પાર્ટનરશીપ લીડ છે (તેઓ ફેડરેશનના પ્રચાર-પ્રસારની અને બીજી સંસ્થાઓ સાથે મળીને કામ કરવાની જવાબદારી સંભાળે છે). તેઓ મહિલા સહકારી મંડળીઓ દ્વારા સામનો કરવામાં આવતા આબોહવા સંબંધિત જોખમોને સમજવા માટે સહભાગી સંશોધનનું નેતૃત્વ કરે છે, જેનો ઉદ્દેશ્ય લિંગ, આજીવિકા અને આબોહવા પરિવર્તન સામે ટકી રહેવાની ક્ષમતાના આંતરસંબંધ વિશેના વાસ્તવિક પુરાવાઓને આધારે જરૂરી નીતિગત ફેરફારોની હિમાયત કરવાનો છે. સેવા સાથે જોડાતા પહેલા, નેહાએ સામાજિક સમાવેશકતા, પોષણ અને શાસન પદ્ધતિઓમાં સહભાગી અભિગમો પર સમગ્ર ભારતમાં સરકારો, દાતાઓ, બિન-નફાકારક સંસ્થાઓ અને પાયાના સ્તરના મહિલા નેતાઓ સાથે એક દાયકા કરતાં વધુ સમય સુધી કામ કર્યું હતું. એક પ્રશિક્ષિત એથનોગ્રાફિક (માનવવંશ વિજ્ઞાન) સંશોધક, નેહાએ દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સોશીઓલોજીમાં અનુસ્નાતકની પદવી મેળવી છે, અને તેઓ અગાઉ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન સેટલમેન્ટ્સમાં અર્બન ફેલો હતા.

સોફિયા ઈસ્લામ-Image
સોફિયા ઈસ્લામ

સોફિયા ઈસ્લામ અર્બન ડિઝાઈન સ્ક્વેરના સ્થાપક છે અને અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી ઓફ પ્લાનિંગમાં સહાયક અધ્યાપક તરીકે કાર્યરત છે. એક આર્કિટેક્ટ અને અર્બન ડિઝાઈનર તરીકે તેઓ શિક્ષણ, સંશોધન અને વ્યાવસાયિક પ્રેક્ટિસ ક્ષેત્રે આઠ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેમનું કામ શહેરોના સામાજિક અને ભૌગોલિક (અવકાશીય) પાસાઓ વચ્ચેના જટિલ સંબંધોને તપાસે છે અને તેઓ શહેરી વાતાવરણમાં રોજિંદા જીવન, સમાનતા અને સામૂહિક અનુભવોને અસર કરતા પરિબળોને સમજવામાં વિશેષ રસ ધરાવે છે. સોફિયાએ સેપ્ટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ પ્લાનિંગ (અર્બન ડિઝાઈન) ની પદવી મેળવી છે.

રોહન કિંગર-Image
રોહન કિંગર

રોહન કિંગર સેવા કોઓપરેટિવ ફેડરેશનમાં સંશોધન સલાહકાર છે. તેઓ એક મિક્સ-મેથડ્સ રિસર્ચર્સ (મિશ્ર પદ્ધતિઓનો ઉપયોગ કરતા સંશોધક) છે, તેઓ આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોનો સામનો કરવાની અસમર્થતા અને લિંગ-આધારિત અસંગઠિત શ્રમ વચ્ચેના સંબંધ પર કામ કરે છે, જેમાં ગુજરાતમાં અસંગઠિત મહિલા કામદારો માટે આત્યંતિક હવામાનની ઘટનાઓ આજીવિકા, સ્વાસ્થ્ય અને અનુકૂલન ક્ષમતાને કેવી રીતે આકાર આપે છે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રોહને અમદાવાદમાં સમુદાયિક સંસ્થાઓ સાથે અધિકારોની પહોંચ, નાણાકીય સમાવેશકતા, કૌશલ્ય વિકાસ, આજીવિકા, હિમાયત અને લોકશાહી શાસન માટે ક્ષમતા નિર્માણ સંબંધિત સમસ્યાઓ પર પણ કામ કર્યું છે. તેઓ ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે.

COMMENTS
READ NEXT